વતનથી દૂર રહેતા ગુજરાતી સમાજના લોકોને ગુજરાતી વાનગીઓ તથા તેના કલ્ચરને ફરીથી માણવાની તક મળે તે ઉદ્દેશ્ય સાથે રાજકોટ ગુરુકુળ સંસ્થા દ્વારા ઓસ્ટ્રેલિયાના મેલ્બોર્નમાં ગુજરાતી ફૂડ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400 જેટલા ભારતીય સમાજના લોકોએ ભાગ લીધો હતો.
ગુજરાતી યુવા પેઢીમાં ગુજરાતી કલ્ચરનો પ્રચાર કરવાનો હેતૂ
કાર્યક્રમ અંગે વાત કરતાં સંસ્થાના વોલન્ટિયર યોગી પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતી સમાજના લોકોને તેમની ગુજરાતી વાનગીઓનો સ્વાદ તથા બાળકો તથા યુવાવર્ગને ગુજરાતી કલ્ચર અંગે માહિતી મળે તે માટે ગુજરાતી ફૂડ ડે યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાળકો માટે ગાયન સ્પર્ધાનું આયોજન કરવમાં આવ્યું હતું.
Image
વિવિધ પ્રકારની ગુજરાતી વાનગીઓ
વોલન્ટિયર વિરાંગ કછાડિયાએ કાર્યક્રમમાં પીરસવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "ગુજરાતી ફૂડ ડેની ઉજવણીમાં ગુજરાતી નાશ્તા, રોટલા, મીઠાઇ તથા વિવિધ પ્રકારના ફરસાણ સહિતની કુલ 50 જેટલી વાનગીઓ પીરસવામાં આવી હતી અને આ ઉજવણીની ખાસ વાત એ રહી હતી કે તમામ વાનગીઓ ગુજરાતી સમાજના લોકો દ્વારા તેમના ઘરે જ બનાવવામાં આવી હતી".
ગુજરાતની ઓળખ સમા થેપલા, ફાફડા, ગાંઠીયા, ખાખરા ઉપરાંત ચકરી, ખમણ, કચોરી, બટાકાવડા, ભજીયાં, હલવો, અથાણું, ભાખરી, પરોઠા, પુરી, સુખડી, બટાકા પૌંઆ,પેંડા, બાસુંદી હાંડવો, ચુરમા લાડુ, દાબેલી જેવી વાનગીઓનો ઉપસ્થિત લોકોએ આનંદ માણ્યો હતો.અન્ય એક વોલન્ટિયર રાજેશ આયરે જણાવ્યું હતું કે, "ગુજરાતી ફૂડ ડેની ઉજવણીમાં લેબર પાર્ટીના સારાહ કોનોલી સહિત 400 જેટલા ભારતીય સમાજના લોકોએ ભાગ લીધો હતો અને વાનગીઓ માણી હતી."
Gujarati dish. Source: Yogi Patel
સારાહ કોનોલીએ ગુજરાતી ફૂડ અને ગુજરાતી સમાજના લોકો દ્વારા પોતાના કલ્ચરને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના ફેસબુક પેજ પર “I’m officially a Gujarati Food convert!” તેવી પોસ્ટ કરી હતી જ્યારે ટ્વિટરના માધ્યમથી ગુજરાતી વાનગીઓ માણ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.