ચીનના બેઇજીંગ શહેરમાં તીયાન્મીન સ્ક્વેયર ખાતે બનેલી ઘટનાની આજે 30મી જયંતિ છે. વર્ષ 1989ની 4થી જૂને સર્જાયેલા હત્યાકાંડમાં લોકશાહી સ્થાપવા માટે સરકાર વિરુદ્ધ ચળવળ ચલાવી રહેલા આંદોલનકારીઓ પર દેશના સુરક્ષાબળોએ આક્રમણ કર્યું હતું. જેમાં હજારો આંદોલનકારીઓના મૃત્યુ થયા હતા.
તીન્યામીન સ્ક્વેયર ખાતે સર્જાયેલા હત્યાકાંડ પર એક નજર
ચીનમાં તે સમયની સરકાર સામે વિદ્યાર્થીઓ અને નાગરિકોનો વિરોધ વધી રહ્યો હતો અને લોકશાહી સરકારની માંગ ઉગ્ર થવા લાગી હતી. લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓએ બેઇજીંગના તીન્યામીન સ્ક્વેયર ખાતે ભૂખ હડતાલ શરૂ કરી અને આગામી દિવસોમાં તેમને ભારે સહયોગ પ્રાપ્ત થયો હતો.
આંદોલનકારીઓની સંખ્યા વધતા 19મી મે 1989ના રોજ તે સમયના પ્રીમિયર લી પેન્ગે માર્શલ લો લાગૂ કર્યો હતો. ચીનમાં અમેરિકન ન્યૂઝ ચેનલના પ્રસારણ તથા આંદોલન સાથે જોડાયેલી કોઇ પણ પ્રકારના સમાચાર, ફોટો, વીડિયો પ્રસારિત કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.2જી જૂન 1989ના દિવસે તીન્યામીન સ્ક્વેયર ખાતે ગાયક હોઉ ડેજીયાનના કોન્સર્ટમાં લગભગ 1 લાખ જેટલા લોકો સામેલ થયા હતા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
Pro-democracy student demonstrators march their way towards Tiananmen Square as they carry the "Goddess of Democracy". Source: Peter Charlesworth/LightRocket via Getty Images
બે દિવસ બાદ, 4થી જૂનની મધ્યરાત્રીએ ચાઇનીસ સુરક્ષાબળો આંદોલનકારીઓ જ્યાં આંદોલન કરી રહ્યા હતા ત્યાં તીન્યામીન સ્ક્વેયર ખાતે પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરીને હજારો આંદોલનકારીઓને મોતને ઘાટ ઊતાર્યા હતા.
ઘટના સાથે જોડાયેલી કેટલાક કિસ્સાઓ પર એક નજર...
ચીન છોડીને વિદેશમાં સ્થાયી થવું પડ્યું
હત્યાકાંડ બાદ કેટલાક આંદોલનકારીઓએ ચીન છોડીને અન્ય દેશમાં સ્થાયી થવાની ફરજ પડી હતી. અને, ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ હતો કે જેણે કમ્યુનિસ્ટ સરકારના વર્તનની કડી નિંદા કરી હતી અને જે ચાઇનીસ નાગરિકો જીંદગીની નવી શરૂઆત કરવા માગતા હોય તેમને હ્યુમિનીટેરીયન વિસા આપવાની શરૂઆત કરી હતી.વિશ્વભરમાં ચાઇનીસ મૂળના લોકો જ્યાં સ્થાયી થયા છે ત્યાં તેઓ આ ઘટનાને યાદ કરીને ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ચાઇનીસ મૂળના લોકો પણ તીયાન્મીન સ્ક્વેયરની ઘટનામાં ભોગ બનેલા લોકોની સ્મૃતિમાં દરવર્ષે સિડનીના એશફિલ્ડ યુનિટીંગ ચર્ચ ખાતે ભેગા થાય છે.
A Chinese man blocks military tanks on Changan Avenue, near Tiananmen Square in Beijing, June 5 1989. Source: SBS
ઘટનાના 30 વર્ષ પછી પણ આઘાતમાં
ચીનમાં હજી પણ 4થી જૂન 1989ના રોજ બનેલી ઘટના સબંધિત કોઇ પણ પ્રકારની માહિતી આપવી પ્રતિબંધિત છે અને તેને સેન્સર કરવામાં આવેલી છે. જોકે, 30 વર્ષ અગાઉ બનેલી ઘટનામાં ઘાયલ થયેલા લોકોના માનસમાં હજી પણ તેની યાદ તાજી જ છે. આંદોલનકારીઓ પર ગુજારવામાં આવેલા દમન બાદ સેંકડો લોકો વર્ષો આઘાતમાં સરી પડ્યા હતા.
હોંગકોંગના પત્રકાર ચોઇ સુક ફોંગ બેઇજીંગમાં વિદ્યાર્થીઓ દ્વારા થઇ રહેલા આંદોલનનું રિપોર્ટીંગ કરવા માટે ગયા હતા. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલા દમનને નજીકથી જોયું હતું. અને તે ઘટના બાદ ચોઇ સુક ફોંગ પણઆઘાતમાં સરી પડ્યા હતા.તેમના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓ સાત અઠવાડિયાથી તીયાન્મીન સ્ક્વેયર ખાતે લોકશાહી સરકારની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા. 4થી જૂન 1989ના દિવસે સૈન્યબળ અને ટેન્ક્સ આંદોલનકારીઓ પર ફરી વળી અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
A sea of student protesters gathers in Tiananmen Square on 4 May 1989. Source: Corbis Historical
ઘટનાના 30 વર્ષ બાદ પણ ચાઇનીસ સરકારના વલણની નિંદા કરતા ચોઇ સુક જણાવે છે કે, તે દિવસે ત્યાં જે કંઇપણ બન્યું તેની આપણી પાસે સાચ્ચી માહિતી કેમ નથી, અત્યાર સુધીમાં ઘટનાના સેંકડો ફોટોગ્રાફ, વીડિયો આપણે જોયા છે પરંતુ ચાઇનીસ સરકારે હંમેશાં આ ઘટનાને અવગણી છે.
ચીનમાં વર્તમાન સમયમાં પણ જો કોઇ વ્યક્તિ આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળવા જાય તો તેની ઘરપકડ કરવામાં આવે છે અને તેની પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે છે.
મેં એવા હજારો લોકોની માહિતી એંકઠી કરેલી છે જેમની સરકારે ધરપકડ કરી હોય અને તેમને જેલની સજા ફટકારાઇ હોય, તેમ ચોઇ સુકે ઉમેર્યું હતું.
ચોઇ સુક આ વર્ષની શરૂઆતમાં હોંગકોંગ ગયા હતા અને ત્યાં તેમણે તીયાન્મીન સ્ક્વેયર ખાતેની ઘટનાના ફોટોગ્રાફ્સ, વીડિયો અને આર્ટીકલ્સ પર અન્ય પત્રકારો સાથે કામ કર્યું હતું.
Image
સુરક્ષાબળોના આક્રમણમાં બંને પગ ગુમાવ્યા
તીયાન્મીન સ્ક્વેયર ખાતે બનેલી ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હતા અને એટલા જ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા.
ઘટનામાં બંને પગ ગુમાવનારા ફેંગ ઝેંગે SBS Cantonese સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા. અને, આંદોલનકારીઓને સુરક્ષાબળોએ ચેતવણી આપી ત્યારે તેઓ સ્ક્વેયરમાંથી બહાર જવાનું શરૂ કરી દીધું હતું. તેમ છતાં પણ ટેન્ક્સે આંદોલનકારીઓ પર હુમલો શરૂ કરી દીધો હતો. અને તેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.
સુરક્ષાબળોએ કરેલા હુમલામાં ફેંગ ઝેંગ પણ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમણે પોતાના બંને પગ ગુમાવવા પડ્યા હતા.