ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના પ્રશિક્ષક અને વિદ્યાર્થીનું પ્લેન ક્રેશ થતાં મૃત્યુ

પ્રશિક્ષક અને વિદ્યાર્થી મૂળ ભારતના હતા, ન્યૂ સાઉથ વેલ્સમાં એક હવાઇ ટ્રેનિંગ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બંનેના મૃત્યુ થયા.

New South Wales Police badge.

New South Wales Police Source: AAP/Dean Lewins

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં થયેલા પ્લેન અકસ્માતમાં ભોગ બનનારની ઓળખ થઇ ગઇ છે મુખ્ય પ્રશિક્ષક 38 વર્ષીય સાકેત કપૂર અને તેમની 26 વર્ષીય વિદ્યાર્થીની શીપ્રા શર્મા આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. તે સિડની સ્થિત ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલ Soar Aviation ખાતે પ્રશિક્ષણ મેળવી રહી હતી.

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના જણાવ્યા પ્રમાણે, 4થી નવેમ્બરે બેન્ક્સટાઉન એરપોર્ટથી વિમાન આવ્યું હતું અને તે ઓરેન્જ રીજનલ એરપોર્ટ પરથી પરત જઇ રહ્યું હતું. કારકોર ખાતેની ખાનગી એરસ્ટ્રીપમાં આ દુર્ધટના સર્જાઇ હતી.

સાંજે 7.45 વાગ્યાની આસપાસ વિમાન દુર્ઘટના થઇ હોવાનું જાણવા મળ્યા બાદ ઇમરજન્સી સર્વિસને કારકોર ખાતે બોલાવવામાં આવી હતી.

મીડિયા સાથે વાતચીત કરતા ડીટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર લ્યૂક રેન્કિંને જણાવ્યું હતું કે વિમાન બળ્યું નથી પરંતુ બે મુસાફરોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.
તેઓ ‘touch and go’ ની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અને એક વખત જમીન પર ઊતરાણ પણ કર્યું હતું. ત્યાર બાદ ઓરેન્જ રીજનલ એરપોર્ટ છોડ્યા પછી દુર્ઘટના ઘટી હતી.

સાકેત કપૂરના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાકિબ ચૌધરીએ SBS Punjabi ને જણાવ્યું હતું કે, સાકેત ખૂબ જ ઉમદા પ્રશિક્ષક હતા. અને તેમને મિત્રો ‘SK’ ના નામથી સંબોધતા હતા.

મેં તેમના પ્રશિક્ષણ હેઠળ વિમાન ઉડાવવાની પરીક્ષા આપી હતી. તે મુખ્ય પ્રશિક્ષક હતા. તે એક ઉમદા માણસ હતા સ્વભાવે શાંત હતા. અમે તેમને ‘SK’તરીકે સંબોધિત કરતા હતા.

તેમણે ફેસબુકના માધ્યમથી સાકેત કપૂરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

ABC News ને આપેલા નિવેદનમાં Soar Aviation ના ચીફ એક્સીક્યુટીવ ડોન ગ્રોવરે જણાવ્યું હતું કે સાકેત કપૂર અને શીપ્રા શર્માનું નિધન થયું છે.
અકસ્માત કેવી રીતે સર્જાયો તેની પૂરતી માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ નથી. જોકે, અધિકારીઓને તપાસ માટે અમે પૂરતો સહયોગ આપી રહ્યા છીએ, તેમ ગ્રોવરે જણાવ્યું હતું.

SBS Punjabi ને આપેલા નિવેદનમાં ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે જણાવ્યું હતું કે અકસ્માતના મૂળ કારણ વિશે તપાસ ચાલી રહી છે.

ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યૂરોને ઘટનાની જાણ કરી દેવાઇ છે અને કોરોનેરની તપાસ માટે એક રીપોર્ટ બનાવવામાં આવશે.

SBS Punjabi એ Soar Aviation ને તેમના નિવેદન માટે સંપર્ક કર્યો હતો.

જો કોઇ પણ વ્યક્તિ પાસે આ ઘટના વિશેની માહિતી ઉપલબ્ધ હોય તો તેમણે ક્રાઇમ સ્ટોપર્સનો 1800 333 000 અથવા https://nsw.crimestoppers.com.au પર સંપર્ક કરવો.


Share
Published 7 November 2020 11:44am
Updated 7 November 2020 11:47am
By Avneet Arora
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends