ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના જણાવ્યા પ્રમાણે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકો (પોસ્ટ સ્ટડી વર્ક સ્ટ્રીમ) જો રીનજલ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરશે તથા તેમના પ્રથમ વિસાની અવધિ દરમિયાન રીજનલ વિસ્તારમાં જ રહેશે તો તેઓ બીજી વખત ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસા માટે લાયક બનશે.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021થી ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકોએ આ લાભ મેળવવા માટે તેમના બીજી વખતના વિસાની અવધિ દરમિયાન પણ રીજનલ વિસ્તારમાં જ રહેવું પડશે.
મેટ્રોપોલિટન યુનિવર્સિટીના રીજનલ વિસ્તારમાં આવેલા કેમ્પસમાંથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે.
- જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ (શ્રેણી -2) પર્થ, એડિલેડ, ગોલ્ડ કોસ્ટ, સનશાઇન કોસ્ટ, કેનબેરા, ન્યૂ કેસલ, લેક મેક્વાયરી, વોલોન્ગોંગ, ઇલાવારા, જીલોંગ અને હોબાર્ટ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીમાંથી અભ્યાસ તથા વસવાટ કર્યો હશે તેઓ વર્તમાન વિસામાં વધુ એક વર્ષ ઉમેરવા લાયક બનશે.
- જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ મેટ્રોપોલિટન વિસ્તાર તથા શ્રેણી - 2માં આવેલી યુનિવર્સિટી સિવાયના વિસ્તારમાંથી અભ્યાસ કર્યો હશે તો તેઓ તેમના વિસામાં વધુ બે વર્ષ ઉમેરવા માટે લાયક બની શકશે.
મેલ્બર્ન સ્થિત માઇગ્રેશન એજન્ટ ચમનપ્રિતે SBS Hindi ને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આ સકારાત્મક સમાચાર છે.
સરકાર માઇગ્રન્ટ્સને રીજનલ વિસ્તાર તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે રીજનલ યુનિવર્સિટીમાંથી અભ્સાસ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આ ફેરફારનો લાભ મળશે.
જે વિદ્યાર્થીઓ બીજી વખત ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાનો લાભ મેળવવા અરજી કરશે તેમણે વિસાની અવધિ દરમિયાન રીજનલ વિસ્તારમાં જ રહેવું પડશે.