એડિલેડમાં સ્થાયી ભારતીય ઓસ્ટ્રેલિયન પરિવારનો ભારતમાં અક્સ્માત થતા માતા-પિતાના મૃત્યુ થયા છે.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, હેમામબારાધર અને તેમની પત્ની રામા ભાથુલા, 9 વર્ષની પુત્રી ભાવજ્ઞા, તથા 6 વર્ષના પુત્ર પલ્વિથ સાથે એડિલેડમાં રહે છે.
રામાના પિતાનું ભારતમાં અવસાન થતા તે પરિવાર એડિલેડથી બુધવારે ભારત ગયો હતો.
પરંતુ, તેઓ તેમના આન્ધ્રપ્રદેશ સ્થિત રેડ્ડીગુન્ડામ ખાતેના નિવાસસ્થાને પહોંચે તે અગાઉ રસ્તામાં તેમની કારને અકસ્માત થયો હતો.
જેમાં હેમામબારાધર તથા તેમની પત્ની રામાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
જ્યારે ભાવજ્ઞા તથા પલ્વિથને ગંભીર ઇજા પહોંચી હતી.
ઘટના વિશે જાણ થયા બાદ સાઉથ ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાયે દંપત્તિના અંતિમ સંસ્કાર તથા બાળકોની સારવારના ખર્ચમાં મદદ આપવા અપીલ કરી હતી.
જે માટે શરૂ કરવામાં આવ્યું હતું. પારિવારીક મિત્ર તથા સાઉથ ઓસ્ટ્રેલિયા સ્થિત તેલુગુ એસોસિયેશનના પ્રમુખ શિવાજી પાથુરીએ આ પેજ શરૂ કર્યું હતું.
અત્યાર સુધીમાં 3000 ડોનેશનની મદદથી 232,067 ડોલરનું ફંડ એેકઠું થઇ ગયું છે.
પાથુરીએ જણાવ્યું હતું કે માન્યામાં ન આવે તેવી આ દુખદ ઘટના છે.
અમને 3 દિવસ સુધી તે અંગે વિશ્વાસ નહોતો અને ત્યાર બાદ અમે મદદ માટે તાત્કાલિક ધોરણે કાર્ય શરૂ કર્યું હતું.
મદદ દ્વારા બાળકોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો અને તેમને ઓસ્ટ્રેલિયા પરત લાવવાનો ઉદ્દેશ્ય છે.
પાથુરીએ, હેમામબારાધર તથા તેમની પત્ની રામા સમુદાયમાં તેમની સ્વયંસેવક તરીકેની સેવાઓ માટે જાણિતા હોવાનું જણાવ્યું હતું.
રામા સ્થાનિક તેલુગુ શાળામાં સ્વયંસેવક તરીકે સેવા આપતા હતા.
સમુદાયના લોકોએ પરીવારને મદદ મળી રહે તે માટે દાન આપ્યું તે બદલ પાથુરીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે જો તમે સમુદાયને મદદ કરો છો તો તમને પણ તેનું ફળ પ્રાપ્ત થાય છે.
પાથુરીના જણાવ્યા પ્રમાણે કેટલાક ભારતીય - ઓસ્ટ્રેલિયન ડોક્ટર હાલમાં ભારતની મુલાકાતે ગયા હોવાથી અકસ્માત બાદ તેમણે બાળકો સાથે હોસ્પિટલમાં સમય પસાર કર્યો હતો.
તેમણે હોસ્પિટલમાં સારવાર આપી રહેલા ડોક્ટર પાસેથી માહિતી મેળવી બાળકોને યોગ્ય સારવાર આપવા જણાવ્યું હતું.
પલ્વિથની હાલત સુધારા પર છે જ્યારે ભાવજ્ઞાને કેટલાક ઓપરેશન કરવા પડ્યા હતા પરંતુ તેની હાલત સ્થિર છે.
હવે, સમુદાય ભાવજ્ઞા તથા પલ્વિથને ફરીથી ઓસ્ટ્રેલિયા લાવવા તથા તેમના દાદા-દાદીના વિસા માટે અરજી કરવા પ્રક્રિયા કરી રહ્યો છે.
પાથુરીએ જણાવ્યું હતું કે, બંને બાળકો અહીં ઓસ્ટ્રેલિયામાં જન્મ્યા અને ઉછર્યા હોવાથી તેઓ ઓસ્ટ્રેલિયા આવી શકશે અને અમે તેમના દાદા-દાદીને ઓસ્ટ્રેલિયા બોલાવવા પ્રક્રિયા શરૂ કરીશું.