ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ કરી શકાય તે માટે લગ્ન કરાવી આપવાનો એક ભારતીય પર આરોપ લાગ્યો છે. આ કૌભાંડમાં 150 જેટલા લોકો ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માટે મોટા પ્રમાણમાં નાણા આપવા માટે પણ તૈયાર હતા જેમાં મોટાભાગે સાઉથ એશિયન સમાજના લોકોનો સમાવેશ થાય છે.
32 વર્ષનો ભારતીય વ્યક્તિ આ કૌભાંડનો મુખ્ય આરોપી છે. તેની પર ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ (Permanent Residency) મેળવી શકાય તે માટે ચાર ખોટા લગ્ન કરાવવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના જણાવ્યા પ્રમાણે તેમણે આ પ્રકારની કુલ 164 અરજીઓ ફગાવી દીધી છે જેનો સંબંધ આ વ્યક્તિ સાથે હતો.
આ ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓ પર પણ ઓસ્ટ્રેલિયાના નાગરિકોને જંગી નાણાનો પ્રસ્તાવ આપીને ખોટા લગ્ન કરાવીને કાયમી વસવાટ અપાવવાનો આરોપ લાગ્યો છે. તેમની પર સ્થળાંતરના કાયદા અંતર્ગત આરોપો ઘડાયા છે.
આ અંગે ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના કમાન્ડર ક્લિન્ટન સિમ્સના જણાવ્યા પ્રમાણે, "આ કૌભાંડમાં ઓસ્ટ્રેલિયાની મહિલાઓને જંગી નાણાની લાલચ આપીને ફસાવવામાં આવે છે."
"યુવા મહિલાઓ કે જેઓની આર્થિક તથા સામાજિક પરિસ્થિતિ સારી નથી અને ભૂતકાળમાં ઘરેલું હિંસા, નાણાની કટોકટી જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય તેવી મહિલાઓને અહીં નિશાન બનાવાય છે."
"ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ માટેની યોગ્યતા મેળવવા માંગતા વિદેશી નાગરિકો દ્વારા તેમને જંગી નાણાની લાલચ અપાય છે,"
"ઓસ્ટ્રેલિયાના વિસા અંગેના નિયમોનું પાલન કરવું તથા તેની યોગ્યતા જળવાય તે ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સનું મુખ્ય લક્ષ્ય છે અને જો કોઇ પણ વ્યક્તિ આ પ્રકારનું કાર્ય કરતા ઝડપાશે તો તેની સામે કડક પગલાં લેવાશે. રજીસ્ટર એજન્ટ નું પણ રજીસ્ટ્રેશન રદ થઇ શકે છે," તેમ સિમ્સે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ક્વિન્સલેન્ડની એક દંપત્તિને ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ મેળવવા માટે 16 ખોટા લગ્ન કરાવવાના આરોપ હેઠળ જેલની સજા ફટકારાઇ હતી. જોકે તે દંપત્તિએ ત્યાર બાદ આ વર્ષની શરૂઆતમાં આરોપ સામે કેસ જીતી લીધો હતો અને આ કાંડમાં ફક્ત એક ખોટા લગ્નની તપાસનો આદેશ કરાયો હતો.
ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના જણાવ્યા પ્રમાણે, આ કૌભાંડમાં સાઉથ એશિયન સમાજના લોકોને ફસાવવામાં આવે છે. આરોપ સાબિત થશે તો તેની પર વધુમાં વધુ 2 લાખ 10 હજાર ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ તથા 10 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે.
બીજી તરફ ડેઇલી ટેલિગ્રાફને આપેલા ઇન્ટરવ્યુંમાં ભારતીય વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ કૌભાંડ કોણ કરી રહ્યું છે તેની મને ખબર નથી, હું તેમને ફક્ત મદદ કરી રહ્યો હતો.