છ વર્ષનો અયાન ખાન છેલ્લા એક વર્ષથી અંગ્રેજી શીખી રહ્યો છે. અંગ્રેજી ભાષા ઉર્દુ અને પશ્તો બાદ તેની ત્રીજી ભાષા છે.
તે જણાવે છે કે તેને ભાષા શીખવામાં મજા આવે છે. કારણ કે તે જ્યારે તેના પિતા સાથે સુપરમાર્કેટ્સમાં જાય ત્યારે ખાદ્યસામગ્રીઓ પર લગાવેલા લેબલ આસાનીથી વાંચી શકે અને તેના મિત્રો સાથે સ્કૂલમાં વાત પણ કરી શકે.
"કારણ કે હું મારી સ્કૂલમાં અંગ્રેજી બોલી શકું છું."
તે SBS ની ત્રીજી રાષ્ટ્રીય ભાષા સ્પર્ધામાં વિજેતા થયેલા પાંચ સ્પર્ધકમાંથી એક છે. સ્પર્ધામાં તમામ ઉંમરના લોકોને ભાષા શીખવાથી તેમના જીવનમાં શું ફેરફાર થઇ રહ્યા છે તે ચિત્રો અથવા ફોટો દ્વારા મોકલવા અંગે જણાવાયું હતું.
SBS ના ઓડિયો લેગ્વેજ કન્ટેટના ડિરેક્ટર માન્ડી વિક્સે જણાવ્યું હતું કે સ્પર્ધામાં ૮૦ ભાષાઓમાંથી લગભગ ૪000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
"અમને ઘણી બધી એન્ટ્રી મળી હતી. અમને ઓસ્ટ્રેલિયાના તમામ રાજ્યો અને ટેરીટરીમાંથી એન્ટ્રી મળી હતી. અમને વ્યક્તિગત એન્ટ્રી તથા આખા ક્લાસની પણ એન્ટ્રી મળી હતી. ઘણી બધી એન્ટ્રી મળી તેનો અમને આનંદ છે. તેના પરથી એક તારણ નીકળે છે કે ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા લોકો ભાષાઓ શીખી રહ્યાં છે."
શિક્ષણ પ્રધાન ડેન તિહાને એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી. તેમણે ભાષા શીખવાના પોતાના અનુભવો અંગે જણાવ્યું હતું કે તેમની બદલી સેન્ટ્રલ અમેરિકામાં થઇ હતી અને ત્યાં તેઓ ભાષા શીખ્યા હતા જેનો ઘણો ફાયદો થયો હતો.
સ્થાનિક સંબંધો અને વેપાર વધારવા માટે તે પ્રદેશની ભાષા શીખવી જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે,"એશિયન દેશો આપણાથી નજીક છે. આપણે આપણી નજીકના દેશોની સંસ્કૃતિ સમજવી જરૂરી છે. આપણે તેમની સાથે જોડાવવાનો પ્રયત્ન કરવો જોઇએ કારણ કે આર્થિક રીતે તેઓ દેશ માટે મહત્વના છે."
૨૦૧૬ના આંકડા પ્રમાણે, ધોરણ ૧૨માં અભ્યાસ કરતા ૧૧ ટકા વિદ્યાર્થીઓ બીજી ભાષા શીખી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીએ હાલમાં જ પાંચ વર્ષ સુધી ૧૧.૬ મિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે જેમાં તેઓ ઓનલાઇન માધ્યમ દ્વારા એશિયન અને પેસિફીક ભાષાઓ શીખવાડશે.
ANU કોલેજના એશિયા પેસિફીક વિભાગના એસિસિયેટ ડીન, ડો.નિકોલસ ફેરેલીએ જણાવ્યું હતું કે, "ફંડીગમાં ઓછી જાણીતી ભાષાઓ જેમ કે થાઇ, તેતુમ અને મોંગોલિયન પર વધારે ધ્યાન અપાશે."
જે સમયે અન્ય ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ ભાષાની જાળવણી કરવામાં સંઘર્ષ કરી રહી છે ત્યારે અમે આ નિર્ણય લઇ રહ્યાં છીએ. અમે વર્ષોથી જે ભાષાઓ શીખવાડાઇ રહી છે તે જ નહીં પરંતુ અન્ય ભાષાઓ શીખવવા માટે કટિબદ્ધ છીએ.
જોકે, ૧૧ વર્ષીય હરનીપ કૌર પંજાબી ભાષા એટલા માટે શીખી રહી છે કારણ કે તે ભારતમાં તેના પરિવાર તથા સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે.
"ગયા વર્ષે હું ભારત ગઇ હતી. ત્યાં હું પંજાબી બોલી શકતી હતી. વાંચી શકતી હતી અને મારા સંબંધીઓ સાથે વાર્તાલાપ કરી શકતી હતી તેથી જ મારા માટે પંજાબી જાણવું જરૂરી છે," તેમ તેણે જણાવ્યું હતું.
ગુજરાતી એન્ટ્રી
૮૦ અલગ અલગ ભાષાઓમાં ૪૦૦૦ એન્ટ્રી આવી હતી જેમાં ૧૭ ગુજરાતીઓએ ભાગ લીધો છે.
આઠ વર્ષની વામાએ લખ્યું "ભાષા મનના દરવાજા ખોલે છે."આઠ વર્ષની રીવાએ ગુજરાતી કેમ શીખે છે તેના વિષે એક સુંદર ચિત્ર બનાવીને મુક્લાવ્યું તો નવ વર્ષના નિત્યએ ફટાકડાની મજા દર્શાવતું ચિત્ર મોકલાવ્યું છે. ચૌદ વર્ષની પ્રીત કહે છે ઋષિમુનીઓએ આપેલું તત્વજ્ઞાન જીવનમાં ઉતારી શકું એટલે માતૃભાષા શીખી રહી છું.
SBS National Langauges Competition 2018 Source: SBS Radio
ની વેબ્સાઈટ પર સર્ચમાં ગુજરાતી લખશો તો બધી ગુજરાતી એન્ટ્રી જોઈ શકશો.