ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાલમાં તેમના અભ્યાસના સત્ર દરમિયાન અનલિમિટેડ કલાકો નોકરી કરી શકે છે.
ઓસ્ટ્રેલિયન સરકારે આ છૂટ કોવિડ-19 મહામારી દરમિયાન અમલમાં મૂકી હતી.
મહામારી વખતે દેશની સરહદો બંધ હતી અને વિદ્યાર્થીઓ તથા કુશળ કર્મચારીઓ ઓસ્ટ્રેલિયા આવી શકતા નહોતા.
ઓસ્ટ્રેલિયા સ્થિત વેપાર ઉદ્યોગોમાં કર્મચારીઓની અછત સર્જાઇ હોવાના કારણે સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નોકરીના કલાકોની મર્યાદા હટાવી હતી.
પરંતુ, હવે જ્યારે દેશ મહામારીમાંથી બહાર આવી રહ્યો છે અને માઇગ્રેશન ફરીથી શરૂ થયું છે ત્યારે સરકાર વિદ્યાર્થીઓ પર નોકરીના કલાકોની મર્યાદાનો નિયમ ફરીથી અમલમાં મૂકી રહી છે.
ઓસ્ટ્રેલિયન સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના જણાવ્યા અનુસાર, 1લી જુલાઇ 2023થી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પખવાડિયાના 48 કલાક એટલે કે અઠવાડિયે 24 કલાક નોકરી કરી શકે છે.
સરકારના આ નિર્ણયની ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસર થશે અને, મળતી માહિતી મુજબ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કાર્ય કરી રહેલા એક જૂથ સપોર્ટ નેટવર્ક ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે સરકારના નિર્ણય સામે ‘Scrap the Cap’ નામનું એક કેમ્પેઇન શરૂ કર્યું છે.
SBS News માં પ્રસિદ્ધ રીપોર્ટ પ્રમાણે, સંસ્થાના કો-ઓર્ડિનેટર નેસ ગુવાન્ઝોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ દેશમાં મહામારી દરમિયાન યોગદાન આપ્યું છે.
તેમણે ઓસ્ટ્રેલિયાને મહામારી સામે મુકાબલો કરવાની લડતમાં મહત્વનો ભાગ ભજવીને અભ્યાસની સાથે સમતુલન રાખીને જીવન જરૂરીયાતની સેવા અને ઉદ્યોગોમાં નોકરી કરી હતી.
એસબીએસ ગુજરાતી સાથેની વાતચીતમાં મેલ્બર્ન સ્થિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અજય ભદોરીયાએ જણાવ્યું હતું કે, તે હાલમાં જીવન જરૂરીયાતની સેવા અંતર્ગત આવતા વ્યવસાયોમાં નોકરી કરે છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નોકરીના કલાકોની મર્યાદા લાગૂ થશે તો તેણે એક નોકરીમાંથી રાજીનામું આપવું પડશે.
અજયે વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં ઓસ્ટ્રેલિયામાં મોંઘવારી ખૂબ જ વધી છે અને, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુનિવર્સિટની ફી તથા અન્ય જરૂરી ખર્ચ માટે વધુ નોકરી કરવી પડે છે.
જો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નોકરીના કલાકોની મર્યાદાનો નિયમ લાગૂ થશે તો તેમણે અન્ય જરૂરી ખર્ચ પર કાંપ મૂકવો પડશે.
મૂળ નેપાળના અને હાલમાં સિડનીમાં કૂકરીનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ એસબીએસ ગુજરાતીને જણાવ્યું હતું કે, હાલમાં હું અઠવાડિયામાં 40 કલાકથી વધુ કલાક નોકરી કરું છું.
અને, તેથી જ મારે જીવન નિર્વાહ ખર્ચ માટે નેપાળ સ્થિત પરિવાર પાસેથી નાણા મંગાવવા પડતા નથી.
પરંતુ જો, નોકરીના કલાકોની મર્યાદા લાગૂ થશે તો મારે પરિવાર પાસેથી નાણા મંગાવવા પડી શકે છે.
નોકરી અને અભ્યાસ વચ્ચે સમતુલન જાળવવાનો સરકારનો પ્રયાસ
એસબીએસ ફિલીપીનોને આપવામાં આવેલા એક નિવેદનમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન સરકાર દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતા ફાળાના મહત્વને સમજે છે.
પખવાડિયે 48 કલાક નોકરી કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોકરી તથા અભ્યાસ વચ્ચે સમતુલન જાળવી શકે છે તેમ સરકારનું માનવું છે.
સ્ટુડન્ટ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયા આવતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રાથમિકતા હોય છે તેમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.
સરકારના નિર્ણય સામે ઓનલાઇન પીટીશન
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર લાગૂ થઇ રહેલી કાર્યના કલાકોની મર્યાદા સામે SNIS ગ્રૂપ દ્વારા ‘Scrap the Cap’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં ઓનલાઇન પીટીશન, વીડિયો તથા પત્ર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.