મેલ્બર્નના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઇ રહેલા 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને ચોરાયેલી કારે ટક્કર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે.
સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે પ્રમાણે, કાળા રંગની હોન્ડા એકોર્ડ કાર બસ સ્ટેન્ડ તરફ ઝડપથી આગળ વધે છે અને ભારતીય વિદ્યાર્થી જયદીપ મંધાન તથા પાસે બેસેલી 17 વર્ષીય યુવતીને અડફેટમાં લે છે.
આ ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી.
પ્રત્યક્ષદર્શી લેઇહ ફિસ્ટે 9News ને જણાવ્યા અનુસાર, "પૂરપાટ ઝડપે આવતી કાર જયદીપ મંધાનને ટક્કર મારે છે અને ત્યારબાદ તે ઝાડ સાથે અથડાય છે."
"કારની ઝાડ સાથેની અથડામણ એટલી ભયાનક કરી કે તે અથડાયા બાદ પણ પાંચ ફૂટ પાછી આવી હતી." તેમ તેણે ઉમેર્યું હતું.અકસ્માત બાદ જયદીપ મંધાનને ઘણી ગંભીર ઇજાઓ પહોંચી છે અને તે હાલમાં આલ્ફ્રેડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે જ્યાં તેની હાલત સ્થિર છે.
Jaideep Mandhan remains in a critical but stable condition. Source: Facebook
અકસ્માત બાદ ભારતના હરિયાણા રાજ્યના કરનાલ શહેરમાં રહેતા તેના પરિવારજનોને જાણ કરી દેવાઇ હતી અને તેઓ મેલ્બર્ન આવવા રવાના થઇ ગયા છે.
અકસ્માત સર્જનાર ડ્રાઇવરની ઓળખ થઇ ગઇ છે. તે મેલ્બર્નના પશ્ચિમ ભાગમાં આવેલા બેયબ્રૂક વિસ્તારમાં રહે છે. તેની ઉંમર 35 વર્ષની આસપાસ છે.
તેની ધરપકડ કર્યા બાદ તેને મોનાશ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કાર બે દિવસ અગાઉ ફોરેસ્ટ હિલ વિસ્તારમાંથી ચોરાઇ હતી.