વિક્ટોરીયાના શેપર્ટન વિસ્તારમાં થયેલા કાર અકસ્માતમાં ભારતીય મૂળના 4 લોકોના મૃત્યુ થયા છે. ઘટનામાં 2 લોકોને ઇજા પહોંચી છે.
વિક્ટોરીયા પોલિસે માં જણાવ્યું હતું કે, શેપર્ટન નજીક પાઇન લૉજ ચાર રસ્તા ખાતે બનેલી ઘટના બાદ ઇમર્જન્સી સર્વિસની મદદ લેવામાં આવી હતી.
પોલિસે વધુમાં ઉમેર્યું હતું કે, ટોયોટા હાઇલક્સ યુટના ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી હતી. અને તેને તપાસમાં સહયોગ આપવા માટે ઘટના સ્થળે રોકવામાં આવ્યો હતો.
પ્યુજો કારમાં 5 લોકો સવાર હતા. અકસ્માત બાદ તે કાર રસ્તાની નજીક ખાડામાં પડી ગઇ હતી. કારના ડ્રાઇવરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તેમ પોલિસે ઉમેર્યું હતું.
પોલિસે પુષ્ટિ કરી હતી કે, ઘટનામાં મૃત્યુ પામેલા 4માંથી 3 લોકોએ સીટ બેલ્ટ પહેર્યો નહોતો અને તેઓ કારમાંથી બહાર ફંગોળાઇ ગયા હતા.
એક્ટીંગ આસિસ્ટન્ટ કમિશ્નર ફોર રોડ પોલિસીંગ જસ્ટીન ગોલ્ડસ્મિથે SBS Hindi ને જણાવ્યું હતું કે, પ્યુજો કારમાં પાછળની સીટ પર બેસેલા 3 લોકો કારમાંથી બહાર ફંગોળાઇ ગયા હતા. અને, તેમનું મૃત્યુ થયું છે. આગળની સીટમાં બેસેલી અન્ય એક વ્યક્તિ કારમાં જ ફસાઇ ગઇ હતી. અને, તેનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કારના ડ્રાઇવરની રોયલ મેલ્બર્ન હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે અને, તેને આગામી દિવસોમાં રજા આપવામાં આવશે.
ગોલ્ડસ્મિથે તમામ ચારેય મૃતકો ભારતીય મૂળના હોવાની SBS Hindi સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી હતી.
અકસ્માત બાદ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને, સ્વસ્થ થયા બાદ બંને કારના ડ્રાઇવર સાથે વાત કરવામાં આવશે, તેમ ગોલ્ડસ્મિથે જણાવ્યું હતું.
ટ્રાફિકના નિયમોનું મહત્વ સમજાવતા ગોલ્ડસ્મિથે જણાવ્યું હતું કે, જો તમે ઓસ્ટ્રેલિયા નવા સ્થાયી થયા છો, તો તમારે ટ્રાફિકના નિયમો વિશે જાણકારી મેળવવી જરૂરી છે.
વિક્ટોરીયામાં સીટબેલ્ટ પહેરવો ફરજિયાત છે. જો તમે ટૂંકાગાળા માટે અહીં આવ્યા છો, તો પણ તમારે ટ્રાફિકના નિયમો જાણવા જરૂરી છે, તેમ ગોલ્ડસ્મિથે SBS Hindi ના મારફતે જણાવ્યું હતું.
વિક્ટોરીયામાં કારમાં સીટબેલ્ટ ન પહેરવા બદલ 370 ડોલરનો દંડ ફટકારવામાં આવે છે.
ગોલ્ડસ્મિથે ડ્રાઇવર્સને વધુ સાવચેતીપૂર્વક કાર ચલાવવા માટે જણાવ્યું હતું.