ઓસ્ટ્રેલિયાએ વર્તમાન ઉનાળામાં ઇતિહાસના સૌથી ભયંકર બુશફાયરનો સામનો કર્યો છે. જેમાં લાખ્ખો પશુ – પક્ષીઓના મૃત્યુ થયા ઉપરાંત લગભગ 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જોકે, આ આપત્તિ દરમિયાન દેશના 260,000 જેટલા ફાયરફાઇટર સ્વયંસેવકોએ પોતાનો નિસ્વાર્થ ફાળો આપ્યો અને દેશને આપત્તિમાંથી ઊગારવામાં મદદ કરી હતી. પરંતુ, તે પૂરતું નથી.
ઓસ્ટ્રેલિયામાં હજી પણ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બને તો તે માટે વધુ ફાયરફાઇટર્સની જરૂર છે. તેથી જ ધ નેશનલ કાઉન્સિલ ફોર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ બહુસાંસ્કૃતિક સમાજના લોકોને ફાયરફાઇટર્સ બનવા માટે ભલામણ કરી રહી છે.
જાણીએ, ફાયરફાઇટર્સ બનવા માટેની પ્રક્રિયા અંગે...
Image
ફાયરફાઇટર્સની અરજી કર્યા અગાઉ વિચાર કરો
ફાયરફાઇટર બનવું એટલે કે આગ લાગી હોય અથવા બુશફાયરની ઘટનાના સમયે પોતાની સર્વિસ આપવી. ઘટના ગમે તે સમયે બની શકે છે અને જે-તે સમયે ફાયરફાઇટર્સની જરૂર પણ પડી શકે છે. તેથી જ જે લોકો ફાયરફાઇટર બનવા અંગે વિચારી રહ્યા હોય તેમણે અરજી કર્યા અગાઉ બે વખત વિચાર કરવો જોઇએ.
ફાયરફાઇટર્સ બનવાની પ્રક્રિયા
ફાયરફાઇટર બનવા માટે વિવિધ પ્રક્રિયામાં અને કેટલીક તપાસમાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયામાં જે-તે ઉમેદવારની યોગ્યતા, અનૂકુળતા તથા તેના ભૂતકાળની તપાસ કરવામાં આવે છે. એક વખત તે મંજૂર થઇ જાય ત્યાર બાદ ઉમેદવારને મહિનાઓ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે. અને તે પછી જ તેને ખરેખર જ્યાં આગ લાગી હોય ત્યાં મોકલવામાં આવે છે.
Image
કેટલા પ્રકારની સર્વિસ ઉપલબ્ધ કરાવી શકાય
ફાયર સર્વિસને ફક્ત ફાયરફાઇટર્સની જ જરૂર હોતી નથી. તેમાં અન્ય કેટલીક સર્વિસીસનો પણ સમાવેશ થાય છે જેના દ્વારા સ્વયંસેવકો પોતાની સેવા આપી શકે છે. ફાયરસર્વિસમાં રેડીયો ઓપરેટર્સ, કો-ઓર્ડિનેટર અને અન્ય સપોર્ટ સર્વિસ માટે પણ જગ્યા હોય છે.
ફાયરફાઇટર્સમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી, વધુ બહુસાંસ્કૃતિક લોકોની જરૂર
ફાયરફાઇટર્સ સર્વિસીસના જણાવ્યા પ્રમાણે તેમને બહુસાંસ્કૃતિક સમાજના ફાયરફાઇટર્સની જરૂર છે. જે અંગ્રેજી ઉપરાંત અન્ય કોઇ પણ ભાષાના જાણકાર હોવા જોઇએ. ઘણી વખત આગ લાગી હોય તે જગ્યાના લોકો અંગ્રેજી સિવાયની ભાષા સમજતા હોવાથી મુશ્કેલી ઉભી થાય છે.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં સ્ત્રીઓની સંખ્યા લગભગ 50 ટકા જેટલી છે પરંતુ પાંચમાંથી એક જ મહિલા ફાયરફાઇટીંગ સર્વિસમાં જોડાય છે.