છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયાન શિક્ષણક્ષેત્રનો ઘણો વિકાસ થયો છે અને હાલમાં પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે ઓસ્ટ્રેલિયા પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે. લોખંડ અને કોલસાના ઉદ્યોગ બાદ શિક્ષણક્ષેત્ર દેશનું ત્રીજું સૌથી મોટું ક્ષેત્ર બન્યું છે.
જોકે, ના નવા રીપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી ઘણા મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને એડમિશન આપી રહી છે જે તેમની સદ્ધરતા સામે મોટો પ્રશ્ન બની શકે છે.
રીપોર્ટ અંગે વધુ માહિતી આપતા સાલ્વાટોર બાબોનેસે જણાવ્યું હતું કે, ઘણી મોટી સંખ્યામાં ચાઇનીસ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાને ઉચ્ચ શિક્ષણ માટે પસંદ કરી રહ્યા છે. અને, ભવિષ્યમાં જો તેમની સંખ્યા ઘટશે તો એ ઓસ્ટ્રેલિયન શિક્ષણ ઉદ્યોગને મુશ્કેલીમાં મૂકી શકે છે.બાબોનેસે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે આવવું આવકાર્ય છે પરંતુ, ઓસ્ટ્રેલિયા ફક્ત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા ઉત્પન્ન થતી આવક પર આધાર ન રાખી શકે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તેવી આશા સાથે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે, અને, જો અચાનક જ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઇ જશે તો શિક્ષણ ઉદ્યોગ માટે મુશ્કેલી સર્જાઇ શકે છે.
Source: Supplied
ઓસ્ટ્રેલિયાની સાત યુનિવર્સિટીમાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા મોટી
માં જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયાની સાત યુનિવર્સિટીમાં ચાઇનીસ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં મેલ્બર્ન, સિડની, એડિલેડ, ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ઉપરાંત ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ અને યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડનીનો સમાવેશ થાય છે.
આ સાતેય યુનિવર્સિટીની આવક ચાઇનીસ વિદ્યાર્થીઓ પર આધારિત છે. આ ઉપરાંત, અમેરિકાની કોઇ પણ યુનિવર્સિટીની સરખામણીમાં પણ ઓસ્ટ્રેલિયાની આ સાત ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાઇનીસ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.
કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં 50 ટકા ચાઇનીસ વિદ્યાર્થી
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં ચાઇનીસ વિદ્યાર્થીઓનું પ્રમાણ 50 ટકાથી પણ વધારે છે. જે કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 10 ટકા જેટલો ભાગ ધરાવે છે.
પ્રોફેસર બાબોનેસના જણાવ્યા પ્રમાણે, સાંસ્કૃતિક વિવિધતા જરૂરી છે પરંતુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર વધુ પડતો આધાર રાખવાથી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસ જોખમમાં મૂકાઇ શકે છે.
ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસે ભવિષ્યમાં વિવિધ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમ કે, હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર અંગેના વિવાદના કારણે ચાઇનીસ અર્થતંત્ર અને નાણા પર તેની અસર પડી રહી છે. અને જો ચીનનું નાણાકિય મૂલ્ય ઘટી જાય તો ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે આવતા ચાઇનીસ વિદ્યાર્થીઓની સંખ્યા પર પણ તેની અસર પડી શકે છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી ગ્રૂપના સભ્યએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર વધુ પડતો આધાર રાખવાની બાબતમાં પોતાનો પક્ષ મુકતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસની બહુસાંસ્કૃતિક ઓળખને વધુ સમૃદ્ધ કરી રહી છે.
યુનિવર્સિટીસ ઓસ્ટ્રેલિયાના સભ્ય કેટરીઓના જેક્સને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વિકાસમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. આ ઉપરાંત, છેલ્લા 50 વર્ષમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો કર્યો છે.ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને આવકારતા એક સ્થાનિક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, દરેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સાથે એક અલગ પ્રકારનો અનુભવ થાય છે. તેમની સંસ્કૃતિને જાણવાની તક મળતી હોવાથી મને તેમની સાથે અભ્યાસ કરવું ગમે છે.
Source: Reuters
ચીન – હોંગકોંગના વિદ્યાર્થીઓ વચ્ચેનું ઘર્ષણ ચિંતાજનક
હાલમાં જ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસમાં ચીન તથા હોંગકોંગના વિદ્યાર્થીઓ ઘર્ષણ થયું હતું. જે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસમાં ચાઇનીસ કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રભાવને ઊજાગર કરી રહ્યું છે. આ પ્રકારની ઘટનાએ દેશની કેન્દ્રીય સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
ગ્રેટ્ટન ઇન્સ્ટીટ્યૂટ પ્રોગ્રામ ડીરેક્ટર એન્ડ્ર્યુ નોર્ટને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી તેમનું વર્ચસ્વ પણ વધે છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીસમાં વિદ્યાર્થી નેતાની ચૂંટણીમાં વિજય મેળવે છે. દાખલા તરીકે, યુનિવર્સિટી ઓફ સિડની. વિજય મેળવ્યા બાદ તેઓ જે-તે વિચારધારાને અનુસરે છે અને તેમનો પ્રભાવ અહીંના વિદ્યાર્થી રાજકારણમાં પણ જોવા મળે છે.
બીજી તરફ યુનિવર્સિટી ઓફ સિડની સ્ટુડન્ટ રીપ્રેઝન્ટેટીવ કાઉન્સિલર એબ્બીએ જણાવ્યું હતું કે, અહીં યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં ચાઇનીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓ વિવિધ વિચારસરણી ધરાવે છે. એટલે, ફક્ત કોઇ એક વિદ્યાર્થીની વિચારસરણીના આધારે સમગ્ર જૂથ અંગે પૂર્વગ્રહ બાંધી ન શકાય.
સિડની યુનિવર્સિટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાની વિદેશનીતિનું એક મહત્વનું પાસું હોવાથી અહીં વિશ્વના વિવિધ દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ડેન તેહાને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાનો નિર્ણય જે-તે યુનિવર્સિટી પર આધારિત છે. રીપોર્ટમાં દર્શાવવામાં આવેલી સાતેય યુનિવર્સિટી આર્થિક રીતે પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે સમજીને નિર્ણય લઇ શકે છે.
More stories on SBS Gujarati
Indian students to surpass Chinese in Australian higher education