ઓસ્ટ્રેલિયામાં હાલમા નેશનલ વોલન્ટિયર વીક (18થી 24 મે) ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પર્થના રશીદાબેન સોનગરવાળાનો કિસ્સો રસપ્રદ છે.
રશીદાબેનનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ એંગ્લો ઇન્ડિયન શાળામાં ભણ્યા. અભ્યાસ બાદ લગ્ન થયા અને તેઓ પતિ સાથે હોંગકોંગ સ્થાયી થયા હતા. હોંગકોંગમાં સત્તર વર્ષ વિતાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યમાં સ્થાયી થયા.
રશીદાબેન કહે છે કે, તેઓ ગૃહિણી તરીકે રહેતા હતા. તેમની જ ભાષામાં વાત કરીએ તો " બચ્ચાઓ..." મોટા થઇ ગયા પછી કોઈ કામ નહોતું.
મને ઘર બહાર સમાજમાં ભળવામાં પણ શરમ આવતી હતી. કોઈ જાતનો આત્મવિશ્વાસ હતો જ નહીં. પર્થમાં ભારતીય સમુદાય પણ ઘણો નાનો હતો.
આ સમયે કેનિંગ કોલેજમાં “ જે મહિલાઓએ લાંબા સમયથી કોઈ જ કામ ના કર્યું હોય તેવી મહિલાઓએ કાર્યમાં કેવી રીતે જોડાવું અને કેવી રીતે કામ કરવું” તેનો એક નાનકડો બ્રીજીંગ કોર્સ શરૂ થયો હતો.
રશીદાબેને આ કોર્સ કર્યો. આ છ અઠવાડિયાનો કોર્સ કરવા છતાંય તેમનામાં આત્મવિશ્વાસ ન આવ્યો અને નોકરી કરવાની હિંમ્મત જ ન થઇ.
તેથી, તેમણે ફ્રિમેન્ટલ સિટી કાઉન્સીલમાં સ્વયંસેવક તરીકે જોડાવાનું નક્કી કર્યું. તેમને પાર્કિંગમાં કામ કરવાની જવાબદારી અપાઈ હતી. તેઓ નોકરી કરતા હોય તેમ અઠવાડિયામાં ત્રણ દિવસ ત્રણથી પાંચ વાગ્યા સુધી કામ કરતા હતા.
થોડા વર્ષો સ્વયંસેવક તરીકે કાર્ય બાદ તેમની સાથે કામ કરતા એક બહેને કહ્યું કે, રશીદાબેન તો પગારદાર કર્મચારી જેવું જ કામ કરે છે. ઓસ્ટ્રેલિયન બહેને નોકરી આપવા તેમની ભલામણ એચ.આર વિભાગમાં કરી પરંતુ અભ્યાસના સર્ટિફિકેટ અને અગાઉ કામ કર્યાનો કોઈ અનુભવ ન હોવાથી રશીદાબેનને નોકરી મળી નહીં.
થોડા સમયમાં એક કર્મચારીને ત્રણ અઠવડીયા માટે રજા પર જવાનું થયું ત્યારે રાશિદબેનને અનુભવ હોવાથી અને એક ઓસ્ટ્રેલિયન સાથી કર્મચારીની ભલામણથી કામ મળ્યું. અચાનક પાર્ટ ટાઈમ જોબની જાહેરાત આવી અને ફ્રિમેન્ટલ સિટી કાઉન્સીલે રશીદાબેનને કામ આપ્યું.
રશીદાબેને ઘણા લાંબા વર્ષો સુધી કામ કર્યું. કમનસીબે, થોડા સમય બાદ તેમને રીડન્ડન્ટ કર્યા, તે રશીદાબેન માટે કપરો સમય રહ્યો હતો. પણ, તેમણે હાર ન માની અને એક એજન્સીમાં નામ નોંધાવ્યું.
તેમના અનુભવ અને હોશિયારીના કારણે તે જ વિસ્તારમાં હાલ તેઓ લાંબા સમયથી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. આજે પણ તેઓ ફ્રિમેન્ટલ વિસ્તારમાં નિયમિત કામ કરે છે.