કોરોનાવાઇરસની મહામારીના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી યુનિવર્સિટીને મદદ થઇ શકે તે માટે ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાન દર અઠવાડિયે 1000 ક્વોરન્ટાઇનની જગ્યાઓ પરત ફરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને ફાળવવા અંગે વિચારી રહ્યા છે.
SBS Punjabi ને આપેલા એક નિવેદનમાં બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સહેમતિ સાથે આ યોજના આગામી વર્ષની શરૂઆતમાં લાગૂ કરવા અંગે વિચારી રહી છે.
જોકે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને સ્કીલ્ડ માઇગ્રન્ટ્સના પરત ફરવાની પ્રક્રિયાના કારણે વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સના દેશમાં પરત ફરવાને કોઇ અસર થશે નહીં. તેઓ હંમેશાં રાજ્યની પ્રાથમિકતા રહેશે.પ્રીમિયરે અન્ય રાજ્યોને હોટલ ક્વોરન્ટાઇનની સંખ્યા વધારવા માટે અપીલ કરી હતી. જેથી ન્યૂ સાઉથ વેલ્સ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને રાજ્યમાં પરત લાવી શકે.
NSW Premier Gladys Berejiklian is set to announce a further easing of restrictions. Source: AAP
રાજ્ય સરકાર આ યોજના વર્ષ 2021ની શરૂઆતથી જ લાગૂ કરવા માટે વિચારી રહી છે. જોકે, તે માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂરિયાત રહેશે.
કેન્દ્ર સરકાર હાલમાં વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને પ્રાથમિકતા આપી રહી છે.
મિચેલ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવેલા એક રીસર્ચ પ્રમાણે, રાજ્યમાં અભ્યાસ કરતા લગભગ 80,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશ બહાર છે જેના કારણે રાજ્યને 2.5 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં પરત ફરે તો ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યને કોરોનાવાઇરસની મહામારીમાંથી બહાર આવવામાં ઘણી મદદ થઇ શકે છે, તેમ કમિટી ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઓસ્ટ્રેલિયાના સિનિયર ઇકોનોમિસ્ટ ગેબ્રિયેલા ડિસોઝાએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે સરકારે પરત ફરી રહેલા લોકો માટે ક્વોરન્ટાઇનના અન્ય ઉપાયો વિચારવા જોઇએ. અધિકારીઓની સતત દેખરેખ હેઠળ હોમ - ક્વોરન્ટાઇનને પણ એક વિકલ્પ કહી શકાય.
સિડની ખાતેની યુનિવર્સિટીમાં ડેટા એનાલિસીસનો અભ્યાસ કરી રહેલી સૈના સિંઘે જણાવ્યું હતું કે, હું ભારતની રાજધાની દિલ્હીમાં ફસાઇ ગઇ છું. હાલમાં અમારો અભ્યાસ ઓનલાઇન માધ્યમથી થઇ રહ્યો છે, પરંતુ તે યોગ્ય વિકલ્પ નથી.
તેણે ઉમેર્યું હતું કે, મારા કોર્સમાં ડેટા એનાલિસીસ તથા અન્ય પ્રોજેક્ટ્સ કરવાના હોવાથી ઘરે રહીને અભ્યાસ કરવો શક્ય નથી.
જો મારી યુનિવર્સિટી ઓનલાઇન અભ્યાસનો વિકલ્પ આપે તો હું એક વર્ષ અભ્યાસ છોડવા અંગે વિચારીશ, તેમ તેણે ઉમેર્યું હતું.
બીજી તરફ, વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે જણાવ્યું છે કે વિદેશમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સને પરત લાવવામાં પ્રાથમિકતા અપાશે.
રાજ્ય સરકારના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, વિક્ટોરીયન સરકાર આ અંગે કોમનવેલ્થ સાથે મળીને કાર્ય કરી રહી છે. પરંતુ જ્યારે સુરક્ષિત હશે ત્યારે જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે.