ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના આંકડા પ્રમાણે ઓસ્ટ્રેલિયાના મુખ્ય શહેરોમાં વર્ષ 2019-20માં સૌથી વધુ વસ્તી બ્રિસબેન શહેરમાં વધી છે. બ્રિસબેનની કુલ વસ્તીમાં આ સમયગાળા દરમિયાન 1.9 ટકાનો વધારો નોંધાયો છે.
યાદીમાં બીજા ક્રમે પર્થનો સમાવેશ થાય છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના મુખ્ય શહેર પર્થમાં 1.8 ટકા જેટલો વસ્તી વધારો નોંધાયો છે. 1.6 ટકાના વધારા સાથે વિક્ટોરીયાની રાજધાની મેલ્બર્ન ત્રીજા ક્રમે આવે છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના ડીરેક્ટર ઓફ ડેમોગ્રાફી ફીલ બ્રોઉનિંગના જણાવ્યા પ્રમાણે, આંકડાની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયાના અન્ય શહેરોની યાદીમાં મેલ્બર્નમાં 80,000થી પણ વધુનો વસ્તી વધારો નોંધાયો છે.
હાઇલાઇટ્સ
- બ્રિસબેનની કુલ વસ્તીમાં વર્ષ 2019-20 દરમિયાન 1.9 ટકાનો વધારો નોંધાયો
- સિડની અને મેલ્બર્નની વસ્તી અનુક્રમે 5.37 તથા 5.15 મિલીયન સુધી પહોંચી
- ડાર્વિનમાં અગાઉના વર્ષની તુલનામાં વર્ષ 2019-20માં 180 જેટલો ઘટાડો નોંધાયો
સિડનીની વસ્તી 5.37 મિલિયન પહોંચી
વસ્તીની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીની કુલ વસ્તી 5.37 મિલીયન સુધી પહોંચી છે. વર્ષ 2019-20માં તેમાં 57,100 જેટલો વધારો નોંધાયો હતો.
બ્રિસબેન અને પર્થમાં અનુક્રમે 46,900 તથા 37,600 લોકોએ સ્થળાંતર કર્યું હતું.
Brisbane and Perth have highest population growth. Source: NurPhoto
ડાર્વિનમાં ઘટાડો નોંધાયો
નોધર્ન ટેરીટરીની રાજધાની ડાર્વિનમાં વર્ષ 2019-20 દરમિયાન વસ્તીમાં ઘટાડો નોંધાયો હતો. 30 જૂન 2020ના આંકડા પ્રમાણે ડાર્વિનમાં ગયા વર્ષની સરખામણીએ 180 લોકોનો ઘટાડો થયો હતો.
ઓસ્ટ્રેલિયાના ટોચના શહેરોના કયા વિસ્તારોમાં સૌથી વધુ વસ્તી વધારો નોંધાયો
- ન્યૂ સાઉથ વેલ્સના પશ્ચિમ સિડની ખાતે આવેલા રિવરસ્ટોન - માર્સડેન પાર્કમાં 8900 એટલે કે 27.8 ટકા જેટલો વસ્તી વધારો નોંધાયો છે.
- વિક્ટોરીયાના મેલ્બર્ન શહેરના ક્રેનબર્ન ઇસ્ટમાં વર્ષ 2019 - 20માં 6300 લોકોએ સ્થળાંતર કર્યું છે. 32.8 ટકાના વધારા સાથે સૌથી વધુ વસ્તી વૃદ્ધિ મિકેલ્હામ - યુરોક વિસ્તારમાં નોંધાઇ છે.
- ત્રીજા ક્રમે ક્વિન્સલેન્ડનું પિમ્પામા છે જ્યાં 2700 લોકોએ સ્થળાંતર કર્યું છે. રીપલી વિસ્તારમાં 20.3 ટકાની વૃદ્ધિ થઇ છે.
- નોધર્ન ટેરીટરીના પાલ્મેરસ્ટોન - સાઉથ વિસ્તારમાં 14.6 ટકા વધારા સાથે 830 લોકોએ સ્થળાંતર કર્યું છે.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીના થ્રોસબીમાં 550 લોકોનો તથા મોનક્રિફ વિસ્તારમાં 14.3 ટકા જેટલી વસ્તી વૃદ્ધિ થઇ છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ઇલેનબ્રૂકમાં 2400 લોકોએ જ્યારે સાઉથ ઓસ્ટ્રેલિયાના મુન્નો પારા વેસ્ટ - એન્ગલ વેલમાં 970 લોકોએ સ્થળાંતર કર્યું છે.
- તાસ્મેનિયાના ન્યૂન્હામ - મેયફિલ્ડ વિસ્તારમાં વર્ષ 2019-20માં 290 લોકો સ્થાયી થયા હતા.