18મી જાન્યુઆરીએ બનેલી ઘટના પ્રમાણે, અમદાવાદના 25 વર્ષીય દૈવિક જીતેન્દ્ર પટેલ અમદાવાદ - દિલ્હી - મેલ્બોર્ન ફ્લાઇટ દ્વારા ઓસ્ટ્રેલિયા આવી રહ્યા હતા. દિલ્હી ખાતે ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કર્યા બાદ તેઓ સિક્ટોરિટી ચેક માટે રાહ જોઇ રહ્યા હતા ત્યારે તેમને લાઇનમાંથી બહાર લઇ જઇને કહેવામાં આવ્યું હતું કે તમે ઓસ્ટ્રેલિયા નહીં જઇ શકો.
"મારું નામ જાહેર કરવામાં આવ્યું અને મને લાઇનમાંથી બહાર લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર અધિકારીઓએ મને જણાવ્યું કે તેમને ઓસ્ટ્રેલિયન ઓથોરિટી દ્વારા મને ઓસ્ટ્રેલિયા જતી ફ્લાઇટમાં ન બેસવા દેવાની સૂચના અપાઇ છે." તેમ તેણે SBS Punjabi ને જણાવ્યું હતું.
"મેં વિઝીટર વિસા ઓનલાઇન તપાસ્યા હતા અને જ્યારે ફ્લાઇટમાં ન બેસવા દેવામાં આવ્યો ત્યાં સુધી તે વિસા માન્ય હતા."
વિસા એપ્લિકેશનમાં દૈવિકે જણાવ્યું હતું કે તે ગુજરાતના નરોડામાં વૂડન ડોર કંપની ચલાવે છે. જોકે જ્યારે ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તેમના પ્રકૃતિ વૂડન ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ નંબર પર ફોન કરીને જરૂરી પૂછપરછ કરી ત્યારે તેમને વિસા એપ્લિકેશનમાં આપેલી વિગતો અલગ - અલગ હોવાની જાણ થઇ હતી.
વિસા રદ કરવાની નોટિસમાં જણાવાયું હતું કે, જ્યારે ડિપાર્ટમેન્ટે તેમના બિઝનેસ નંબર પર ફોન કર્યો ત્યારે તેમની દૈવિક પટેલના પિતરાઇ સાથે વાત થઇ હતી. તે આકૃતિ વૂડ પ્રોડક્ટ્સના નામે તે જ સરનામા પર બિઝનેસ ચલાવે છે અને દૈવિક તેમના બિઝનેસ પાર્ટનર છે. જોકે, પિતરાઇના જણાવ્યા પ્રમાણે દૈવિક જ્યારથી આ બિઝનેસ શરૂ કર્યો ત્યારથી તેમાં સક્રિય છે.
પરંતુ, તેના પિતરાઇ પાસે ડિપાર્ટમેન્ટને આપવા લાયક બીજી અન્ય કોઇ માહિતી નહોતી. આ ઉપરાંત બંને બિઝનેસ એક જ સરનામા હેઠળ અને ટેલીફોન નંબર પર ચાલતા હોવાથી અધિકારીઓની મૂંઝવણમાં વધારો થયો હતો.
ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, તેમણે દૈવિક પટેલના પ્રકૃતિ વૂડન ઇન્ડ્રસ્ટ્રીઝના બિઝનેસ પાર્ટનરનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેની પાસે પણ વિશેષ માહિતી નહોતી. તેની પાસે દૈવિક પટેલની રજા મજૂંરી એપ્લિકેશન પર સહી કર્યાની પણ કોઇ વિગતો નહોતી કે રજાની અવધિ વિશે પણ કોઇ ચોક્કસ માહિતી નહોતી.
"જો તેમને કોઇ પણ પ્રકારની માહિતીની જરૂર હોત તો તે મારો સંપર્ક કરી શક્યા હોત. તેમણે મને એક પણ તક આપી નહોતી. મેં એર ટિકીટ તથા હોટેલ બૂકિંગ કરાવ્યું હતું તે નાણા પણ ગુમાવ્યા."
"આ પ્રકારનો અનુભવ ખરેખર અપમાનજનક છે," તેમ દૈવિકે જણાવ્યું હતું.
દૈવિકના માઇગ્રેશન એજન્ટ રણબિર સિંઘે જણાવ્યું હતું કે, "તેઓ આ નિર્ણય સામે અપીલ કરવા માટે તૈયારી કરી રહ્યા છે."
રણબિર સિંઘે SBS Punjabi ને જણાવ્યું હતું કે, "ઘણી વખત એવું બને છે કે ડિપાર્ટમેન્ટ ફોન કરે ત્યારે જવાબ આપનાર વ્યક્તિને ચોક્કસ તારીખ કે અન્ય વિગતો યાદ હોતી નથી. તેમના જવાબમાં ડિપાર્ટમેન્ટને કોઇ ગેરસમજ થઇ હોવાનું લાગી રહ્યું છે."
"અને, વિસા અપાયાના એક મહિના બાદ જ્યારે તે વ્યક્તિ ફ્લાઇટમાં બેસી રહ્યો હોય ત્યારે આ પ્રકારની પૂછપરછ થાય તે નવાઇ લાગે તેવું છે."