વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં રહેતા ભારતીય મૂળના સૌજન્યા કનીઘંટાનું અચાનક અવસાન થતા તેમના પતિ અને કુટુંબીજનોએ માનવતાને ઉજાગર કરતું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
પરિવારમાં એક સભ્યના નિધન બાદ શોક બાજુએ મૂકીને કુટુંબીજનોએ તેમના શરીરના મહત્વના અંગોનું દાન કરવાનો કપરો નિર્ણય લીધો હતો. અને, તેમના આ નિર્ણયના કારણે ઓસ્ટ્રેલિયામાં સાત વ્યક્તિઓને નવજીવન મળશે.
મળતી માહિતી પ્રમાણે, કલ્યાણ ગંગીનેની અને સૌજન્યા કનીઘંટા પર્થના થ્રોનલી સ્કવેર વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી રહે છે.
તેમનો અઢી વર્ષનો દીકરો વતન ભારતમાં દાદા-દાદી સાથે રહે છે. ગત અઠવાડિયે રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ 28 વર્ષીય સૌજન્યાબેનની તબિયત બગડી હતી.
અને, તેમને ઉલ્ટી તથા ગભરામણ થતાં તેમના પતિ કલ્યાણને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું.
તેમના પતિ કલ્યાણ ગંગીનેનીએ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર મિત્ર સાથે કારમાં જ પત્ની સૌજન્યાને પર્થની રોયલ પર્થ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જ્યાં તેનો રાત્રે સ્કેન કરવામાં આવતાં મગજમાં તકલીફ હોવાનું જાણવા મળ્યું હતું. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને સવારે MRI કરીને આગળની કાર્યવાહી કરીને મગજના રોગના નિષ્ણાત ઓપરેશન કરશે એમ જણાવ્યું હતું.
હોસ્પિટલમાં પત્નીને દાખલ કરીને કલ્યાણભાઈ પરોઢિયે પાંચ વાગે ઘરે આવ્યા પણ માત્ર ત્રણ કલાક બાદ જ ફરીથી તેમને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા.
ડોક્ટર્સે તેમણે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા સૌજન્યાને કાર્ડિયાક અરેસ્ટને કારણે CPR આપી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
કલ્યાણે SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ન્યુરો સર્જન તેમને સમય ન હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એમ જણાવી ઓપરેશન માટે જતા રહ્યા હતા.
Source: Kalyan Gangineni
અને, થોડા સમય બાદ સૌજન્યાનું નિધન થઇ ગયું.
કલ્યાણે જણાવ્યું હતું કે, પત્નીના નિધન બાદ તેઓ અચાનક ડઘાઈ ગયા હતા. તેમની પત્નીને શરીરમાં કોઇ પણ પ્રકારની તકલીફ નહોતી અને અચાનક જ બિમારી આવી તથા તેનું નિધન થઇ જતા તેમની આખી જિંદગી ઉથલ-પાથલ થઇ હોય એમ લાગ્યું હતું.
પત્નીના અવસાન બાદ તેઓ અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ શરીરને તાત્કાલિક શરીર ભારત લઇ જઇ શકે તેવી પરિસ્થિતિમાં હતા નહીં.
કલ્યાણે જણાવ્યું હતું કે, તેમણે મૃત્યુ બાદ કરવામાં આવતા અંગદાન દાન વિશે સાંભળ્યું હતું.
તેઓ વધુમાં ઉમેરે છે કે જો શરીરને દફનાવવામાં આવે કે અગ્નિદાહ કરવામાં આવે તો શરીરના મહત્વના અંગોનો નાશ થાય છે.
હું મારી પત્ની સૌજન્યાને ઘણો પ્રેમ કરતો હતો. જો તેના અંગોને દાનમાં આપવામાં આવે તો એ અહીં ઓસ્ટ્રેલિયામાં જ મારી આસપાસ રહેશે.
અંગદાનના વિચાર અંગે મેં મારા કુટુંબીજનો સાથે ભારતમાં વાત કરી અને તેમણે મારી મરજી માન્ય રાખીને સૌજન્યાના અંગનું દાન કરવા માટે સંમતિ આપી હતી.
કલ્યાણે તેમની પત્ની સૌજન્યાની આંખ, હ્દય, ફેંફસા, કિડની, પેન્ક્રિયાસ, લીવર, આંતરડા, ગોલબ્લેડર (પિત્તાશય) દાનમાં આપ્યા છે.
કલ્યાણના જણાવ્યા મુજબ, તેમની પત્નીના અંગો દાનમાં આપ્યા બાદ ઓસ્ટ્રલિયામા મધ્યમ ઉંમરની સાત વ્યક્તિઓને નવજીવન મળશે. ડોકટરે તેમને હાડકા અને શરીરના અન્ય ભાગ પણ દાનમાં આપવા જણાવ્યું હતું. પરંતુ, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અંતિમ વિધી અગાઉ શરીરને સ્નાન કરાવવાનું હોવાથી કલ્યાણભાઇએ શરીરના અન્ય અંગો દાનમાં આપ્યા નહોતા.
કલ્યાણે પ્રેરણાદાયી કાર્ય કર્યા બાદ જણાવ્યું હતું કે, પત્ની સૌજન્યા તેમની આસપાસ ઓસ્ટ્રેલિયા માં જ રહેશે. અને તે એક નહીં સાત વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરશે.
તેમના આ નિર્ણયથી સમાજના અન્ય લોકોને પ્રેરણા મળે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
પર્થમાં વસતા તેલુગુ સમુદાયે સૌજન્યાના પાર્થિવ શરીરને વતન ભારત મોકલવા તથા પરિવારના સભ્યોને આર્થિક મદદ કરવા માટે 60,000 ડોલર જેટલું ફંડ એકઠું કર્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
.ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.