બ્રિટીશ સરકાર ઓસ્ટ્રેલિયાની જેમ જ ઇમિગ્રેશન મોડલ લાગૂ કરે તેવી શક્યતા છે. અગાઉ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને તે અંગે ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યાર બાદ હવે, હોમ સેક્રેટરી પ્રિતી પટેલે પણ તે દિશામાં કોઇ નિર્ણય લેવાય તેમ જણાવ્યું હતું.
સપ્ટેમ્બર મહિનામાં પ્રિતી પટેલે માઇગ્રેશન એડ્વાઇઝરી કમિટીને ઓસ્ટ્રેલિયાની માઇગ્રેશનની પોઇન્ટ-બેસ સિસ્ટમ બ્રિટનમાં લાગૂ કરવા વિશેની શક્યતાનો અભ્યાસ કરવા વિશે જણાવ્યું હતું.
કમિટી પોતાનો રીપોર્ટ જાન્યુઆરી 2020માં આપે તેવી શક્યતા છે.
પ્રિતી પટેલના જણાવ્યા પ્રમાણે, યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા બાદ પોતાના દેશની માઇગ્રેશનની પ્રણાલી બદલવાની બ્રિટન પાસે એક સારી તક છે.
બ્રેક્ઝીટ બાદ બ્રિટન તેની વર્તમાન બેવડી પ્રણાલી નાબૂદ કરી લેશે. જેમાં યુરોપિયન યુનિયન અને નોન-યુરોપિયન યુનિયનના માઇગ્રન્ટ્સ માટે બેવડા માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા.
હવે નવી સ્કીલ આધારિત સિસ્ટમ અમલમાં મૂકવા અંગે વિચારણા ચાલી રહી છે જે તમામ લોકોને લાગૂ પડશે.
ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન સિસ્ટમ બે મોડલ આધારિત છે. પ્રથમ, પોઇન્ટ બેસ સિસ્ટમ જે 1979થી લાગૂ કરાઇ હતી અને બીજી, કારીગરને સ્પોન્સર કરવાની સિસ્ટમ.
પોઇન્ટ બેસ સિસ્ટમ દ્વારા ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા ઇચ્છતા માઇગ્રન્ટ્સ તેમની ઉંમર, અભ્યાસ, અંગ્રેજીની લાયકાત તથા સ્કીલના આધારે પોઇન્ટ્સ મેળવે છે.
જે ઉમેદવાર જરૂરી પોઇન્ટ્સ મેળવી લે છે તેને ત્યાર બાદ અન્ય અરજીકર્તાઓની સાથે માઇગ્રેશન માટે આમંત્રિત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડા અને ન્યૂઝીલેન્ડે પણ પોઇન્ટ્સ સિસ્ટમ લાગૂ કરી છે.