મોટાભાગના લોકો માટે, ઘર ખરીદવું એ જીવનનો સૌથી મોટો ખર્ચ હશે, તેથી ઓક્શન ની પ્રક્રિયા અને તેના વિશેષ નિયમો સમજી લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ચાલો એક હરાજી પહેલાં, દરમિયાન અને પછી શું કરવું તે જોઈએ.
હરાજી પહેલાં
* કોઈ પણ હરાજીમાં બોલી લગાવતા પહેલા, થોડા ઓક્શનમાં માત્ર પ્રેક્ષક બનીને ભાગ લો. પ્રક્રિયા ને નજરે નિહાળી, માહિતી મેળવવા માટે નિરીક્ષક તરીકે હરાજીમાં ભાગ લો.
* જે મકાન ગમે તેની પૂરેપૂરી તપાસ કરો, માત્ર ઘર જ નહિ પાડોશીઓ કોણ છે , આસપાસનો વિસ્તાર કેવો છે તેની તાપસ કરો. વધુ વિગતો માટે રિયલ એસ્ટેટ એજન્ટને પણ પ્રશ્ન પૂછો.
* નિષ્ણાત પાસેથી મકાનના બાંધકામની અને જીવ જંતુના ઉપદ્રવની ચકાસણી કરવો, અને તે પણ હરાજીના દિવસ અગાઉ. ઓક્શનમાં ભાગ લેતા પહેલા પેસ્ટ કંટ્રોલ ગોઠવી શકાય છે. એકવાર બોલી લગાવી દીધા પછી શરતો બદલી શકાતી નથી એટલે તમે સોલિસિટરની સલાહ પણ અગાઉ થી લઇ લો. જો કોઈનો મિલકત અથવા જમીન પર દાવો હોય, ઉદાહરણ તરીકે, રસ્તાના વિસ્તરણ માટે અથવા નવી પાવર લાઇન માટે તો તેના વિષે હરાજીમાં ભાગ લેતા પહેલા જાણવું જરૂરી છે.
* તમારી આર્થિક પરિસ્થિતિ મુજબ કેટલી લોન લઇ શકશો તે જાણી લો. બજેટ નક્કી કરી તેના પર મક્કમ રહેવું ખુબ જરૂરી છે. ઘર પાછળ કેટલો ખર્ચ કરવા માંગો છો, કેટલો કરી શકશો તે નક્કી કરતી વખતે અન્ય ખર્ચા પણ ધ્યાન માં રાખો - દા.ત. સ્ટેમ્પ ડ્યુટી, સોલિસિટરની ફી, કોઈ રૅનોવેશન ની જરૂર હોય તો તેનો ખર્ચ વગેરે. એ જ વિસ્તારમાં એવાજ મકાનોની કિંમત શું આંકવામાં આવી છે તે પણ જાણી લીધા પછી બોલી લગાવો.
હરાજીના દિવસે
* હરાજીમાં સમયસર પહોંચો જેથી તમારી પાસે મિલકત અને દસ્તાવેજો પર એક છેલ્લી નજર નાખવાનો સમય હોય. હરાજીના અડધા કલ્લાક પહેલાં, મકાનના દસ્તાવેજો જાહેરમાં મુકવા, એજન્ટ કાયદા દ્વારા બંધાયેલા છે. )
* મોટા ભાગના રાજ્યોમાં, ખરીદારોએ એજન્ટ પાસે નામ નોંધાવી બોલી લાગવાની મંજૂરી લેવી પડે છે અને તે માટે એક ફોટો ID બતાવવી પડે છે.
* જો તમે પોતે બોલી લગાવવા ન માંગતા હોવ તો, કોઈ વ્યક્તિ તમારા વતી બિડ કરી શકે છે.
હરાજી
* હરાજીના નિયમોની જાહેરાત કરીને લિલામ કરનાર પ્રારંભ કરશે.
* તે પછી એક પ્રારંભિક બોલી માટે પૂછશે અને તે રકમ થી આગળ વધવાનું રહેશે. જો લિલામ કરનાર એમ કહે કે દા. ત. $ 5000ના ઇન્ક્રીમેન્ટ્સ માં બોલી આગળ વધારવી તો તમે તેનાથી ઓછી રકમ વધારીને પણ બોલી લગાવી શકો છો પરંતુ એ બોલી સ્વીકારવી કે નહિ તેનો નિર્ણય લિલામ કરનાર અધિકારી લઇ શકે છે.
* માત્ર ભાવ વધારવા કે અન્યને બોલી લગાવતા અટકાવવા માત્ર કહેવા ખાતર બોલી લગાવવી - ડમી બીડ ગેરકાયદેસર છે.
* એકવાર રિઝર્વ કિંમત (ઓછામાં ઓછું કિંમત કે જેના પર વિક્રેતા વેચાણ કરશે), બોલાય પછી જ મિલકતને વેચાણ માટે તૈયાર ગણવામાં આવે છે. સૌથી વધુ બોલી બોલનાર ને વેચાય અને તે માટે લિલામ સમાપ્ત થાય ત્યારે લિલામ કરતા અધિકારી "સોલ્ડ" ની બૂમ પાડે છે.
હરાજી પછી
* જો તમે હરાજી જીત્યો હો, તો તમારે તરત જ કરાર પર હસ્તાક્ષર કરવો પડશે અને તરત જ ડિપોઝિટ (સામાન્ય રીતે ખરીદ કિંમતના 10%) ચૂકવવા પડશે. આ સોદોમાં cooling off period હોતો નથી તેથી સોદામાં થી પાછા ખોસાય નહિ. બાકીની રકમ વેચાણ પછી લગભગ એકથી ત્રણ મહિનાની અંદર ચૂકવવામાં આવે છે.
* જો રિઝર્વ કિંમત ના મળે અને વિક્રેતા હરાજીમાં નહિ વેચવાનું નક્કી કરે તો, સૌથી વધુ બોલી બોલનારને અલગ થી વેન્ડર સાથે વાટાઘાટ કરવાની અગ્રતા મળે છે.
* જો એક ઓક્શનમાં ઘર ન ખરીદી શકો તો નાસીપાસ થવાની જરૂર નથી , તમારા બજેટમાં બીજા ઘણા મકાનો ઉપલબ્ધ હોય છે.