દર વર્ષની જેમ આ વખતે પણ સમગ્ર વિશ્વ યોગા ડેની ઉજવણી કરશે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચનને યુ.એન (United Nations) એ સ્વીકારીને દર વર્ષની 21મી જૂનને વર્લ્ડ યોગા ડે તરીકે જાહેર કર્યો છે.
સતત ચોથા વર્ષે દુનિયાભરના વિવિધ દેશોમાં, શહેરોમાં યોગા દ્વારા આ દિવસને મનાવાશે ત્યારે ઓસ્ટ્રેલિયાના જુદા - જુદા શહેરોમાં પણ યોગા કરવા માટેના સત્ર રાખવામાં આવ્યા છે. તાજેતરમાં જ કેનબેરા સ્થિત ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં પણ યોગા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓસ્ટ્રેલિયા હંમેશાં દુનિયાની બહોળી સંસ્કૃતિને આવકારવા માટે જાણીતું રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં યોગા માટેના વિશેષ સત્ર અગાઉની ઉજવણીમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ટોની એબોટ્ટ તથા પાર્લામેન્ટના અન્ય સેનેટ સભ્યો પણ હાજર રહ્યા હતા.
People practicing Yoga in the Federal Parliament in Canberra. Source: SBS
વિશ્વમાં સૌ પ્રથમ વખત પાર્લામેન્ટમાં યોગાની ઉજવણી
વર્લ્ડ યોગા ડેની આ વર્ષે ચોથી ઉજવણી થઇ છે ત્યારે કેનબેરામાં આવેલી ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં સામાન્ય લોકોને યોગા કરવાની તક મળી હતી. અત્યાર સુધીમાં એવું પ્રથમ વખત બન્યું છે કે કોઇ દેશે પોતાની પાર્લામેન્ટમાં યોગા માટે વિશેષ સત્ર રાખ્યું હોય અને તેમાં સામાન્ય નાગરિકોએ ભાગ લીધો હોય.
પાર્લામેન્ટ ખાતે યોગા ડે અગાઉની ઉજવણીમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ટોની એબોટ્ટે હાજરી આપી હતી. તેમણે ભારત તથા ઓસ્ટ્રેલિયાના સંબંધો મજબૂત છે તથા આગામી વર્ષોમાં તે વધારે ગાઢ બને તેવી આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે તેમના પ્રધાનમંત્રી દરમિયાનના કાર્યકાળમાં યોગા ડેની ઉજવણી શરૂ થઇ હતી. ટોની એબોટ્ટે યોગા ડેની ઉજવણીના પ્રસંગે જણાવ્યું હતું કે,
"મને આનંદ છે કે ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં યોગા દિવસની ઉજવણી થઇ રહી છે. હું હંમેશાં ફિટનેસને મહત્વ આપતો આવ્યો છું. યોગા દ્વારા શારીરિક તથા માનસિક શક્તિમાં વધારો થાય છે. 2014માં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યોગાના મહત્વ વિશે જાણવા મળ્યું હતું. મને આનંદ છે કે ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન, મૂળ ઓસ્ટ્રેલિયન પણ યોગાને અપનાવી રહ્યા છે."
આ વર્ષે યોગા દિવસે "શાંતિ" નો સંદેશો આપવામાં આવશે.
યોગા દ્વારા માનસિક મનોબળ તથા શારીરિક ક્ષમતામાં વધારો થાય તથા વિશ્વમાં શાંતિ ફેલાય તે માટે આ વર્ષે "શાંતિ"ના સંદેશા સાથે વર્લ્ડ યોગા ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.
Former Prime Minister Tony Abbott was felicitated by the High Commissioner of India during the event. Source: SBS
મેલ્બોર્નમાં પણ વર્લ્ડ યોગા ડેની ઉજવણી
ઓસ્ટ્રેલિયાના મોટાભાગના શહેરોમાં વર્લ્ડ યોગા ડેની ઉજવણી થઇ રહી છે ત્યારે મેલ્બોર્નમાં પણ વિવિધ સ્થળોએ 21મી, 23મી જૂને યોગાનું આયોજન કરવામાં આવ્યું છે. કોન્સ્યુટેલ જનરલ ઓફ ઇન્ડિયાએ મેલબોર્નનની સ્વીનબર્ન યુનિર્વસીટી (Swinburne University) તથા આર્ટ ઓફ લિવીંગ (Art of Living) ના સહયોગથી 23મી જૂને Swinburne University ખાતે યોગા સેશનનું આયોજન કર્યું છે. આ સત્ર દરમિયાન ભાગ લઇ રહેલા લોકોને યોગાની સામાન્ય માહિતી તથા વિવિધ પ્રકારના યોગા અને મેડિટેશનની પ્રક્રિયા કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય સ્થળોએ યોજાનારા વિશેષ સત્રોમાં અષ્ટાંગ, વિન્યાસા, યોગા અંગેનું જ્ઞાન તથા તેના ફાયદા, મ્યુઝિક દ્વારા મેડિટેશનનો અનુભવ કરાવવામાં આવશે.
ભારતમાં આ વર્ષે દેહરાદૂનમાં આંતરરાષ્ટ્રીય યોગા ડેની સત્તાવાર ઉજવણી
દર વર્ષે ભારતના કોઇ એક રાજ્યને આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી કરવાની તક મળે છે. આ વખતે ઉત્તરાખંડ રાજ્યની રાજધાની દેહરાદૂનમાં 2018ના અાંતરરાષ્ટ્રીય યોગા ડેની સત્તાવાર ઉજવણી કરવામાં આવશે. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે.