શિક્ષક દિન નિમિત્તે યાદ કરીએ શિક્ષકો અને વિદ્યાર્થીના જીવનમાં રહેલા તેમના અમૂલ્ય યોગદાનને

ભારતમાં 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને શિક્ષકોના તેમના જીવનમાં રહેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને સન્માનિત કરશે. રાષ્ટ્રપતિએ પણ દેશવાસીયોને શુભેચ્છા પાઠવી.

Teacher's Day

Source: Supplied

સમગ્ર ભારતમાં ૫મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વર્ષે ગુજરાતમાં કુલ ૩૨૭૨૨ સરકારી શાળાઓ તથા અન્ય ખાનગી શાળાઓમાં આજે શિક્ષક દિવસ ઉજવાશે અને મોટે ભાગે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષકનો રોલ અદા કરી શિક્ષકોને માન આપશે અને જીવનના પાઠ ભણશે.

આવો, શિક્ષક દિન નિમિત્તે જાણીએ ગુજરાતના શિક્ષકો, તેમના અવનવા અભિગમ અને વિદ્યાર્થીઓના સિંચનમાં તેમના યોગદાન વિશે.

મુખ્યમંત્રી સાથે વાર્તાલાપ માટે પસંદગી

આણંદ જિલ્લાની ગો જો શારદા મંદિરના પ્રિન્સિપાલ રીટાબેન પટેલને ગત વર્ષે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે પણ મુખ્યમંત્રીએ ગુજરાતના ૯૫ શિક્ષકો સાથે શિક્ષણ કેમ સુધારી શકાય તે વિષય પર સંવાદ યોજ્યો છે જેમાં રીટાબેનની પણ પસંદગી કરવામાં આવી છે.

નવા જ અભિગમ દ્વારા વિદ્યાર્થીઓનું સિંચન

રીટાબેને શાળામાં અમલમાં મૂકવામાં આવી રહેલા નવા અભિગમ અંગે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, તેમણે શાળામાં નવો જ અભિગમ અપનાવ્યો છે. જેની સકારાત્મક અસર પણ જોવા મળી રહી છે. બાળક જો ગુનો કરે તો કાઉન્સલીંગ કરીને ઘરનું વાતાવરણ - પરિસ્થતિ જાણીને તેઓ ને પરત વાળવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવે છે.
શાળાની એક વિદ્યાર્થીની અંજલિ પટેલ વિમેન્સ ક્રિકેટ ટીમમાં સામેલ થઇ છે. એનસીસીની વિદ્યાર્થીઓ કાયમ દિલ્હી ખાતે યોજાતી શિબીરમાં ભાગ લે છે. વિજ્ઞાન મેળામાં શાળાએ રાજ્ય કક્ષા સુધીની સફર કરી છે. સરગવા ઉપર વિશેષ ભાર આપીને દસ લાખ રૂપિયાના ટર્નઓવરવાળો નેનો લઘુ ઉદ્યોગ પણ શરૂ કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાત સહિત ભારતની મોટાભાગની શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ શિક્ષક દિનની ઉજવણી કરશે. નડિયાદની એસ એન વી ઇન્ટરનેશનલ શાળામાં ભણતા પર્જન્ય મેહતાએ પણ શિક્ષક દિવસની ઉજવણીમાં સ્વેચ્છાએ સક્રિય ભાગ લીધો છે અને, શિક્ષકોના સન્માનમાં વિવિધ કાર્યક્રમો ઉજવવાનું નક્કી કર્યું છે.

સામાન્ય રીતે, ગુરુ પૂર્ણિમાએ શિક્ષકોને માન આપવાનો પરંપરાગત દિન છે. પરંતુ, આધુનિક યુગમાં સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન ૫/૯/૧૮૮૮ ના દિનને અનુલક્ષીને ૧૯૬૨થી શિક્ષક દિન ઉજવાય છે.

Image

શિક્ષકોનું યોગદાન અમૂલ્ય

રિટાયર્ડ આઈ.એ.એસ ઓફિસર , સાક્ષર અને એજ્યુકેશન સેક્ટરીમાં ફરજ બજાવી ચૂકેલા કુલીનચંદ્ર યાજ્ઞિકે ગુજરાતના ઇતિહાસના મહાન શિક્ષકોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રી-પ્રાઈમરીમાં ગિજુભાઈ બધેકા, પ્રાથમિકમાં ભાવનગરના નાનાભાઈ ભટ્ટ, શિક્ષકોમાં ગુજરાત કોલેજના વાઇસ પ્રિન્સીપાલ આનંદશંકર ધ્રુવ, સુરતના વિષ્ણુપ્રસાદ જોશી, ગાંધી યુગના ઉમાશંકર જોશી,યશવંત શુક્લ રવિશંકર જોશી, સુરેશ જોષીજી, સુરતના પ્રો. એમ.એન શાહ, પી.સી.વૈદ્ય, ડો.રમણલાલ યાજ્ઞિક, ડો.રોમાન્સ, એસ.આર. ભટ્ટ, અને રમણલાલ મેહતા જેવા મહાન શિક્ષકોનું યોગદાન ભૂલાય તેમ નથી.

કુલિનચંદ્ર યાજ્ઞિકે વધુમાં ઉમેર્યું હતું કે, જાપાની મૂળના લોકોમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. વિદ્યાર્થીઓ અભ્યાસનીમાં રૂચિ કેળવીને અવનવા પાઠ શીખે છે.

પચાસેક વર્ષ પહેલા જાપાનનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાતમાં આવ્યું હતું અને શાળાનો અભ્યાસ કરીને શિક્ષણમાં માનવતાવાદી અભિગમ કેવી રીતે આવે તે વિષે ચર્ચા કરી હતી, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાષ્ટ્રપતિને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી

ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સમગ્ર દેશવાસીયોને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, શિક્ષક દિવસ પર હું ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને દેશના યુવાનોને મૂલ્યો અને આદર્શોને વળગીને સપના સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરતા તમામ શિક્ષકોને આ દિવસની શુભકામના પાઠવું છું.

Share
Published 5 September 2019 4:12pm
Updated 5 September 2019 8:35pm
By Amit Mehta

Share this with family and friends