ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા રાજ્યના મેલ્બર્ન શહેરમાં એક કાર અકસ્માતમાં ભારતીય મૂળના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
મળતી માહિતી પ્રમાણે, આ ઘટના ગુરુવારે રાત્રે 10.45 વાગ્યાની આસપાસ મેલ્બર્નના એલવૂડ વિસ્તારમાં બની હતી.
વિદ્યાર્થી મૂળ ગુજરાતના વલસાડનો વતની હતો અને મોનાશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
વિક્ટોરીયા પોલિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓરમન્ડ એસપ્લેનેડ પાસે એક હોલ્ડન કાર નિસાન સેડાન સાથે ટકરાઇ હતી. જેમાં નિસાન કારના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
મૃતક મેલ્બર્નના કોફિલ્ડ સાઉથ વિસ્તારમાં રહેતો હોવાનું વિક્ટોરીયા પોલિસે જણાવ્યું હતું.
ઘટના બાદ બ્રાઇટનના રહેવાસી અને હોલ્ડન કારના 23 વર્ષીય ડ્રાઇવર તથા તેની સાથેના 24 વર્ષીય પેસેન્જરની પોલીસે ધરપકડ કરી હતી અને તેમને વધુ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
મૃતક ભારતીય નાગરિક હતો તેમ વિક્ટોરીયા પોલીસે SBS Gujarati ને જણાવ્યું હતું.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓને પોલીસે વધુ માહિતી માટે સંપર્ક કરવા જણાવ્યું છે.