ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ ટેસ્ટમાં એક દશક બાદ ફેરફાર કરવામાં આવ્યો છે અને, હવે તેમાં ઓસ્ટ્રેલિયન મૂલ્યોને પ્રાધાન્ય આપતો એક વિભાગ ઉમેરવામાં આવ્યો છે.
ગુરુવારે ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ દિવસ નિમિત્તે કાર્યકારી ઇમિગ્રેશન, સિટીઝનશિપ, માઇગ્રન્ટ સર્વિસ અને મલ્ટીકલ્ચરલ અફેર્સ બાબતોના કેન્દ્રીય મંત્રી એલન ટજે આ અંગે વધુ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન મૂલ્યો એક વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે દેશને એક નવો આકાર આપ્યો છે. અને એટલે જ મોટી સંખ્યામાં લોકો ઓસ્ટ્રેલિયાના નાગરિક બનવા માંગે છે.
ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની પરીક્ષામાં નવા પ્રશ્નો 15મી નવેમ્બરથી લાગૂ થશે. જેમાં નાગરિકત્વ ધારણ કરવા જઇ રહેલા ઉમેદવારોએ ઓસ્ટ્રેલિયન મૂલ્યો જેમ કે વાણી સ્વાતંત્ર્ય, માન – સન્માન, તમામ માટે સમાન તક, લોકશાહીનું મહત્વ, કાયદા અને નીતિ નિયમો જેવી બાબતો પર પણ ધ્યાન આપવું પડશે.જે લોકો દેશનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી રહ્યા છે તેમણે ઓસ્ટ્રેલિયન મૂલ્યોની વધારે સમજ કેળવવી પડશે તેમ મંત્રી એલન ટજે જણાવ્યું હતું.
Acting Immigration Minister Alan Tudge has announced a major change to the Australian citizenship test. Source: AAP
નવી પરીક્ષામાં કેવા સવાલ પૂછાશે?
નવી પરીક્ષામાં બહુવૈકલ્પિક 20 પ્રશ્નો હશે. જેમાંથી પાંચ નવા પ્રશ્નો ઓસ્ટ્રેલિયન મૂલ્યો આધારિત હશે. ઉમેદવારે ઓસ્ટ્રેલિયન મૂલ્યોના તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. અને, પરીક્ષા પાસ કરવા માટે કુલ 75 ટકા માર્ક્સ મેળવવા પડશે.
અગ્રેજીની લાયકાત કે રેસીડન્સીની જરૂરિયાતમાં કોઇ ફેરફાર કરાયો નથી.
નવી પરીક્ષામાં પૂછાનારા પ્રશ્નો પર નજર
- રાજ્ય અને કેન્દ્રીય સંસદને ચૂંટવા માટે દરેક ઓસ્ટ્રેલિયને કેમ મત આપવો જરૂરી છે?
- ઓસ્ટ્રેલિયાના લોકોએ અંગ્રેજી શીખવા પ્રયત્ન કરવો જોઇએ?
- ઓસ્ટ્રેલિયામાં, જો તમે અપમાનિત થયા હોય તેવા વ્યક્તિ કે સમૂહ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપો છો?
- ઓસ્ટ્રેલિયામાં લોકોને તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાની મંજૂરી છે?
- ઓસ્ટ્રેલિયામાં, જો પત્ની પતિની વાતનો અસ્વીકાર કરે અથવા તેને માન ન આપે તો પતિ પત્ની પર હિંસા કરી શકે છે?
- લક્ષ્ય હાંસલ કરવા માટે પુરુષ અને મહિલાઓને એક સમાન અધિકાર મળવા જોઇએ. તમારું શું માનવું છે?
- શું ઓસ્ટ્રેલિયામાં લોકોના વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હકને માન મળવું જોઇએ?
ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની પરીક્ષાની તૈયાર કરવા માટેના Australian Citizenship: Our Common Bond સ્ત્રોત ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી, ઉમેદવાર તેમાંથી તૈયારી કરી શકે.
પર્મેનન્ટ રેસીડન્સી અને ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપમાં શું તફાવત છે?
સામાન્ય રીતે, પર્મેનન્ટ રેસીડન્ટ ઓસ્ટ્રેલિયામાં કાયમી ધોરણે રહી, કાર્ય અથવા અભ્યાસ કરી શકે છે પરંતુ તે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધરાવતો નથી.
પર્મેનન્ટ રેસીડન્ટ જો દેશ છોડે તો તેની પાસે ઓસ્ટ્રેલિયામાં પરત ફરવાના વિસા જરૂરી છે જ્યારે ઓસ્ટ્રેલિયન નાગરિક તેમની મરજી પ્રમાણે દેશની બહાર આવન – જાવન કરી શકે છે.
દેશના નાગરિક દેશમાં યોજાતી ચૂંટણીમાં મત આપી શકે છે. આ ઉપરાંત, તેઓ જો વિદેશમાં હોય અને ત્યાં મુશ્કેલીમાં મુકાય તો ઓસ્ટ્રેલિયન એમ્બેસી અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરી મદદ મેળવી શકે છે.
કેટલા લોકો દર વર્ષે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવે છે
1949થી અત્યાર સુધીમાં લગભગ 5 મિલિયન લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવી છે. છેલ્લા પાંચ વર્ષમાં 686,000 લોકોએ દેશનું નાગરિકત્વ ધારણ કર્યું છે. વર્ષ 2019-20માં રેકોર્ડ 204,000 લોકો ઓસ્ટ્રેલિયાના નાગરિક બન્યા હતા.
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે 84,000થી પણ વધારે લોકોએ ઓનલાઇન સેરેમની દ્વારા ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ મેળવ્યું છે.
ભારત, યુનાઇટેડ કિંગડમ, ચીન, ફિલીપાઇન્સ અને પાકિસ્તાની મૂળના સૌથી વધુ લોકોએ ઓસ્ટ્રેલિયન નાગરિકતા મેળવી છે.