ઘર અને રહેઠાણની જગ્યાઓ સાથે સંકળાયેલી છેતરપીંડી અંતર્ગત ઓસ્ટ્રેલિયાના લોકોએ વર્ષ 2020માં લગભગ 300,000 ડોલર જેટલી જંગી રકમ ગુમાવવી પડી છે.
જે ગયા વર્ષની સરખામણીએ કુલ 76 ટકા જેટલી વધુ છે.
સ્કેમવોચના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં તેમને ઘર અને રહેઠાણના મામલે થયેલી છેતરપીંડીની કુલ 560 ફરિયાદો મળી છે. જેમાંથી મોટાભાગની ફરિયાદો કોરોનાવાઇરસની મહામારી સાથે સંકળાયેલી બાબતો આધારિત છે.
છેતરપીંડી અંતર્ગત ઘર ભાડા પર અથવા ખરીદવા ઇચ્છતા લોકોને ખોટું ઘર બતાવીને તેમની પાસેથી નાણા અને અંગત માહિતી લેવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન કોમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશનના ડેપ્યુટી કમિશ્નર ડેલિયા રીકાર્ડે જણાવ્યું હતું કે, ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકો હાલમાં કોરોનાવાઇરસના પ્રતિબંધનો આધાર લઇને ઘર લેવા ઇચ્છુક લોકોને ઓનલાઇન માધ્યમથી ઘર બતાવે છે અને તેના બદલામાં નાણા જમા કરાવી લે છે.
છેતરપીંડી કરનારા લોકો વેબસાઇટ અથવા અન્ય માધ્યમો પર ઘર ઉપલબ્ધ હોવાની માહિતી મૂકે છે અને ઘર લેવા ઇચ્છતા લોકોનો સંપર્ક કરે છે.
જ્યારે ભોગ બનનારા લોકો તેમનો સંપર્ક કરે છે ત્યારે તેઓ તેમને નાણા જમા કરાવીને ઘર નક્કી કરી લેવા અને એક વખત નાણા જમા થઇ જશે ત્યાર બાદ ઘરની ચાવી મળી જશે તેમ જણાવે છે.
નાણા જમા કરાવી દીધા બાદ છેતરપીંડી કરનારા લોકો ઘરની ચાવી કે અન્ય જરૂરી દસ્તાવેજો આપતા નથી ત્યારે લોકોને તેમની સાથે છેતરામણી થઇ હોવાની જાણ થાય છે.
અંગત માહિતીનો દૂરપયોગ
રીકાર્ડે જણાવ્યું હતું કે, છેતરપીંડી આચરનારી વ્યક્તિ નાણા ઉપરાંત લોકોની અંગત માહિતી પણ લઇ લે છે. જેમાં તેમના પાસપોર્ટ, બેન્ક સ્ટેટમેન્ટ અને પે-સ્લિપ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
એક વખત જો ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકો પાસે આ પ્રકારની માહિતી આવી જાય તો ભવિષ્યમાં તે વ્યક્તિ સાથે છેતરપીંડી થવાની શક્યતા વધી જાય છે.
Rental scams targeting more Australians during COVID-19 pandemic. Source: Wikimedia
25-34 વર્ષની વયજૂથ નિશાના પર
વર્તમાન સમયમાં કોરોનાવાઇરસની મહામારીના કારણે વિવિધ સમુદાય અને વયજૂથ નાણાકિય મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે જેનો છેતરપીંડી કરનારા લોકો લાભ ઉઠાવી રહ્યા છે.
એક આંકડા પ્રમાણે, વર્ષ 2020માં ઘર ખરીદવા કે ભાડા પર લેવા જેવી બાબતોમાં છેતરપીંડીનો સૌથી વધુ ભોગ 25થી 34 વર્ષની વયજૂથના લોકો બન્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સૌથી વધુ ફરિયાદ જોવા મળી છે.
વિવિધ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
કોઇ પણ ઘર કે મિલકતની ખરીદી કરતા અગાઉ વિવિધ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ અંગે રીકાર્ડે જણાવ્યું હતું કે,
- ઘર કે મિલકતની ખરીદી કે ભાડા પર લીધા અગાઉ જે-તે જગ્યાનું પ્રત્યક્ષ રીતે નિરીક્ષણ કરવું જરૂરી છે, ત્યાર બાદ જ ભાડું કે બોન્ડ આપવું.
- વિક્ટોરીયાના કેટલાક વિસ્તારોમાં હાલમાં કોરોનાવાઇરસના પ્રતિબંધનો 4થો તબક્કો અમલમાં છે તેથી જો પ્રત્યક્ષ મુલાકાત સંભવ ન હોય તો મિલકતની ઓનલાઇન માધ્યમથી ચકાસણી કરવી અને જો એજન્ટ સાથે ચર્ચા ચાલી રહી હોય તો તેના લાઇસન્સ સહિતની માહિતી મેળવવી.
- ઘણી વખત છેતરપીંડી કરનારા લોકો ઇ-મેલથી વાર્તાલાપ કરે છે. ફક્ત ઇ-મેલથી સંવાદ કરવાને બદલે તેમની સાથે ફોન પર વાત કરવી અથવા મિલકતની દેખરેખ રાખતી વ્યક્તિની પ્રત્યક્ષ મુલાકાત લેવી હિતાવહ છે.
- નાણાની ચૂકવણી કરતા અગાઉ એજન્ટના લાઇસન્સની તપાસ કરવી.
ઘર ભાડા પર લેવા ઇચ્છતા લોકો તેમને મળતા હકો અને જરૂરિયાતો વિશે રાજ્યની ગ્રાહક સુરક્ષા એજન્સીનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે.