ફિજીમાં જન્મેલા અને ન્યૂઝીલેન્ડમાં ઉછરેલા અર્પણા પટેલના લગ્ન 23 વર્ષની વયે થયા અને લગ્ન બાદ તેઓ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા.
લગ્નના છ વર્ષ પછી તેમણે એક દિકારાને જન્મ આપ્યો અને ત્યાર બાદ બીજા દિકરાનો પણ જન્મ થયો હતો.
તેમના મોટા દિકરાને હળવી ઓટિઝમની સ્થિતી હોવાથી અર્પણાએ કારકિર્દી ત્યજીને સમગ્ર સમય તેનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું.
વર્ષ 2014માં અર્પણાની જીંદગીમાં એક નવો વળાંક આવ્યો જ્યારે તેમના પતિએ તેમના લગ્નજીવનનો અંત આણવાનું નક્કી કર્યું.
બે બાળકોની જવાબદારી તેમની પર હોવા છતાં પણ અર્પણાને તે સમયે સરકાર અને તેમના ભૂતપૂર્વ પતિ તરફથી કોઇ સહાય પ્રાપ્ત થઇ નહોતી.
વર્ષ 2015માં અર્પણાએ અભ્યાસ શરૂ કર્યો
અર્પણાએ જણાવ્યું હતું કે, તેમને એકાઉન્ટીંગનો ઘણો અનુભવ હોવાથી તેમણે સર્ટિફાઇડ પ્રેક્ટિસીંગ એકાઉટન્ટ સર્ટિફિકેટ લઇને ફરીથી નોકરી શરૂ કરવાનું નક્કી કર્યું.
પરિવાર તરફથી કોઇ પણ પ્રકારની મદદ ન હોવા છતાં પણ આ સમયગાળા દરમિયાન અર્પણાએ ઘરની તથા બે બાળકોની સારસંભાળ રાખવા ઉપરાંત અભ્યાસ પણ કર્યો.
અભ્યાસ પૂરો થયા બાદ અર્પણાને બાળકોના ઉછેરમાં ધ્યાન આપવા ઉપરાંત ફૂલટાઇમ નોકરીમાં સંકલન કરવું અઘરું પડતું હતું.
ઘણી વખત નોકરીના સમય દરમિયાન જ તેમના મોટા દિકરાને શાળાથી ઘરે લઇ જવો પડતો હતો. તેથી, અર્પણા માટે કંપનીમાં નોકરી કરવી મુશ્કેલ બની ગઇ હતી.
વર્ષ 2016માં વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું
અર્પણાએ વર્ષ 2016માં કોમર્શિયલ લોયર સાથે મળીને એકાઉન્ટીંગ ફર્મ શરૂ કરી અને તેમના સાહસને સફળતા પણ મળી.
વર્ષ 2019માં, વિક્ટોરીયન બિઝનેસ એક્સલન્સ એવોર્ડ અંતર્ગત અર્પણા 2019 Ausmumpreneur એવોર્ડની શ્રેણીમાં ફાઇનલિસ્ટ તરીકે પસંદ થયા હતા.
અર્પણા તેમની સફર વિશે જણાવ્યું હતું કે, એક સમયે મારી આવક 15000 ડોલરથી પણ ઓછી હોવાથી મને ક્રેડિટ કાર્ડ પણ મળે તેમ નહોતું. અને, હાલમાં હું નાના વેપાર ઉદ્યોગોને નાણાકિય રીતે મજબૂત કરવામાં મદદ કરી શકું છું. મને મારી સફર પર ગર્વ છે.
પાંચ વર્ષ બાદ અર્પણા આ એકાઉન્ટીંગ ફર્મના એકમાત્ર માલિક છે. અને, તે તાજેતરમાં જ સ્મોલ બિઝનેસ એડવાઇઝર ઓફ ધ યર 2020 એવોર્ડ માટે નામાંકિત પણ થયા છે.
એવોર્ડ્સના વિજેતાની જાહેરાત 10મી સપ્ટેમ્બર 2020ના રોજ થશે.