પશ્ચિમ સિડનીના પેરામેટા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટનામાં ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલિસના એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, પેરામેટાની કેમ્પબેલ સ્ટ્રીટ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં સોમવારે સવારે 2.45 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
આગની ઘટનાની માહિતી મળ્યા બાદ ઇમર્જન્સી સર્વિસ તથા પેરામેટા પોલિસ એરિયા કમાન્ડના ઓફિસર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જ્યાં એપાર્ટમેન્ટનો ત્રીજો માળ આગની ઝપેટમાં આવી ગયો હતો.
27 વર્ષીય ભારતીયમૂળના યુવકને ન્યૂ સાઉથ વેલ્સ એમ્બ્યુલન્સના પેરામેડિક્સ વિભાગે પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યાર બાદ તેને ગંભીર હાલતમાં વેસ્ટમીડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
SBS Gujarati એ ન્યૂ સાઉથ વેલ્સ પોલિસનો સંપર્ક કરતા તે યુવક ભારતીય નાગરિક હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનામાં અન્ય એક 20 વર્ષીય યુવકને પણ બચાવવામાં આવ્યો હતો. તેને પ્રાથમિક સારવાર બાદ વેસ્ટમીડ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. તેની હાલત સ્થિર હોવાનું ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે નિવેદનમાં જણાવ્યું હતું.
ભારતીયમૂળના યુવકનું સવારે 5 વાગ્યે મૃત્યુ થયું હોવાનું પોલિસે જણાવ્યું હતું.
પોલિસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને આગ કેમ લાગી તે અંગે કોઇ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ નથી.
કોરોનર તપાસ માટે વધુ રીપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે.
જો કોઇ પણ વ્યક્તિને ઘટના અંગે કોઇ જાણકારી કે માહિતી હોય તો તે Crime Stoppers: 1800 333 000 અથવા https://nsw.crimestoppers.com.au પર સંપર્ક કરી શકે છે.