અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના નવા નિયમ પ્રમાણે, અમેરિકન વિસા મેળવવા માટે અરજીકર્તાએ હવે તેમના છેલ્લા પાંચ વર્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી પણ પૂરી પાડવી પડશે.
વિસા એપ્લીકેશનના ડ્રોપ - ડાઉન મેનુમાં ફેસબુક, રેડ્ડીટ, યુ-ટ્યૂબ, ટમ્બલર, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરનો સમાવેશ કરાયો છે. અને, અરજીકર્તાએ છેલ્લા પાંચ વર્ષમાં ઉપયોગ કર્યા હોય એવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માહિતી આપવી પડશે.
જોકે, અરજીકર્તાને તેમના પાસવર્ડ અને તેમના એકાઉન્ટના સિક્યોરિટી ફીચરમાં કોઇ પણ ફેરફાર કરવા માટે જણાવવામાં આવશે નહીં.અરજી ફોર્મમાં જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પસંદ કરીને બાજુમાં આપવામાં આવેલી જગ્યામાં જે-તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું યુઝરનેમ આપવાનું રહેશે.
The new visa application form. Source: Greg Siskind
જો અરજીકર્તા ખોટી માહિતી આપશે તો તેની વિસા અરજી પર કોઇ નિર્ણય આવવામાં વધુ સમય લાગી શકે તેમ છે અને તેની પર છેતરપીંડી કરવાનો આરોપ પણ લાગી શકે છે.
અમેરિકન સ્ટેટ ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે 2018માં જાહેર કરવામાં આવેલા નિયમથી રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થશે.
ડીપાર્ટમેન્ટના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના ફેરફારથી દેશના નાગરિકોની સુરક્ષા વધશે, અને અરજીકર્તાની ઓળખ કરવામાં ડીપાર્ટમેન્ટને સરળતા રહેશે.
15 મિલિયન લોકોને અસર થશે
અમેરિકા દ્વારા કરવામાં આવેલા ફેરફારની લગભગ 15 મિલિયન જેટલા અરજીકર્તાઓને અસર થશે. જોકે, વિસાની કેટલીક શ્રેણીઓ અને રાજદ્વારીઓને આ ફેરફારમાંથી છૂટ મળશે.
અગાઉ જ્યારે ગયા વર્ષે માર્ચ મહિનામાં આ નવો સુધારો લાગૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે અમેરિકન સિવિલ લિબર્ટીસ યુનિયને તેનો વિરોધ કરીને બિન-અસરકારક અને મુશ્કેલીઓ ઉભી કરનારો ગણાવ્યો હતો.