સતત 5માં ક્રમે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવામાં ભારતીય મૂળના માઇગ્રન્ટ્સ પ્રથમ ક્રમે રહ્યા છે.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે 1લી જુલાઇ 2020થી 30મી જૂન 2021 સુધી કુલ 138,646 લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારી છે. જેમાંથી ભારતીય મૂળના 24,706 લોકો ઓસ્ટ્રેલિયાના સિટીઝન બન્યા છે.
ત્યાર બાદ બીજા ક્રમે બ્રિટીશ મૂળના લોકોનો સમાવેશ થાયછે. બ્રિટીશ મૂળના 17,316 લોકોએ છેલ્લા એક વર્ષમાં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારી છે.
ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારનારા ટોચના દેશોની સંખ્યા
દેશ લોકોની સંખ્યા
ભારત 24,706
બ્રિટન 17,316
ફિલીપીન્સ 8659
ચીન 7302
ન્યૂઝીલેન્ડ 5612
પાકિસ્તાન 5415
વિયેતનામ 4613
સાઉથ આફ્રિકા 3838
ઇરાક 3792
અફઘાનિસ્તાન 3656
યુનિવર્સિટી ઓફ મેલ્બર્ન ખાતે સ્કૂલ ઓફ સોશિયલ એન્ડ પોલિટીકલ સાયન્સમાં એશિયન પોલિટીક્સના સિનીયર લેક્ચરર તથા ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટના તજજ્ઞ પ્રદીપ તનેજાએ ભારતીય માઇગ્રન્ટ્સ ચાર કારણોસર ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારતા હોવાનું જણાવ્યું હતું.તેમણે SBS Hindi ને પ્રથમ કારણ જણાવ્યું હતું કે, ભારતીય માઇગ્રન્ટ્સ સરકારી વિભાગોમાં નોકરી કરવા માંગે છે જેમાં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા હોવી જરૂરી છે. આ ઉપરાંત, તેઓ વિશ્વના અન્ય દેશોમાં સરળતાથી મુસાફરી કરવા માંગે છે. ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ વિશ્વના ઘણા દેશોમાં વિસા વિના મુસાફરીની સુવિધા આપે છે.
The preliminary data from the Department of Home Affairs shows that 138,646 migrants received Australian citizenship between 1 July 2020 and 30 June 2021. Source: Supplied by Department of Home Affairs
તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ, કુશળ કામદારો ઓસ્ટ્રેલિયાને વધુ પ્રાથમિકતા આપે છે. તેથી જ, ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવવાની યાદીમાં તેઓ ટોચના સ્થાને છે.
આ ઉપરાંત, ચીનથી આવતા માઇગ્રન્ટ્સની સંખ્યા છેલ્લા કેટલાક સમયમાં ઘટી છે. તેઓ તેમના દેશમાં જ વધુ વિકાસની શક્યતાના છે તેમ માને છે અને જેના કારણે ચીનથી ઓસ્ટ્રેલિયા થતા સ્થળાંતરની સંખ્યા ઘટી છે.
તેમણે ઉમેર્યું હતું કે ભારતીય મૂળના લોકો યોગ્ય વિકાસ તથા વધુ સારું જીવનધોરણ મળી રહે તે માટે વિશ્વના અન્ય દેશોમાં સ્થળાંતર કરવાની ઇચ્છા ધરાવે છે.
કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ ઇચ્છતા લોકોની સંખ્યા ઘટી છે.
આંકડા પ્રમાણે, વર્ષ 2019-20માં 204,817 લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારી હતી જ્યારે વર્ષ 2020-21માં તે આંકડા 32 ટકા જેટલો ઘટીને 138,646 જેટલો થયો છે.