મેલ્બર્નમાં એક બાળકીનું હોસ્પિટલમાં દાખલ થયાના 21 કલાક બાદ મૃત્યુ થયું હોવાની ઘટના બની છે.
બાળકીના માતા-પિતાએ તેના મૃત્યુ અંગે વધુ તપાસની માંગ કરી છે.
મેલ્બર્ન સ્થિત ચંદ્ર શેખર લંકા તથા તેમના પત્ની સત્યા તારાપેરુડ્ડીએ તેમની દિકરી અમ્રિતાને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મોનાશ ચિલ્ડ્રન હોસ્પિટલ લઇ ગયા હતા.
જ્યાં 21 કલાક બાદ તેનું મૃત્યુ થયું હતું.
અમ્રિતાને એપ્રિલ 29ના રોજ પેટમાં દુખાવો, ઉલટી તથા તાવ આવ્યો હતો. ત્યાર બાદ તેના પિતા ચંદ્ર શેખર તેને જનરલ પ્રેક્ટીશનર પાસે લઇ ગયા હતા.
જ્યાં ડોક્ટરે તેમને હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી.
માં મળતી માહિતી પ્રમાણે, હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં 2 કલાક સુધી રાહ જોયા બાદ 8 વર્ષીય અમ્રિતા પર સ્કેન કરવામાં આવ્યો હતો.
જ્યાં તેને એપેન્ડીક્સ નહીં પરંતુ, ગેસ્ટ્રોએન્ટરાઇટીસ હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
રાત્રે 9 વાગ્યે અમ્રિતાએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી.
ત્યાર બાદ તેની માતા સત્યાએ તાત્કાલિક મદદ માંગી હતી પરંતુ, તેની સારવાર કરવા કોઇ આવ્યું નહોતું.
25 મિનિટ સુધી રાહ જોયા બાદ સત્યા રીસેપ્શનમાં ગયા હતા અને ત્યાં તેમણે મદદ માંગી. ત્યાર બાદ 15 મિનિટ પછી તેની તપાસ કરતા પરિસ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું હતું.
હોસ્પિટલમાંથી તેમને જણાવવામાં આવ્યું હતું કે, સવારે ફરીથી એક વખત તપાસ કર્યા બાદ અમ્રિતાને રજા આપવામાં આવશે.
શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદના 6 કલાક બાદ અમ્રિતાના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
થોડા સમય બાદ તેની પરિસ્થિતિ ગંભીર જણાતા મેડિકલ સ્ટાફે તેને શોર્ટ - સ્ટે રૂમમાં દાખલ કરી હતી.
ત્યાર બાદ તેને હ્દયમાં દુખાવો ઉપડ્યો હતો.
હોસ્પિટલમાં દાખલ થયાના 21 કલાક બાદ અમ્રિતાનું શનિવારે સવારે 10.17 વાગ્યે મૃત્યુ થયું હતું.
અમ્રિતાના માતા-પિતાને હજી પણ તેના મૃત્યુના સાચા કારણ વિશે જાણકારી મળી નથી અને તેને કયા સંજોગોમાં હદયમાં દુખાવો ઉપડ્યો તે વિશે તપાસની માંગ કરી રહ્યા છે.
પિતા ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે, અમ્રિતાની માતા સત્યાએ તે દિવસે રાત્રે અમ્રિતાને શ્વાસ લેવામાં તકલીફ પડતા 5 વખત ડોક્ટરની મદદ માંગી હતી પરંતુ કોઇ સારવાર મળી નહોતી.
માં જણાવ્યા પ્રમાણે, મોનાશ હેલ્થ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેમણે પરિવારને સહયોગ આપવાની અને વધુ તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે.
વિક્ટોરીયાના આરોગ્ય મંત્રી માર્ટીન ફોલીએ પણ પરિવાર પ્રત્યે તેમની સાંત્વના વ્યક્ત કરી હતી.