ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના જણાવ્યા પ્રમાણે, પર્થ એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.
"ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ 9મી ઓક્ટોબર 2018ના રોજ કુઆલાલુમ્પુરથી પર્થ આવેલી ફ્લાઇટના પ્રવાસી ભારતીયની બેગની તપાસ કરી હતી. તે દરમિયાન તેમણે તેનો મોબાઇલ ફોનની તપાસ કરતાં તેમાં બાળશોષણને લગતી સામગ્રી મળી હતી.
અધિકારીઓને મોબાઇલ ફોનમાંથી બાળકોના જાતીય શોષણ અંગેના નવ વિડીયો તથા છ ફોટોગ્રાફ મળ્યા હતા," તેમ ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું.
અધિકારીઓએ તેનો ફોન કબ્જે કરી લીધો હતો અને તેના પ્રવાસી વિસા રદ કરી દેવામાં આવ્યા હતા.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના કમાન્ડર રોડ ઓ'ડોનેલે જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયામાં આવતા પ્રવાસીઓ પાસેથી બાળકોના જાતીય શોષણને લગતી સામગ્રી મળવી ખૂબ જ ચિંતાજનક છે."
"છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયામાં આવતા પ્રવાસીઓના ફોનમાંથી આ પ્રકારની સામગ્રી મળવી ખૂબ જ ચિંતાજનક છે. પ્રવાસીઓએ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારની સામગ્રી જોવી ગેરકારયદેસર છે," તેમ ઓ'ડોનેલે જણાવ્યું હતું.
ભારતીય વિદ્યાર્થીને આ ગુના હેઠળ મહત્તમ 10 વર્ષની જેલ અથવા 525,000 ડોલરનો દંડ થઇ શકે છે.