કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 5 લાખ જેટલા માઇગ્રન્ટ્સે ઓસ્ટ્રેલિયા છોડ્યું છે. જેમાંથી મોટાભાગના સ્કીલ્ડ વર્કર્સ, કુશળ કામદારોનો સમાવેશ થાય છે, તેમ સંસદીય રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
જોઇન્ટ સ્ટેન્ડીંગ કમિટી ઓન માઇગ્રેશન દ્વારા અંતિમ રીપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેમાં દેશમાં સ્કીલ્ડ માઇગ્રેશનને કેવી વધારી શકાય તે અંગે કેટલીક ભલામણો કરવામાં આવી છે.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે, કુશળ કામદારોની અછતની એન્જીનિયરીંગ તથા કૃષિ ક્ષેત્રમાં મોટી અસર જોવા મળી રહી છે.
વર્ષ 2021-22ના નાણાકિય વર્ષમાં વધુ 77,000 લોકો ઓસ્ટ્રેલિયા છોડે તેવી શક્યતા હોવાથી વિદેશથી થતા સ્થળાંતરમાં નકારાત્મક અસર યથાવત રહે તેમ લાગી રહ્યું છે, તેમ કમિટીના ચેર લિબરલ સાંસદ જુલિયન લીસરે તેમના રીપોર્ટમાં જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાના કારણે સ્કીલ્ડ માઇગ્રેશન કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. જેના કારણે આ અભ્યાસ કરવાની તક પ્રાપ્ત થઇ છે.
આ રીપોર્ટમાં સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને સરળતાથી ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સી આપવા અંગે પણ ભલામણ કરવામાં આવી છે.
તેમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સને શોર્ટ - ટર્મ સ્ટ્રીમ હેઠળના ટેમ્પરરી સ્કીલ્સ શોર્ટેજ વિસા (સબક્લાસ 482) ની શરતો બદલવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
તથા, નોકરીદાતા દ્વારા સ્પોન્સર કરવામાં આવતા કર્મચારીઓને પર્મેનન્ટ રેસીડન્સી આપવા વિશેની ભલામણ કરાઇ છે.
જોકે, રીપોર્ટમાં ઉમેદવાર પાસે અંગ્રેજીનું યોગ્ય જ્ઞાન તથા તેની ઉંમર 45 વર્ષથી ઓછી હોવાની શરતો યથાવત રાખવા અંગે જણાવાયું છે.
અગાઉ ગ્રેટન ઇન્સ્ટીટ્યૂચના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ લાંબાગાળીની આર્થિક વૃદ્ધિ કરવી હોય તો યુવા માઇગ્રન્ટ્સને પ્રાથમિકતા આપવી જોઇએ.
સંસદીય રીપોર્ટમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સને તેમની વિસા આપવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા અંગે પણ જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પર્મેનન્ટ રેસીડન્સી મેળવવા જરૂરી કામના અનુભવના વર્ષની સંખ્યા 3થી ઘટાડીને 2 કરવાની ભલામણ કરવામાં આવી છે.
લેબર પક્ષે આ અભ્યાસ સાથે અસંમતિ દર્શાવી છે અને જણાવ્યું છે કે દેશના માઇગ્રેશનના ઇતિહાસમાં મોટા ફેરફાર કરવાની તક ચૂકી જવામાં આવી છે.
યુવા અને વધુ કુશળ કર્મચારીઓને ઓસ્ટ્રેલિયા સ્થાયી થવાની તક આપી દેશના લાંબા સમયનો આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે સરકારે કેન્દ્રીય બજેટમાં કામચલાઉ અને કાયમી માઇગ્રેશન 2022ના મધ્ય બાદ સામાન્ય થાય તેમ જણાવ્યું હતું.