બજેટમાં વિસા, માઇગ્રેશન વિશે મહત્વના નિર્ણયો લેવાયા

કેન્દ્ર સરકારે રજૂ કરેલા 2019/20ના બજેટથી ઓસ્ટ્રેલિયામાં ટેમ્પરરી વિસા પર રહેતા તથા ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માંગતા લોકોને અસર થશે. સરકારે વિસા અરજી ફી વધારવા ઉપરાંત નવા 2 રીજનલ વિસા અમલમાં મૂકવાની જાહેરાત કરી.

Australian Visa

Source: SBS

ઓસ્ટ્રેલિયાની વર્તમાન કેન્દ્રીય સરકારે મંગળવારે રાત્રે વર્ષ 2019/20 માટેનું બજેટ રજૂ કર્યું હતું. મે મહિનામાં યોજાનારી ચૂંટણી અગાઉ સરકારે "મજબૂત અર્થતંત્ર અને સુરક્ષિત ભવિષ્ય" ની થીમ પર બજેટમાં વિવિધ ક્ષેત્રોમાં વધુ સારી સુવિધા મળી રહે તે માટે ફંડ ફાળવવાની તથા કેટલાક ક્ષેત્રોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી.

પરંતુ, સરકારે બજેટમાં માઇગ્રેશન તથા વિસા ફીમાં કેટલાક ફેરફાર કરતા માઇગ્રન્ટ્સ સમાજ તથા ટેમ્પરરી વિસા પર ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહેલા લોકોની કેટલીક અસર પડે તેવી શક્યતા છે.

Image

સરકારના બજેટથી ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા ટેમ્પરરી વિસા પર રહેતા માઇગ્રન્ટ્સને શું અસર પડશે તેની પર એક નજર...

માઇગ્રેશનની સંખ્યા ઘટાડાશે

2019-20થી આગામી ચાર વર્ષ માટે ઓસ્ટ્રેલિયાના વાર્ષિક માઇગ્રેશનની સંખ્યાને 190,000થી ઘટાડીને 160,000 કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત 108,682 જેટલા વિસા સ્કીલ સ્ટ્રીમ હેઠળ અપાશે, 47732 વિસા ફેમિલી સ્ટ્રીમ હેઠળ અપાશે.

ઓસ્ટ્રેલિયાના શહેરોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને રીજનલ ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે અને રીજનલ વિસ્તારોના નવા વિસા માટે પાંચ વર્ષમાં 50 મિલિયન ડોલર જેટલો ખર્ચ કરાશે.

નવા 2 રીજનલ વિસા

સરકારે બજેટમાં નવેમ્બર 2019થી નવા બે રીજનલ વિસા અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ વિસા દ્વારા સ્કીલ માઇગ્રન્ટ્સે રીજનલ વિસ્તારોમાં પાંચ વર્ષ સુધી રહીને નોકરી કરવી પડશે.  અને ત્યાર બાદ તેઓ પર્મેનન્ટ રેસીડેન્સી માટે લાયક બની શકશે.

વિસામાં ફેરફાર

આગામી જુલાઇ મહિનાથી તમામ પ્રકારની વિસા એપ્લીકેશન ફીમાં 5.4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારથી સરકારની આવકમાં આગામી ચાર વર્ષમાં 275 મિલિયન ડોલરનો વધારો થશે.

આ ઉપરાંત, સરકારે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેતા ખેલાડીઓ તથા ઓફિસિયલ્સને વિસા એપ્લિકેશન ફીમાંથી મુક્તિ આપી છે. જે અંતર્ગત સરકારને 1.3 મિલિયન ડોલરનો ખર્ચ થશે.

Image

કમ્યુનિટી લેંગ્વેજ મલ્ટિકલ્ચરલ ગ્રાન્ટ્સ

માઇગ્રન્ટ્સ લોકોનું સમાજ સાથે જોડાણ બની રહે અને બહુસાંસ્કૃતિક સમાજ વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરી શકે તે માટે સરકારે 64.2 મિલિયન ડોલરનું ફંડ ફાળવવાની જાહેરાત કરી છે.

કમ્યુનિટી લેંગ્વેજ મલ્ટિકલ્ચરલ ગ્રાન્ટ્સ પ્રોગ્રામ હેઠળ આગામી ત્રણ વર્ષમાં 12 મિલિયન ડોલરથી વધુનું ફંડ ફાળવાશે અને યુવા ઓસ્ટ્રેલિયન્સને કમ્યુનિટી લેંગ્વેજ સ્કૂલ્સ દ્વારા તેમની મૂળભાષા, સંસ્કૃતિ તથા વારસા સાથે જોડવાની દિશામાં કેટલાક પ્રોગ્રામ અમલમાં મુકાશે.

આ ઉપરાંત, નેશનલ કમ્યુનિટી પ્રોગ્રામ અને નેશનલ યુથ હબ્સ પ્રોગ્રામ માટે આગામી ચાર વર્ષોમાં 22.6 મિલિયન ડોલરનું ફંડ આપાવાની જાહેરાત સરકારે બજેટમાં કરી હતી.

ઓસ્ટ્રેલિયાની સામાજિક સંસ્થાઓ દેશમાં આવતા નવા માઇગ્રન્ટ્સને યોગ્ય માર્ગદર્શન - સહારો આપી શકે તે માટે આગામી ત્રણ વર્ષ માટે 7.3 મિલિયન ડોલરનું ફંડ અપાશે.
Australian Federal Budget 2019
Source: SBS

બજેટના અન્ય ફેરફાર

ઓછીથી મધ્યમ આવક ધરાવનાર લોકો માટે

વાર્ષિક 48,000થી 90,000 ડોલરની આવક ધરાવનારા વ્યક્તિઓ માટે સરકારે બજેટમાં ટેક્સ ઓફ્સેટ 1080 ડોલર કરવાનું નક્કી કર્યું છે. આ નાણા વ્યક્તિ જ્યારે 2018-19 નાણાકિય વર્ષ માટે ટેક્સ રીટર્ન દાખલ કરશે ત્યારે મળશે.

એપ્રેન્ટિસ

525 મિલિયન ડોલર સ્કીલ પેકેજ દ્વારા 80,000 એપ્રેન્ટીસશીપ ઉમેરાશે. જે અંતર્ગત દરેક એપ્રેન્ટીસને 2000 ડોલર મળશે.

નાના બિઝનેસ

નાના બિઝનેસના asset write-off ની કિંમત 25,000 ડોલરથી વધારીને 30,000 ડોલર કરવાની આવી છે. અને 50 મિલિયન ડોલર સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીને તે લાગૂ પડશે.

મેન્ટલ હેલ્થ ક્ષેત્ર

461 મિલિયન ડોલરના પેકેજ દ્વારા યુથ મેન્ટલ હેલ્થ અને આત્મહત્યા રોકવાની નીતિ અને આદિજાતીના યુવાનોના કલ્યાણ માટેની યોજના અમલમાં મૂકાશે.

વયસ્ક ઓસ્ટ્રેલિયન્સ માટે

સરકારે વયસ્ક ઓસ્ટ્રેલિયન્સ લોકો માટે 10,000 નવા હોમ-કેર પેકેજની જાહેરાત કરી છે.

ABC અને SBS

ઓસ્ટ્રેલિયાના બે પલ્બિક બ્રોડકાસ્ટર્સ ABC અને SBSને આગામી ત્રણ વર્ષ સુધી 73.3 મિલિયન ડોલર્સનું ફંડ અપાશે

આશ્ચિતોએ બેરોજગારી ભથ્થું

ઓસ્ટ્રેલિયામાં આવતા આશ્ચિતો 12 મહિના સુધી રાહ જોયા બાદ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી શકશે. જેના દ્વારા સરકાર આગામી 4 વર્ષમાં 77 મિલિયન ડોલર બચાવશે. જોકે, સરકારે આ અંગે જણાવ્યું હતું કે 12 મહિનાના સમયમાં આશ્ચિતો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ શકશે અને અંગ્રેજી ભાષા શીખી શકશે.

Share
Published 3 April 2019 4:22pm
Updated 3 April 2019 4:37pm
By Nick Baker
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends