ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જો કોઇ પણ વાહનચાલક આલ્કોહોલના નક્કી કરેલા પ્રમાણ કરતા વધુ પ્રમાણ સાથે વાહન ચલાવતા ઝડપાશે તો તેનું લાઇસન્સ તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવશે.
ડ્રીન્ક - ડ્રાઇવિંગ સાથે ઝડપાયેલા વાહનચાલકનું લાઇસન્સ ત્રણ મહિના સુધી માન્ય ગણાશે નહીં.
આગામી 20 મે 2019થી, જો કોઇ પણ ડ્રાઇવર આલ્કોહોલના સેવન સાથે ઝડપાશે તો તેનું લાઇસન્સ તાત્કાલિક રદ થવા ઉપરાંત 561 ડોલરનો દંડ પણ ભરવો પડશે.
ન્યૂ સાઉથ વેલ્સના ટ્રાન્સપોર્ટ અને રોડ મિનિસ્ટર એન્ડ્ર્યુ કોન્સ્ટાન્સે જણાવ્યું હતું કે, આ નિયમ અમારી “zero tolerance” નીતિને ધ્યાનમાં રાખીને અમલમાં લવાઇ રહ્યો છે.
"આ નિયમ અંતર્ગત, કોઇ પણ ડ્રાઇવર રાજ્યના કોઇ પણ વિસ્તારમાં, આલ્કોહોલના સેવન કરીને વાહન ચલાવતા ઝડપાશે તો તેનું લાઇસન્સ તાત્કાલિક રીતે રદ કરી દેવામાં આવશે."
જો ડ્રાઇવરે ડ્રગ્સનું સેવન કર્યાનું સાબિત થશે તેણે પણ પોતાનું લાઇસન્સ ગુમાવવું પડશે.
અગાઉના નિયમ પ્રમાણે, જો કોર્ટ આદેશ આપે તો જ ડ્રાઇવરનું લાઇસન્સ રદ થતું હતું પરંતુ હવે નવા નિયમ પ્રમાણે, પોલિસ તાત્કાલિક ધોરણે ત્રણ મહિના સુધી લાઇસન્સ રદ કરી શકે છે.આસિસ્ટન્ટ પોલિસ કમિશ્નર માઇકલ કોર્બોયે જણાવ્યું હતું કે, "રોડ અકસ્માતના મોટાભાગના બનાવોમાં આલ્કોહોલનું સેવન મુખ્ય કારણ બન્યું છે અને જેના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે, નવો નિયમ અમલમાં આવવાથી નાગરિકો આલ્કોહોલના સેવન બાદ વાહન ચલાવવાથી બચશે."
Image for representation only. Source: AAP
ઉલ્લેખનીય છે કે, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ગયા વર્ષે આલ્કોહોલના સેવન સાથે વાહન ચલાવનારા 68 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ સરકારે આલ્કોહોલના સેવન બાદ ડ્રાઇવિંગ કરનાર ડ્રાઇવર્સ માટે કડક પગલાં અમલમાં મુકવાનું નક્કી કર્યું છે.