વર્તમાન સમયમાં મહિલાઓએ સાબિત કર્યું છે કે જો તેમને યોગ્ય માર્ગદર્શન, રસ્તો કે પ્લેટફોર્મ મળે તો તે કોઇ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે ફક્ત તેમનામાં રહેલી શક્તિને સપોર્ટ આપીને તેને નિખારવાની જરૂર છે.
મેલ્બોર્ન સ્થિત ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા વિમેન આંત્રપ્રિન્યોર્સ ફોરમ મહિલાઓનો વિકાસ અને તેમનો ઉદ્ધાર કરતી સંસ્થા છે. તેનો ઉદ્દેશ્ય વિદેશથી ઓસ્ટ્રેલિયામાં સ્થાઇ થયેલ કે મૂળ ઓસ્ટ્રેલિયાની જ રહેવાસી મહિલાઓમાં રહેલી શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું, તેમના નડતા સામાજિક તથા આર્થિક મુશ્કેલીઓને પાર પાડી આંત્રપ્રિન્યોર બનવા માટે ટેકો આપવાનો છે.
છેલ્લા કેટલાક સમયમાં ઘણી મહિલાઓએ પોતાનામાં રહેલી બિઝનેસ કરવાની શક્તિને બહાર લાવી, સફળતા મેળવી અને પરિવાને આર્થિક સપોર્ટ કર્યો છે. આવી જ એક મહિલા છે મૂળ જાપાનની યા યોઇ કે જેને પોતાના બેકરી બિઝનેસ માટે યોગ્ય પ્લેટફોર્મ મળ્યું.
આવો જાણીએ યા યોઇની વર્ષો જૂની બેકરી બિઝનેસની ઇચ્છાને કેવી રીતે યોગ્ય સ્ટેજ મળ્યું...મૂળ જાપાનની યા યોઇના જણાવ્યા પ્રમાણે તે 12 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવી હતી. અભ્યાસ બાદ અહીં સ્થાયી થઇને તેની ઇચ્છા બેકરીના ક્ષેત્રમાં બિઝનેસ કરવાની હતી પરંતુ લગ્ન અને બે પુત્રીઓની માતા બન્યા બાદ તેમના ઉછેરની મોટાભાગની જવાબદારીઓ પોતાના માથે આવી ગઇ હતી. જેના કારણે યા યોઇની બિઝનેસ કરવાની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી.
Ya Yoe showing her bakery skills to members of NGO. Source: Australia - India Women's Entrepreneurs Forum
પરંતુ આઠ વર્ષના લાંબા ગાળા બાદ તેને પોતાનું બિઝનેસ કરવાનું સપનું પૂરું કરવાનો ખ્યાલ આવ્યો.
કપ કેક અને સુશી સહિતની વસ્તુઓની એક્સપર્ટ યા યોઇને ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા આંત્રપ્રિન્યોર્સ ફોરમને સહારો મળ્યો અને તેને પોતાનું હુનર દર્શાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું.
યા યોઇએ આ અંગે SBS ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "મારી ઘણા લાંબા સમયથી ઇચ્છા હતી કે હું બેકરીના ક્ષેત્રમાં મારો નાનો વ્યવસાય શરૂ કરું પરંતુ યોગ્ય માર્ગદર્શન અને મારી કળા દર્શાવી શકું તે માટેનું પ્લેટફોર્મની ઉણપ હતી જે મને આ સંસ્થામાં જોડાયા બાદ પૂરી થઇ છે. આગામી સમયમાં હું મારો વ્યવસાય શરૂ કરવા જઇ રહી છું."સંસ્થાના પ્રમુખ નિલધારા ગદાણીના જણાવ્યા પ્રમાણે, "જો મહિલાઓને સપોર્ટ મળે તો તેઓ કોઇ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકવાની શક્તિ ધરાવે છે. આ સંસ્થા દ્વારા અને તેમને આંત્રપ્રિન્યોર બનવા માટેનું એક સ્ટેજ પૂરું પાડીએ છીએ જેના દ્વારા તેઓ પોતાની કળાનો પરચો લોકો સમક્ષ રજૂ કરી શકે છે."
Ya Yoe's hand made product. Source: Australia - India Women's Entrepreneurs Forum
"બિઝનેસ દ્વારા તેઓ પરિવારને આર્થિક રીતે પણ મદદ કરી શકે છે. "
"યા યોઇએ તેની સ્કીલ્સ તો લોકો સમક્ષ રજૂ કરી જ દીધી છે પરંતુ હવે અમારી સંસ્થા તેને ઘરેથી બિઝનેસ કરવા માટે કાઉન્સિલમાંથી પરમીશન તથા ફૂડ લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે મદદ કરશે, " તેમ નીલધારાએ જણાવ્યું હતું.