સિડનીના રહેણાક વિસ્તાર તથા ઉદ્યોગોમાં જો કોઇ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરતા ઝડપાશે તે તેણે જંગી દંડ ભરવો પડશે.
ન્યૂ સાઉથ વેલ્સના મિનિસ્ટર ઓફ વોટર મેલિન્ડા પેવીએ મંગળવારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી શનિવાર, 1લી જૂનથી ગ્રેટર સિડની વિસ્તારમાં પાણીના વપરાશ-બગાડ માટે લેવલ - 1નો પ્રતિબંધ અમલમાં મુકાશે.
ઉલ્લેખનીય છે કે ન્યૂ સાઉથ વેલ્સમાં દુષ્કાળની પરિસ્થિતી સર્જાઇ છે અને ડેમમાં પાણીનું સ્તર સતત નીચું આવતા સરકારે પાણીના વપરાશ - બગાડ અંગેના નિયમો વધુ કડક કર્યા છે. વર્ષ 2009 પછી પ્રથમ વખત ન્યૂ સાઉથ વેલ્સમાં આ પ્રકારનો નિયમ લાગૂ કરવાની પરજ પડી છે.
ડેમમાં પાણીનું સ્તર જ્યારે 50 ટકાથી નીચું જાય છે ત્યારે જ પાણી અંગે કોઇ પ્રતિબંધ મુકવામાં આવે છે. ગ્રેટર સિડનીના ડેમનું સ્તર મંગળવારે 53.5 ટકા સુધી પહોંચી જતા ન્યૂ સાઉથ વેલ્સ સરકારે સાવચેતીના ભાગ રૂપે પાણીના બગાડ પર પ્રતિબંધ લાગૂ કરવાનું નક્કી કર્યું છે.
વરસાદ ઓછો પડતા, સિડનીમાં વર્ષ 1940 બાદ પ્રથમ વખત પાણીના સંગ્રહની સમસ્યા સર્જાઇ છે અને ડેમમાં પાણીનું સ્તર નીચું આવી જતા સરકારે પાણીના વપરાશ અંગેના નિયમો વધુ કડક કરવા ફરજ પડી છે.
નવા નિયમ પ્રમાણે, સિડનીના ઘરોમાં નળમાં નોઝલ મૂકવું તથા ઝડપથી પાણીનો નળ બંધ કરી શકાય તેવી સુવિધા હોવી જરૂરી છે. આ ઉપરાંત, ગાર્ડન્સમાં સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 4 વાગ્યા બાદ જ પાણી છાંટી શકાશે.
આ નિયમો વાહનો - બિલ્ડીંગની સફાઇ, સ્પ્રીન્કલરના વપરાશ અને સ્વિમીંગ પુલ પર પણ લાગૂ પડશે. જોકે, કેટલાક પ્રકારના વ્યવસાયોનો પાણીના વપરાશ અંગેના નિયમમાંથી છૂટ આપવામાં આવી છે.
![Tight water restrictions will come into effect across greater Sydney from Saturday.](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/22435505-812d-4d9c-a337-d453c257d5b8_1566354115.jpeg?imwidth=1280)
Tight water restrictions will come into effect across greater Sydney from Saturday. Source: CTK
છૂટ અપાયેલા વ્યવસાયો - ઉદ્યોગો
- વોટર પાર્ક
- ફાયરફાઇટર્સ અને તેની સાથે જોડાયેલા વ્યવસાયો
- કોન્ક્રીટ મિક્સીંગ
- ઓટોમેટીક કાર વોશ
પાણીના બગાડ બદલ જંગી દંડ
જો કોઇ પણ વ્યક્તિ કે વેપાર-ઉદ્યોગ પાણીના વપરાશમાં બગાડ કરતા ઝડપાશે તો તેમણે દંડ ભરવો પડશે. જેમાં 220 ડોલર વ્યક્તિગત તથા વેપાર-ઉદ્યોગે 550 ડોલરનો દંડ ફટકારાશે. પ્રથમ ત્રણ મહિના સુધી ચેતવણી આપવામાં આવશે અને 1લી સપ્ટેમ્બરથી દંડ ભરવો પડશે.