ભારતીયો માટે ક્રિકેટ એક ધર્મ જેવું મહત્વ ધરાવે છે અને કેટલાક ક્રિકેટચાહકો તો વિશ્વના કોઇ પણ દેશમાં કે કોઇ પણ ગ્રાઉન્ડમાં ભારતીય ટીમ મેચ રમી રહી હોય ત્યાં ટીમને ચીયર કરવા માટે પહોંચી જાય છે. આવા જ એક ક્રિકેટ ચાહક છે. વર્ષોથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી થયેલા અને વ્યવસાયે ઓન્કોલોજીસ્ટ એવા ડો. નિલેશ મહેતા. ડો.નિલેશને ક્રિકેટનો એવો શોખ છે કે તેઓ તેમના વ્યસ્ત શીડ્યુલમાં પણ ક્રિકેટ માટે સમય ફાળવે છે અને જ્યાં પણ ભારતીય ટીમ રમતી હોય ત્યાં તેઓ ટીમને ચીયર કરે છે.
1999થી સફરનો પ્રારંભ
ડો.નિલેશ મહેતા મૂળ ગુજરાતના વડોદરા શહેરના વતની છે પરંતુ તેઓ ત્રણ દાયકા અગાઉ અમેરિકા સ્થાયી થયા હતા.
ડો.નિલેશે અત્યાર સુધીમાં 9 આઇસીસી ઇવેન્ટ્સ નિહાળી છે. તેમણે સૌ પ્રથમ વખત 1999માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપને નિહાળ્યો હતો. તે વખતે તેમણે પત્ની અને બે બાળકો સાથે ભારત વિ. ઇંગ્લેન્ડની મેચ જોઇ હતી. જેમાં ભારતીય ટીમ વિજયી બની હતી.
Dr Nilesh Mehta with Sachin Tendulkar Source: Supplied
સચિન સાથે પ્રથમ મુલાકાત
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પ્રશંસક એવા ડો.નિલેશ મહેતા 1999ના વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમની હોટલમાં જ રોકાયા હતા. અને હોટલના સ્ટાફને સચિન તેંડુલકર સાથે મુલાકાત કરવા માટે વિનંતી કરી હતી.
સચિનને જ્યારે ખબર પડી કે અમેરિકાથી કોઇ પ્રશંસક તેને મળવા આવ્યા છે ત્યારે તે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર ડો.નિલેશના પરિવારને મળ્યા હતા. અને ડો.નિલેશે તેમને અમેરિકાના પ્રખ્યાત બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડનની ટીમ શિકાગો બુલ્સની સામગ્રી ભેટ આપી હતી.
વર્લ્ડ કપ માટે અગાઉથી જ આયોજન
ડો. નિલેશ વ્યવસાયે ઓન્કોલોજીસ્ટ હોવાના કારણે તેમને હોસ્પિટલમાંથી રજા મેળવવામાં ઘણી તકલીફ પડે છે. પરંતુ વર્લ્ડ કપ માટે તેઓ અચૂક સમય ફાળવે છે.
વર્લ્ડ કપ માટે તેમના આયોજન અંગે ડો.નિલેશ મહેતાએ જણાવ્યું હતું કે, "કેન્સર સ્પેશ્યાલિસ્ટ હોવાના કારણે મને રજા મળતી નથી પરંતુ જ્યારે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઇ જાય છે ત્યારે જ હું મારી રજાનું આયોજન કરી લઉં છું અને વિમાનની ટિકીટ, હોટલ વગેરેનું બુકિંગ કરાવું છું."
"સામાન્ય રીતે જે હોટલમાં ભારતીય ટીમ રોકાવાની હોય તે જ હોટલમાં હું મારું બુકિંગ કરાવું છું," તેમ ડો.મહેતાએ જણાવ્યું હતું.
2011ના વર્લ્ડ કપમાં ધોનીની સિક્સર સૌથી યાદગાર
ડો. નિલેશે અત્યાર સુધીમાં આઇસીસીની 9 ઇવેન્ટ્સ નિહાળી છે. પંરતુ, સૌથી શ્રેષ્ઠ પળ વિશે તેમણે જણાવ્યું હતું કે, 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમના તે સમયના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ જે સિક્સર ફટકારી હતી. તે અત્યાર સુધીની તેમણે જોયેલી સૌથી યાદગાર ક્ષણ છે.ડો.મહેતાએ જણાવ્યું હતું કે, "મુંબઇમાં રમાયેલી ફાઇનલ મેચ તેમણે પરિવાર સાથે નિહાળી હતી અને જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું ત્યારે તમામની આંખોમાં ખુશીના આંસુ હતા."
Dr Nilesh with Sunil Gavaskar and Kapil Dev Source: Supplied
2014 ટી20 વર્લ્ડ કપમાં દર્દીની સેવા
ડો.નિલેશ 2014માં બાંગ્લાદેશ ખાતે રમાયેલો ટી20 વર્લ્ડ કપ નિહાળવા ઢાકા ગયા હતા. ત્યાં ગોલ્ફ રમતી વખતે તેમને જ્યારે ખબર પડી કે ગોલ્ફકોર્સના એક સભ્યને કેન્સરની બિમારી છે ત્યારે તેમણે તેમની હોટલમાં દર્દીને બોલાવ્યા હતા અને જરૂરી એવી સારવાર તથા દવા આપી હતી.
ડો.મહેતાએ જણાવ્યું હતું કે, "બાંગ્લાદેશના એક દર્દીની મદદ કરવી મારા માટે અત્યાર સુધીની સૌથી યાદગારમાંની એક પળ છે."
સ્ટાર ક્રિકેટર્સ સાથે મુલાકાત
ડો.નિલેશ તેમના ક્રિકેટપ્રેમ માટે જાણીતા છે અને ક્રિકેટર્સ પણ તેમને શાંતિપૂર્વક મળે છે. અત્યાર સુધીમાં તેઓ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તથા વર્તમાન કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત વિશ્વના જાણિતા ક્રિકેટર્સ સાથે મુલાકાત કરી છે.