સદીના અંત સુધીમાં વૈશ્વિક વસ્તીમાં ઘટાડાનું અનુમાન

એક અભ્યાસ પ્રમાણે, વર્ષ 2064 સુધીમાં વિશ્વની કુલ વસ્તી 9.7 બિલિયન સુધી પહોંચી જશે અને ત્યાર બાદ સદીના અંત સુધીમાં તે ઘટીને 8.8 બિલિયન થાય તેવું અનુમાન છે.

world's population

Source: Getty Images

ધ લેન્સેટમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસ પ્રમાણે વિશ્વના 195માંથી 183, એટલે કે 94 ટકા દેશોમાં સદીના અંત સુધીમાં પ્રજનન દરમાં ઘટાડો નોંધાશે.

ધ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના જણાવ્યા પ્રમાણે, જાપાન, સ્પેન, સાઉથ કોરિયા અને થાઇલેન્ડ સહિતના 23 દેશોમાં વસ્તીના આંકડા અડધા સુધી ઓછા થશે.

અન્ય એક અનુમાન પ્રમાણે, 65 વર્ષથી મોટી ઉંમરના લોકોની વસ્તીની સંખ્યા 20 કે તેથી નાની ઉંમરના લોકોની સંખ્યા કરતા વધુ થશે અને તેની વિવિધ અસરો દેખાઇ શકે છે.

અભ્યાસકર્તા પ્રોફેસર સ્ટેઇન એમિલ વોલસેટના જણાવ્યા મુજબ,વ્યવસાય કરતા વયસમૂહના લોકોની વસ્તી ઘટવાથી અસર આર્થિક વૃદ્ધિ દર પર પડશે અને સદીના અંત સુધીમાં વૈશ્વિક આર્થિક શક્તિમાં ફેરફારો નોંધાઇ શકે છે.
યુનિવર્સિટી ઓફ સિડનીના માઇગ્રેશન વિશેષજ્ઞ એના બાઉચરે આર્થિક શક્તિમાં અનુમાનિત ફેરફારનું કારણ આપતા જણાવ્યું હતું કે, વૃદ્ધાવસ્થા ધરાવતા સમૂહ માટે આરોગ્ય સાથે સંકળાયેલી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવી પડે છે જે અર્થતંત્ર પર બોજરૂપ બની શકે છે.

જો કોઇ દેશ પાસે યુવાનોની વસ્તીની સંખ્યા વધુ હોય તો તેઓ વૃદ્ધાવસ્થા ધરાવતા સમૂહને લગતી યોજનામાં પોતાનો સહયોગ આપી શકે છે. તેથી જ કોઇ પણ દેશની પ્રગતિ માટે યુવાનો અને વ્યવસાય કરતા વયજૂથનું મિશ્રણ હોય તે જરૂરી છે.

યુરોપમાં સૌથી ઓછો પ્રજનન દર

વર્ષ 2100 સુધીમાં પ્રતિ સ્ત્રી 1.2 બાળકના જન્મ સાથે સૌથી ઓછો પ્રજનન દર યુરોપના ઇટાલી અને સ્પેનમાં જોવા મળી શકે છે. પોલેન્ડમાં પ્રજનન દરનું પ્રમાણ 1.17 રહે તેવું અનુમાન છે.

જોકે, વર્તમાન સમયમાં જે દેશોમાં સૌથી વધુ પ્રજનન દર છે તેવા દેશોમાં પ્રજનન દરમાં નોંધનીય ઘટાડો જોવા મળશે.
Splendour In The Grass 2016 - Byron Bay
A crowd at a NSW music festival. Source: Getty Images AsiaPac
એક અનુમાન પ્રમાણે, વર્તમાન 1.4 બિલિયન વસ્તી ધરાવતા ચીનની વર્ષ 2100માં વસ્તી 732 મિલિયન જેટલી થઇ જશે. થાઇલેન્ડની વસ્તી 71 મિલિયનથી 25 મિલિયન થશે જ્યારે સાઉથ કોરિયાની વસ્તી 53 મિલિયનથી 27 મિલિયન સુધી પહોંચે તેવી શક્યતા છે.

ભારતમાં પણ પ્રજનન દરમાં ઘટાડાની શક્યતા

ધ લેન્સેટમાં પ્રસિદ્ધ આંકડા પ્રમાણે, વર્ષ 2048માં ભારતની વસ્તી 1.6 બિલિયન સુધી પહોંચી જશે. જોકે, ત્યાર બાદ સદીના અંત સુધીમાં તે 32 ટકા સુધીના ઘટાડા સાથે 1.09 બિલિયનના સ્તરે આવી જશે.

ઓસ્ટ્રેલિયામાં પ્રજનન દર ઘટ્યો

ઓસ્ટ્રેલિયામાં પ્રજનન દર ઘટ્યો છે. હાલમાં તે 1.86 ના સ્તર પર છે જોકે માઇગ્રેશનના કારણે દેશની વસ્તી વધી રહી છે.

ઓસ્ટ્રેલિયામાં સદીના અંત સુધીમાં વસ્તીની સંખ્યા 36 મિલિયન સુધી પહોંચે તથા વૈશ્વિક યાદીમાં દેશનું અર્થતંત્ર 12થી આઠમાં ક્રમે પહોંચે તેવી શક્યતા છે.


Share
Published 17 July 2020 3:42pm
By Lucy Murray
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends