ઓસ્ટ્રેલિયન સરકારના 19.4 મિલિયન ડોલરના નવા પ્લાન પ્રમાણે જે સ્કીલ માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયાના રીજનલ વિસ્તારમાં સ્થાયી થવાની તૈયારી દર્શાવશે તેમની વિસા મેળવવાની કાર્યવાહી ઝડપથી કરાશે.
ઇમિગ્રેશન મંત્રી ડેવિડ કોલમેને શુક્રવારે વિવિધ રાજ્યો તથા ટેરીટરીના ટ્રેઝરર્સ સાથે દેશના શહેરોમાં ઝડપથી વધી રહેલી વસ્તી તથા તેના લીધે થઇ રહેલી મુશ્કેલીઓ વિશે ચર્ચા કર્યા બાદ આ અંગે જાહેરાત કરી હતી.
નવા પ્લાન અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના અધિકારીઓ રીજનલ વિસ્તારોની મુલાકાત લેશે અને ત્યાંના સ્થાનિક વેપાર - ઉદ્યોગોને કુશળ કારીગરો મળી રહે તે દિશામાં કાર્ય કરશે.આ ઉપરાંત, રીજનલ વિસ્તારમાં સ્થાયી ઉદ્યોગના કુશળ કારીગરના સ્પોન્સર વિસા પણ વધુ ઝડપે આપવામાં આવશે અને સ્થાનિક કાઉન્સિલ પણ વિદેશના સ્કીલ માઇગ્રન્ટ્સને નોકરી આપી શકે તેવી તકો ઉભી કરાશે.
Immigration Minister David Coleman says officials will help regional businesses recruit migrants. Source: AAP
કોલમેને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારા અધિકારીઓ રીજનલ વિસ્તારમાં આવેલા ઉદ્યોગો સાથે મુલાકાત કરશે અને માઇગ્રેશનના કારણે ઉત્પન્ન થનારી તકો વિશે વાત કરશે."
અગાઉ પ્રધાનમંત્રીએ આ પ્લાનની શક્યતાઓ વ્યક્ત કરી હતી
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કેટલાક સમય પહેલા સરકારના આ પ્લાન અંગે સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો કોઇ પણ માઇગ્રન્ટ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવા ઇચ્છતો હશે તો તેણે પાંચ વર્ષ માટે રીજનલ વિસ્તારમાં રહેવું પડી શકે છે.
આ ઉપરાંત તેમણે ઓસ્ટ્રેલિયાના શહેરોમાં વધતી જતી ભીડ ઓછી કરવા ઇમિગ્રેશનની સંખ્યામાં કાંપ કરવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી.
Image
ટ્રેઝરર્સની વધતી વસ્તી અંગે ચર્ચા
ટ્રેઝરર્સ જોશ ફ્રેયડેનબર્ગે શુક્રવારે અન્ય ટ્રેઝરર્સ સાથે ચર્ચા કરીને ઓસ્ટ્રેલિયાના શહેરોમાં વધતી જતી ભીડ અંગે સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા આવતા કુલ માઇગ્રન્ટ્સમાંથી બે તૃતીયાંશ લોકો સિડની, મેલ્બર્ન કે દક્ષિણ-પૂર્વ ક્વિન્સલેન્ડમાં સ્થાયી થાય છે.
ફ્રેયડેનબર્ગના જણાવ્યા પ્રમાણે, "શહેરોમાં સ્થાયી થતા માઇગ્રન્ટ્સના કારણે પલ્બિક ટ્રાન્સપોર્ટ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ તથા અન્ય જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પર દબાણ ઉભું થાય છે."
ઓસ્ટ્રેલિયાએ ઇમિગ્રેશનની સંખ્યામાં 30 જેટલો ઘટાડો કર્યો
ઓસ્ટ્રેલિયા પર્મેનન્ટ માઇગ્રેશન અંતર્ગત દર વર્ષે 1 લાખ 90 જેટલા લોકોને વિસા આપતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તે આંકડો 1 લાખ 60 હજાર જેટલો થઇ ગયો છે. એટલે કે લગભગ 30 હજાર જેટલો ઘટાડો થયો છે.
ટ્રેઝરર ફ્રેયડેનબર્ગને ઉમેર્યું હતું કે, "વધતી જતી વસ્તીના કારણે મોટા શહેરોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ધાર્યું હતું તેના કરતાં ઝડપથી ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી 25 મિલિયનના આંકડાને પાર કરી ગઇ છે. તેથી, દેશે ભવિષ્ય માટે અત્યારથી જ યોગ્ય આયોજન કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. "