ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થી પાર્થ પટેલનું એક માર્ગ અકસ્માતમાં મંગળવારે મૃત્યુ થયું હતું.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ૨૬ વર્ષીય પાર્થ રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી ફૂડ ડિલિવરીની નોકરી કરતો હતો અને નોકરી પૂરી કરીને તે ડિલીવરી વાન પરત આપવા જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે બહાર પાડેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પશ્ચિમ સિડનીના મ્લગોઆ ખાતે ત્રણ વાહનો અથડાતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે. ઘટના મંગળવારે ૨૭મી નવેમ્બરે સવારે લગભગ ૫.૪૦ વાગ્યે બની હતી, જેમાં બે ટ્રક અને એક વાન આપસમાં ટકરાયા હતા.
વાન ચલાવી રહેલા ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું જ્યારે એક ઇજાગ્રસ્તને લીવરપુલ હોસ્પિટલમાં અને બીજાને નેપીયન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
૭ મહિના અગાઉ જ ઓસ્ટ્રેલિયા આવ્યો હતો
પાર્થ પટેલના મિત્ર મિતેશ પટેલે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાર્થ ગુજરાતના ગાંધીનગર જીલ્લાના પુંધરા ગામનો વતની હતો અને તેનો પરિવાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો હતો.
૨૬ વર્ષીય પાર્થ ૭ મહિના અગાઉ જ ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિસા હેઠળ આવ્યો હતો. તે સિડનીમાં સેન્ટ્રલ ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ મેનેજમેન્ટ એન્જિનીયરીંગનો અભ્યાસ કરી રહ્યો હતો.
મિતેશના જણાવ્યા પ્રમાણે, પાર્થ રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી નોકરી કરતો હતો અને ઘટનાના સમયે તે પોતાની અંતિમ ફૂડ ડિલીવરી પૂરી કરીને વાન માલિકને આપવા જઇ રહ્યો હતો.
પરિવારમાં માતા-પિતા અને નાની બહેન
મિતેશના જણાવ્યા પ્રમાણે, પાર્થના પરિવારમાં તેના માતા - પિતા તથા તેની એક નાની બહેન છે. ઘટના બન્યા બાદ અન્ય મિત્રો તથા સંબંધીઓની મદદથી તેના ઘરે જાણ કરવામાં આવી હતી.
ગુજરાતી સમાજ દ્વારા ફંડ એકઠું કરાયું
સિડનીમાં મિતેશ તથા તેના અન્ય મિત્રો પાર્થના પાર્થિવ શરીરને તેના વતન અમદાવાદ મોકલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તે માટે ઓસ્ટ્રેલિયા સ્થિત ગુજરાતી સમાજ દ્વારા પાર્થિવ શરીરને મોકલવા માટેના જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે.