મેલ્બર્નમાં તાજેતરમાં બનેલી કાર ચોરીની ઘટનાએ એક ભારતીય પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો હતો.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, મેલ્બર્નના ક્રેગીબર્ન વિસ્તારમાં હેમિલ્ટન સ્ટ્રીટ રેસ્ટોરન્ટ પાસે ભારતીય મૂળના વ્યક્તિએ રાત્રે ૧0 વાગ્યાની આસપાસ પોતાની મિત્સુબીશી આઉટલેન્ડર કાર પાર્ક કરી અને ગણતરીની સેકન્ડ્સમાં જ ચોર આવીને તે કાર લઇને ભાગી ગયો હતો. જેમાં તેમનો ચાર વર્ષનો પુત્ર રોનિન પણ સૂઇ ગયો હતો.
સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે મુજબ, કોઇ અજાણ્યો શખ્સ પાર્ક કરેલી કારમાં ઘૂસે છે અને તેને લઇને નાસી જાય છે.
રોનિનના પિતા વનીત બંસલે 9NEWsને આપેલી વિગતો પ્રમાણે, તેઓ કાર પાર્ક કરીને પોતાના મિત્ર સાથે વાતો કરી રહ્યા હતા. અને, અચાનક જ કોઇ અજાણ્યો વ્યક્તિ તેમની કાર લઇને ભાગી ગયો હતો.
વનીત બંસલે કારનો પીછો કરીને ચોરને પકડવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
કાર ૨ કિલોમીટર દૂરથી મળી આવી
ચોરાયેલી કાર ૨ કિલોમીટર દૂર કિમ્બરવૂડ ડ્રાઇવ પાસેના એક રસ્તા પરથી મળી આવી હતી. થોડી ક્ષણો બાદ રોનિનનો પરિવાર પણ ત્યાં પહોંચ્યો હતો.
પોલીસે કારનો કબ્જો મેળવ્યો ત્યારે રોનિન કારમાં રડી રહ્યો હતો. જોકે, રાહતના સમાચાર એ હતા કે તેને કોઇપણ પ્રકારની ઇજા પહોંચી નહોતી.
કાર રસ્તા વચ્ચે જ મૂક્યા બાદ તે ચોર તેની સાથે આવેલા અન્ય એક વ્યક્તિની કારમાં બેસીને પલાયન થઇ ગયો હતો.
પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને તેમને મળતી માહિતી પ્રમાણે જે કારમાં બેસીને ચોર ભાગી ગયો હતો તે કાર રાત્રીના ૧0.૨0 કલાકે કિમ્બરવૂડ ડ્રાઇવ પાસે જોવા મળી હતી.
હાલમાં રોનિન સ્વસ્થ છે અને તે ઘટનાના આઘાતમાંથી બહાર આવી ગયો છે. તેમ તેના પિતા વનીતે જણાવ્યું હતું.