27મી ડિસેમ્બર 2018ના રોજ મેલ્બર્ન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરેલા ભારતીય વિદ્યાર્થીના મોબાઇલ ફોનની તપાસ કરતા તેમાંથી કેટલાક બિભત્સ વીડિયો મળી આવ્યા હતા.
ઘટના અંગે મળેલી વિગતો પ્રમાણે, ભારતીય વિદ્યાર્થી સ્ટુડન્ટ વિસા હેઠળ નવી દિલ્હીથી મેલ્બર્ન આવ્યો હતો અને ઊતરાણ બાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ તેના સામાનની તપાસ કરી હતી.
તપાસ દરમિયાન તેના મોબાઇલ ફોનમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેટલાક વીડિયો તથા કમ્પ્યુટરમાંથી પિક્ચર્સ મળી આવ્યા હતા. જેને કસ્ટમ્સ પ્રોહીબીટેડ ઇમ્પોર્ટ રેગ્યુલેશન્સનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
ફરજ પરના અધિકારીઓએ તેનો મોબાઇલ ફોન તથા કમ્પ્યુટર જપ્ત કરી લીધા હતા અને તેના ઓસ્ટ્રેલિયન વિસા રદ કરી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેને મેલ્બર્ન ઇમિગ્રેશન ટ્રાન્સિટ એકોમોડેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો.
30મી જાન્યુઆરીએ તેની પર કસ્ટમ્સ એક્ટના s233BAB(5) ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના વિક્ટોરિયાના રીજનલ કમાન્ડર, ક્રેગ પામરના જણાવ્યા પ્રમાણે, "ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓ આ પ્રકારની બિભત્સ સામગ્રી સાથે દેશમાં પ્રવેશતા લોકોને રોકવા માટે કટિબદ્ધ છે."
"અમે આ પ્રકારની સામગ્રી લઇને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશતા લોકોને કડક સંદેશ આપવા માંગીએ છીએ. ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેતા તમામ લોકોએ એ ધ્યાનમાં રાખવું જોઇએ કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવી સામગ્રી રાખતા લોકો પર ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓ નજર રાખી રહ્યા છે."
"શારીરિક સતામણી તથા હિંસાત્મક દ્રશ્યો ધરાવતી કોઇ પણ સામગ્રી રાખવી ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત છે. આ પ્રકારની સામગ્રી ધરાવનાર વ્યક્તિનો દેશમાં રહેવાનો અધિકાર છીનવાઇ શકે છે અને તેને અહીંના કાયદાનો સામનો કરવો પડી શકે છે." તેમ પામરે જણાવ્યું હતું.
Image
અઠવાડિયામાં બીજી ઘટના
આ અઠવાડિયામાં આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. અગાઉ પર્થ એરપોર્ટ પર 32 વર્ષીય ભારતીય વ્યક્તિના ચાઇલ્ડ પોર્નોગ્રાફી ધરાવતી સામગ્રી સાથે ધરપકડ કરાઇ હતી.
કુઆલાલમ્પુરથી પર્થ આવેલા વ્યક્તિની ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ તપાસ કરતા તેના બે મોબાઇલ ફોનમાંથી બાળશોષણને લગતી પાંચ વીડિયો મળી આવી હતી.