ઓસ્ટ્રેલિયન લેબર માર્કેટ પરના નવા અભ્યાસ પ્રમાણે, ઓસ્ટ્રેલિયની રોજગાર વ્યવસ્થા પડી ભાંગી છે.
ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2019માં નોકરી, રોજગારની તક વિશેના આંકડા પ્રમાણે, દર સાતમાંથી એક નોકરી શોધનાર વ્યક્તિ વિવિધ પ્રકારની મુશ્કેલીનો સામનો કરે છે.
નોકરી મેળવવામાં લાગતો સમય
અભ્યાસના તારણ પ્રમાણે, નોકરી શોધનાર વ્યક્તિ જો યર 12નો અભ્યાસ પૂરો ન કર્યો હોય તો તેને નોકરી શોધવામાં સમય લાગે છે. આ ઉપરાંત, વયસ્ક લોકોની નોકરી જો એક વખત છૂટી જાય તો તેમને પણ અન્ય નોકરી શોધવામાં લગભગ પાંચ વર્ષ જેટલો સમય લાગી જાય છે.એન્ગલીકેર ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે, વર્ષ 2019ના મે મહિનામાં જેટલી પણ નોકરીની જાહેરાત મૂકવામાં આવી હતી, તેમાંથી માત્ર 10 ટકા નોકરી જ ડિગ્રી કે કોઇ પણ પ્રકારના અનુભવ ન ધરાવતા લોકો માટે હતી.
Source: AAP
સંસ્થાના ડાયરેક્ટર કેસી ચેમ્બર્સે જણાવ્યું હતું કે, રોજગાર વ્યવસ્થામાં દાખલ થવા માટેની નોકરીઓમાં ઘણી નકારાત્મક બાબતો જોવા મળે છે. જેનો નોકરી ઇચ્છુક લોકોએ સામનો કરવો પડે છે.
ઓસ્ટ્રેલિયાની રોજગાર વ્યવસ્થાનો અભ્યાસ અને તેનો રીવ્યૂ કરવો ખૂબ જ જરૂરી બન્યો છે.
ચેમ્બર્સે વધુમાં જણાવ્યું હતું કે અભ્યાસ દ્વારા રોજગાર માટેની કઇ પદ્ધતિ વધુ અનૂકુળ આવે છે તે તપાસવું જોઇએ. આ ઉપરાંત, ઉમેદવાર શું કાર્ય કરી શકે છે, તેની ક્ષમતા, તેને આપવામાં આવતી ટ્રેનિંગ તથા તેમની લાયકાત અને આવડત પણ ચકાસવી જોઇએ.
લગભગ 1 મિલિયન લોકો પાસે યોગ્ય નોકરી નથી
ઓસ્ટ્રેલિયામાં હાલમાં લગભગ 1.1 મિલિયન લોકો પાસે યોગ્ય પગારધોરણ ધરાવતી, ફૂલ ટાઇમ નોકરી નથી. ચેમ્બર્સે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં નોકરીને લગતી સમસ્યાનું સમાધાન કરવા તથા ગરીબી ઓછી કરવા માટે યોગ્ય પગાર ધરાવતી ફૂલ ટાઇમ નોકરીની આવશક્યતા છે.
દિવ્યાંગ, રેફ્યુજી સામે ઘણા પડકારો
રીસર્ચ પ્રમાણે. 68 ટકા દિવ્યાંગ લોકોને નોકરી મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત રેફ્યુજી લોકોએ જે-તે દેશમાં નોકરી કરી હોય ત્યાંનો અનુભવ અહીં ઓસ્ટ્રેલિયન વ્યવસ્થામાં મોટેભાગે માન્ય ગણવામાં આવતો ન હોવાથી તેમને પણ નોકરી મેળવવા માટે ઘણા પડકારો સહન કરવા પડે છે.
આ મુદ્દે વાત કરવા માટે કેન્દ્રીય સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.