22 વર્ષીય ભારતીય નાગરિકે શનિવારે પશ્ચિમ સિડનીમાં પૂરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જતા બે નાગરિકોના મૃત્યુ થયા છે.
ટોયોટા હાઇલેક્સ અને નિસાન પલ્સર કાર વચ્ચે શનિવારે રાત્રે સિડનીના ડૂનસાઇડ વિસ્તાર પાસે અકસ્માત થતા ઇમરજન્સી સર્વિસની મદદ લેવામાં આવી હતી.
અકસ્માત બાદ કારમાં બેઠેલા 81 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું અને 83 વર્ષીય ડ્રાઇવરને વેસ્ટમીડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ રવિવારે બપોરે તેમનું પણ મૃત્યુ થયું હતું.
નિસાન કાર ચલાવી રહેલા હરજિન્દર સિંઘની પોલીસે ઘટનાસ્થળ પર જ ધરપકડ કરી હતી અને તેને વેસ્ટમીડ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેના કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ તેને બ્લેકટાઉન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. તેની પર ડ્રાઇવિંગને લગતા કેટલાક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જેમાં બેદરકારીપૂર્વક કાર ચલાવીને બે નાગરિકોના મૃત્યુનો ગુનો પર લગાવવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ભારતીય નાગરિક ભારતના લાઇસન્સ સાથે કાર ચલાવી રહ્યો હતો.
હરજિન્દર સિંઘને સોમવારે બ્લેકટાઉન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના જામીન ફગાવવામાં આવ્યા હતા. તેને 24મી ઓક્ટોબરે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મેટ્રોપોલિટન ક્રેશ ઇન્વેસ્ટીગેશન યુનિટ આ કેસની તપાસ કરી રહ્યું છે અને આ કેસ અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો 1800 333 000 પર ક્રાઇમ સ્ટોપર્સનો સંપર્ક કરી શકાય છે.