સ્વયંસેવક બનીને ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિનો અનુભવ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓ

ઓસ્ટ્રેલિયા અત્યારે નેશનલ વોલન્ટિયર વીકની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મેલ્બોર્નમાં રહીને અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ તેમના સ્વયંસેવક તરીકેના અનુભવો વિશે જણાવી રહ્યા છે.

International student Nimit Desai

International student Nimit Desai Source: Nimit Desai

સ્વયં સેવક બનીને સેવા આપવી એ ઓસ્ટ્રેલિયામાં કોઇ નવી વાત નથી. હકીકતમાં તો એ મોટાભાગના લોકોના જીવનનો એક અંગત હિસ્સો જ બની ગયું છે. 

નેશનલ વોલન્ટિયર વીક એ પોતાના હળવાશના સમયમાં પણ સમાજના અલગ અલગ વિભાગમાં સ્વયં સેવક તરીકે સેવા આપનારા લોકોના કાર્યને બિરદાવવાના એક ઉમદા હેતૂ સાથે ઉજવાય છે. 

આ વર્ષના વોલન્ટિયર વીકમાં SBS Gujarati એ એવા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાત કરી કે જેઓ પોતાના અત્યંત વ્યસ્ત સમયમાં પણ સ્વયં સેવક તરીકે પોતાની સેવાઓ આપીને ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિ તથા તેમની જીવન જીવવાની પદ્ધતિનો અનુભવ મેળવી રહ્યા છે. 

Deakin University માં Sports Management નો અભ્યાસ કરી રહેલા નિમીત દેસાઇએ જણાવ્યું હતું કે, તે દસ મહિના પહેલા જ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવ્યો છે અને તે સ્પોર્ટ્સ અને અન્ય કમ્યુનિટી ઇવેન્ટ્સમાં સ્વયં સેવક બનીને પોતાની સેવાઓ આપે છે. 

આ અંગે નિમીતે વધુમાં જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયાના નિવાસીઓ હંમેશાં અન્યની મદદ કરવા માટે તથા કમ્યુનિટીમાં સેવા આપવા તૈયાર હોય છે. મેં ઘણી વખત તેનો અનુભવ કર્યો છે, તેમના આ જ વલણે મને સ્વયં સેવક બનીને પોતાની સેવા આપવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.
Nimit Desai
Nimit Desai is studying in Melbourne. Source: Nimit Desai
મારા જેવા વિદ્યાર્થીઓ કે જેઓ ઓસ્ટ્રેલિયામાં નવા છે અને તેમની પાસે ઓસ્ટ્રેલિયાના વ્યવસાય તથા અહીના નાગરિકોની રહેણીકરણીનો કોઇ અનુભવ નથી તેવા વિદ્યાર્થીઓ કમ્યુનિટી ઇવેન્ટ્સમાં સેવા આપીને લોકોને મદદ કરવા ઉપરાંત, નવા લોકોને મળવાની તથા તેમની સાથે જોડાવાની તક મેળવી શકે છે. 

મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે તેઓ સ્વયં સેવક તરીકેની પોતાની સેવાઓને અહીંની બહોળી સંસ્કૃતિ તથા વિશાળ સમુદાયના લોકોને મળવાની તક એક તક તરીકે જોઇ રહ્યા છે. તેમાં એક છે પાર્થ પટેલ.

પાર્થ પટેલે SBS Gujarati ને પોતાના વોલન્ટિયરીંગના અનુભવ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "હું ઇવેન્ટ્સમાં કામ કરવા માટે હંમેશાં આતુર રહું છું. ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ મારા એક મિત્રે મને વોલન્ટિયરીંગ કરવાની સલાહ આપી હતી અને મેં તે ઇવેન્ટમાં સ્વયં સેવક બનીને સેવા આપી. મને તેમાંથી કોઇ પણ ઇવેન્ટમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો માટે કેટલા પ્રકારની સેવાઓ તથા સુવિધાઓ ઉપલબ્ધ હોય છે તેનો ખ્યાલ આવવા ઉપરાંત ઘણા બધા પાસાઓ અંગે શીખવા પણ મળ્યું હતું."

"મને સ્વયં સેવક તરીકે અહીંના સમાજમાં પોતાની સેવાઓ આપવાનો સંતોષ છે. આ મારા માટે એક ઉત્તમ અનુભવ છે."

હું અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ સ્વયં સેવક તરીકે સેવા આપવા અંગે સલાહ આપીશ, અહીંના સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાવવાનો આનાથી બીજો યોગ્ય રસ્તો કોઇ ન હોઇ શકે.

Share
Published 23 May 2018 12:06pm
Updated 29 May 2018 12:58pm
By Vatsal Patel


Share this with family and friends