શિરીન મોરિસ 18મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી કેન્દ્રીય ચૂંટણીમાં વિક્ટોરિયાની ડીકીન (Deakin) બેઠક પરથી લેબર પક્ષ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતી પિતા તથા દક્ષિણ ભારતીય માતાના પુત્રી શિરીને સૌ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રીય ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે.
ઓસ્ટ્રેલિયન લેબર પક્ષ તરફથી માઇગ્રન્ટ્સ સમાજનું પ્રતિનિધિત્વ કરી રહેલા શિરીન મોરિસે SBS Gujarati ને જણાવ્યું હતું કે, પક્ષ વિવિધ ભાષાઓના વિકાસ અને તેની જાળવણી માટે વિવિધ પગલા લેવા કટિબદ્ધ છે.
પિતા ગુજરાતી - માતા દક્ષિણ ભારતીય
શિરીનના પિતા મૂળ ગુજરાતી છે અને તેઓ 1970ના દાયકામાં ગુજરાતના નવસારીથી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા જ્યારે તેમના માતા મૂળ દક્ષિણ ભારતીય છે પરંતુ તેમનો પરિવાર ઘણા દાયકા અગાઉ ફીજી સ્થાયી થયો હતો. શિરીનનો ઉછેર વિક્ટોરિયાના મેલ્બર્ન શહેરમાં થયો છે. શિરીનના જણાવ્યા પ્રમાણે, "તેમને ગુજરાતી તથા દક્ષિણ ભારતીય એમ બંને સંસ્કૃતિને જાણવાની તક મળી હતી."
શિરીનના પેરેન્ટ્સ ગરીબ પરિવારમાંથી આવે છે. જોકે, માતા-પિતા બંનેએ મેલ્બર્નની મોનાશ યુનિવર્સિટીમાં સ્કોરલશિપ સાથે મેડિસીનનો અભ્યાસ કર્યો હતો. અને હાલમાં તેઓ ડોક્ટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.
શિરીન કહે છે કે, "માતા-પિતાની મહેનત, સંઘર્ષ અને સફળતાએ સાબિત કર્યું છે કે દરેક વ્યક્તિ સમાન તક મેળવવાની હકદાર છે. અને, વિવિધ સમાજના હિતોના રક્ષણ માટે કાર્ય કરવા તેઓ આતુર છે."
રાજકારણમાં પ્રવેશ
શિરીન મોરિસ વ્યવસાયે વકીલ છે તેમણે ઓસ્ટ્રેલિયાના સંવિધાનને લગતા કાયદા અંગે પી.એચ.ડી કર્યું છે. તેમણે ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓને ઓસ્ટ્રેલિયાના સંવિધાનમાં સ્થાન અપાવવા સક્રિય કાર્ય કર્યું છે.
શિરીને પોતાના સક્રીય રાજકારણના પ્રવેશ અંગે જણાવ્યું હતું કે, "વર્તમાન સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓના હકો માટે યોગ્ય કાર્યો કરવામાં આવ્યા નથી. લિબરલ પક્ષના નેતા તથા ભૂતપૂર્વ વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે 2017માં ઉલુરુ સ્ટેટમેન્ટ દ્વારા મૂળ નિવાસીઓના હક માટેના બિલને રદ કર્યું ત્યાર બાદ વિવિધ સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સક્રિય રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો હતો."
પેરેન્ટ્સ વિસા નીતિમાં ફેરફાર જરૂરી
શિરીનના માનવા પ્રમાણે, વર્તમાન સરકારની પેરેન્ટ્સ વિસા નીતિ ખર્ચાળ અને મુશ્કેલ હોવાથી તેમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, પેરેન્ટ્સ વિસાની ફી તથા તેની સંખ્યામાં કેટલાક સુધારા કરવાની લેબર પક્ષની યોજના છે.
આ ઉપરાંત શિરીને જણાવ્યું હતું કે, "માઇગ્રન્ટ્સ સમાજના બાળકો અંગ્રેજી ભાષા સાથે પોતાની માતૃભાષા શીખે તે માટે કમ્યુનિટી લેન્વેજ સ્કૂલ્સને પણ વિવિધ પ્રોત્સાહનોની આવશક્યતા છે."
ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે શૈક્ષણિક સંબંધો
ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા આવે છે અને જેના કારણે ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમાજનો વિકાસ થયો છે. શિરીનના માનવા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવવા ઉપરાંત તેમના ઓસ્ટ્રેલિયા આવવાના કારણે દેશની બહુસાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત થઇ છે. તેથી જ, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શૈક્ષણિક સંબંધો વધુ ઘનિષ્ઠ થાય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે તે દિશામાં કાર્ય કરવું જરૂરી છે.
ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અને ઉછરી રહેલા ભારતીય મૂળના બાળકોને સંદેશ આપતા શિરીને જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં મહિલાઓ અને વિવિધ સમાજનું પ્રતિનિધિત્વ થાય તે જરૂરી છે કારણ કે વિવિધ સંસ્કૃતિના લોકો ભેગા થઇને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે."
હાઉસ ઓફ રિપ્રેન્ટેટીવ માટે ઓસ્ટ્રેલિયાની ડીકીન (Deakin) બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અન્ય પક્ષોના ઉમેદવારો પર એક નજર
લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયા - માઇકલ સુક્કર
ડેમોક્રેટીક લેબર પાર્ટી - જોએલ વાન ડેર હોર્સ્ટ
ધ ગ્રીન્સ - સોફિયા શૂન
યુનાઇટેડ ઓસ્ટ્રેલિયા પાર્ટી - મિલ્ટોન વિલ્ડ
ડેરીન હિન્ચ્સ જસ્ટિસ પાર્ટી - એલી જીન સુલિવાન
ઇન્ડીપેન્ડન્ટ - વિકી જેન્સન
એનિમલ જસ્ટિસ પાર્ટી - વિનીતા કોસ્ટાન્ટીનો
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
More stories on SBS Gujarati
ચૂંટણી 2019: વિશેષ પ્રકારના નક્શા દ્વારા તમારા મતવિસ્તારના ઉમેદવારો વિશે જાણકારી મેળવો