અમેરિકાના એક ક્ષેત્રમાં બાળકોને નોકરીને લગતું એક બિલ કાયદો બનવા જઇ રહ્યું છે.
આયોવાની સેનેટમાં પાસ કરવામાં આવેલા એક બિલ બાદ ક્ષેત્રમાં કર્મચારીઓની અછત પર કાબૂ મેળવવામાં મદદ મળશે.
જો આ બિલ કાયદો બનશે તો, 16 કે તેથી નાની ઉંમરના બાળકો દિવસમાં ચાર કલાકને બદલે છ કલાક નોકરી કરી શકશે. આ ઉપરાંત, તેઓ શાળાના દિવસો દરમિયાન રાત્રીને 9 વાગ્યા સુધી તથા ઉનાળાની રજાઓ દરમિયાન રાત્રીના 11 વાગ્યા સુધી નોકરી કરી શકશે.
ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો - ટેરીટરીમાં બાળકોના નોકરી કરવા સાથે સંકળાયેલા નિયમો વિશે જાણો.
વિક્ટોરીયા
15 વર્ષથી નાની ઉંમરના બાળકને નોકરીનો પ્રસ્તાવ આપવા માટે નોકરીદાતા પાસે મંજૂરી હોવી જરૂરી છે.
જેના કેટલાક નિયમો છે. જેમ કે, લેટરબોક્સમાં એડવર્ટાઇઝીંગ સામગ્રીની ડિલીવરી જેવા કામ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી 11 વર્ષ હોય તે જરૂરી છે. આ ઉપરાંત, 13 વર્ષની ઉંમરનો બાળક રીટેલ તથા હોસ્પિટાલિટી ઉદ્યોગમાં કાર્ય કરી શકે છે.
મનોરંજન તથા જાહેરાતને લગતા ઉદ્યોગોમાં નોકરી કરવા માટે ન્યૂનત્તમ ઉંમરને લગતા કોઇ નિયમો નથી પરંતુ, દિવસ અને કલાકો અંગે કેટલાક નિયંત્રણો છે.
શાળાના સત્ર દરમિયાન બાળક દિવસના 3 તથા અઠવાડિયાના 12થી વધુ કલાક નોકરી કરી શકતા નથી.
શાળાના વેકેશન દરમિયાન બાળકો દિવસના 6 તથા અઠવાડિયાના 30 કલાક સુધી કાર્ય કરી શકે છે. રાત્રી દરમિયાન બાળકોને કાર્ય કરવા પર નિયંત્રણ છે.
માતા-પિતા તથા વાલીઓ દ્વારા બાળકોને પારિવારીક વેપાર - ઉદ્યોગમાં કાર્ય આપવા અંગે નિયંત્રણો નથી પરંતુ તેઓ તેમને શાળાના સમય દરમિયાન કાર્ય પર રાખી શકતા નથી.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં બાળકો પર નોકરી કરવાની ઉંમર અંગે કોઇ નિયમ નથી પરંતુ, તેઓ ક્યારે અને કેટલા સમય સુધી નોકરી કરી શકે તે અંગે નિયંત્રણો લાગૂ પડે છે.
શાળાએ જઇને અભ્યાસ કર્યો હોય તે દિવસે બાળક ચાર કલાકથી વધુ સમય સુધી નોકરી કરી શકતા નથી. અને, બીજા દિવસે સવારે શાળાએ જવાનું હોય તો તેમણે રાત્રે 9 વાગ્યે નોકરી સમાપ્ત કરી દેવી જરૂરી છે.
તેઓ શાળાના સમય દરમિયાન નોકરી કરી શકતા નથી. તેમના પ્રિન્સિપાલ જો લેખિતમાં મંજૂરી આપે તો જ તેઓ આ સમયગાળા દરમિયાન નોકરી કરી શકે છે.
જો બાળક મનોરંજન ઉદ્યોગમાં નોકરી કરે છે તો તેમના નોકરીના કલાકો તથા અઠવાડિયાના દિવસો તેમની ઉંમર પર આધારીત રહે છે.
ક્વિન્સલેન્ડ
સામાન્ય રીતે ક્વિન્સલેન્ડમાં નોકરી કરવાની ન્યૂનત્તમ ઉંમર 13 વર્ષ છે. ન્યૂઝપેપર્સની ડિલીવરી કરવા માટેની ઉંમર 11 વર્ષ છે પરંતુ, તે દરમિયાન બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે.
શાળાના સત્ર દરમિયાન, બાળકો અઠવાડિયાના 12 કલાક નોકરી કરી શકે છે. શાળામાં વેકેશન દરમિયાન તેઓ 38 કલાક નોકરી કરી શકે છે.
નોકરીદાતા બાળકોને શાળાના સમય દરમિયાન નોકરી આપી શકતા નથી. અને, રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી તથા 11થી 13 વર્ષની ઉંમરના બાળકો જો તેઓ ડિલીવરી સાથે સંકળાયેલું કાર્ય કરે તે તેમને સાંજે 6થી સવારના 6 વાગ્યા સુધી નોકરી પર રાખી શકતા નથી.
કોઇ પણ ઉંમરના બાળકો મનોરંજન ઉદ્યોગમાં નોકરી કરી શકે છે. પરંતુ, તેમના નોકરીના કલાકો તથા અઠવાડિયાના દિવસો તેમની ઉંમર પર આધારીત રહે છે.
બાળકો પારિવારીક વેપાર - ધંધામાં કાર્ય કરી શકે છે પરંતુ, તેઓ શાળાના સમય દરમિયાન કાર્ય કરી શકતા નથી.
સાઉથ ઓસ્ટ્રેલિયા
સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યમાં નોકરી કરવા સાથે કોઇ ન્યૂનત્તમ ઉંમરનો નિયમ સંકળાયેલો નથી.
6થી 16 વર્ષની ઉંમર એટલે કે ફરજિયાત શિક્ષણ મેળવવાની ઉંમર ધરાવતા બાળકો શાળાના સમય દરમિયાન નોકરી કરી શકતા નથી. પરંતુ, 15 અને 16 વર્ષની ઉંમરના બાળકો નોકરી કરવા માટે કાયમી ધોરણે મંજૂરી મેળવવા અરજી કરી શકે છે.
શાળામાં તેમના અભ્યાસને અસર પડે તેવા કલાકો, જેમ કે મોડી રાત્રી તથા વહેલી સવારે બાળકો નોકરી કરી શકતા નથી.
તાસ્મેનિયા
તાસ્મેનિયામાં બાળકો કેટલા વર્ષની ઉંમરથી નોકરી કરી શકે છે તે વિશે નિયમ અમલમાં નથી. પરંતુ, બાળક શાળાના કલાકો દરમિયાન નોકરી કરી શકતા નથી. જો તેમને મંજૂરી મળે તો જ તેઓ આ સમયગાળામાં નોકરી કરી શકે છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં બાળકો 15 વર્ષની ઉંમરથી નોકરી કરી શકે છે. જોકે, 15 વર્ષથી નાની ઉંમરના બાળકો અમુક પ્રકારની નોકરી કરી શકે છે.
10થી 12 વર્ષથી ઉંમરના બાળકો માતા-પિતાની દેખરેખ હેઠળ ન્યૂઝપેપર્સની ડિલીવરી કરી શકે છે.
તેઓ સવારે 6 વાગ્યા અગાઉ તથા સાંજે 7 વાગ્યા પછી કાર્ય કરી શકતા નથી.
13 અને 14 વર્ષના બાળકોને જો તેમના માતા-પિતા મંજૂરી આપે તો તેઓ રીટેલ અથવા હોસ્પિટાલિટી ઉદ્યોગમાં નોકરી કરી શકે છે. તેઓ સવાર 6 વાગ્યા અગાઉ અને રાત્રે 10 વાગ્યા પછી નોકરી કરી શકતા નથી.
બાળકો તેમના માતા-પિતા અથવા સંબંધીની માલિકી ધરાવતા વેપાર - ઉદ્યોગમાં કોઇ પણ ઉંમરે કાર્ય કરી શકે છે
મંજૂરી વિના કોઇ પણ બાળક શાળાના સમય દરમિયાન કાર્ય કરી શકતું નથી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સરકારના જણાવ્યા અનુસાર માતા-પિતાએ આ અંગે વધુ માહિતી માટે બાળકોની શાળાનો સંપર્ક કરવો જરૂરી છે.
નોધર્ન ટેરીટરી
નોધર્ન ટેરીટરીમાં નોકરી શરૂ કરવાની ન્યૂનત્તમ ઉંમર 15 વર્ષ છે.
બાળક સવારે 6 વાગ્યા અગાઉ તથા રાત્રે 10 વાગ્યા પછી નોકરી કરી શકતા નથી. તેમના શારીરિક, માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચે તેવું કાર્ય કરવા માટે તેમની સમક્ષ પ્રસ્તાવ ન મૂકી શકાય.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
બાળકો જો 15 વર્ષથી નાની ઉંમરના હોય તો તે તેઓ ઓછો શારીરિક શ્રમ પહોંચે તેવું કાર્ય કરી શકે છે. જેમાં કેશિયર, ગાર્ડનિંગ તથા મોડલિંગ જેવા કાર્યોનો સમાવેશ થઇ શકે છે. તેમના માતા-પિતાની મંજૂરી હોય તથા બાળકો સુપરવિઝન હેઠળ કાર્ય કરે તે જરૂરી છે.
બાળકો અઠવાડિયામાં 10 કલાક જેટલી નોકરી કરી શકે છે. જો નોકરીદાતા તેમને શાળાની રજાઓ દરમિયાન વધુ સમય સુધી કાર્ય કરાવવા માંગતા હોય તો બાળકો તથા માતા-પિતાની મંજૂરી હોય તે જરૂરી છે. આ ઉપરાંત, વેપાર - ઉદ્યોગે ચાઇલ્ડ એન્ડ યુથ પ્રોટેક્શન સર્વિસીસને ફેરફારના 7 દિવસ અગાઉ જાણ કરવી જરૂરી છે.
15 કે તેથી ઓછી ઉંમરના બાળકો શાળના સમય દરમિયાન નોકરી કરી શકતા નથી.
15 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કિશોરો માટે પણ આ નિયમ લાગૂ પડે છે પરંતુ તેઓ જો ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન પાસેથી મંજૂરી મેળવે તો તેઓ નોકરી કરી શકે છે.
પારીવારિક વેપાર - ધંધામાં કાર્ય કરતા બાળકોને પણ આ નિયમ લાગૂ થાય છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.