17મી ઓક્ટોબરથી ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં યર 12ની પરીક્ષા શરૂ થઇ રહી છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં પણ આગામી સમયમાં પરીક્ષા શરૂ થશે.
યર 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય ખૂબ જ અગત્યનો બની જાય છે અને આ સમયમાં તેણે માનસિક તાણ અને પરીક્ષા વચ્ચે સમતુલન જાળવવું મહત્વનું છે.
રીચઆઉટ નામની સંસ્થાએ યુવાનોના આરોગ્ય અને તેમની શારીરિક અને માનસિક સુખાકારીને અસર કરતા કેટલાક પરીબળો તપાસ્યા હતા.
Image
પરીક્ષામાં સફળતા અને ભવિષ્યની ચિંતા માનસિક તાણના કારણો
રીચઆઉટ સંસ્થાના ચીફ એક્સિક્યુટીવ એશ્લે ડી સિલ્વાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવાનું અને ત્યાર બાદ ભવિષ્યની ચિંતા જેવા પ્રશ્નોના લીધો માનસિક તાણમાં વધારો થાય છે.
વિદ્યાર્થીઓ તાણ સામે રક્ષણ મેળવે
જે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે માનસિક તાણની પરિસ્થિતીનો સામનો કરતા હોય તેમણે વિવિધ પ્રકારની મદદ દ્વારા રક્ષણ મેળવવું જોઇએ. સંસ્થા દ્વારા 14થી 25 વર્ષ સુધીની ઉંમરના 1000 વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા સર્વે પ્રમાણે, 66 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ માનસિક તાણની પરિસ્થિતીમાં કોઇ પણ પ્રકારની મદદ કે સહારો લેતા નથી.
સિડનીમાં યર 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કાર્ટર ઓપેરમાને જણાવ્યું હતું કે ભૂતકાળમાં તેણે માનસિક તાણનો સામનો કરતી વખતે કોઇ પણ મદદ લીધી નહોતી.
Image
માતા-પિતા દ્વારા માર્ગદર્શન
માનસિક તાણનો સામનો કરતા વિદ્યાર્થીઓ તેમના માતા-પિતાની પણ મદદ લઇ શકે છે. માતા-પિતા બાળકની પરિસ્થિતી સમજી તેનું નિરાકરણ લાવી શકે છે.
સર્વેના જણાવ્યા પ્રમાણે, પરીક્ષા સમયે માનસિક અસ્વસ્થતાનો સામનો કરતા લગભગ 66 ટકા વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા પાસેથી સલાહ અને મદદ લે છે.
સમયાંતરે આરામ જરૂરી
જે વિદ્યાર્થીઓ પરીક્ષાનો તાણ અનુભવતા હોય તેમણે થોડા થોડા સમયે આરામ કરવો જરૂરી બની રહે છે. આ ઉપરાંત, પરીક્ષામાં સફળતા મેળવવા અંગેનું દબાણ ન લઇને તાણ ઓછો કરવા માટે મનગમતી પ્રવૃત્તિ કરવી જરૂરી છે.
પરીક્ષાનો તાણ ઓછો કરતી 5 એપ્લિકેશન્સ
પરીક્ષાના સમયે મોટાભાગના વિદ્યાર્થીઓને માનસિક તાણની સમસ્યા સતાવતી હોય છે અને પરીક્ષામાં ઉત્તીણ થવાની ચિંતામાં તેઓના સ્વાસ્થ્ય પર અસર પડે છે.
5 એપ્લિકેશન્સ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અને ચિંતામાં ઘટાડો કરી શકે છે.
- My Study Life – આ એપ્લિકેશન વિદ્યાર્થીઓને એસાઇનમેન્ટ અને અન્ય વર્ક માટેનું ટાઇમટેબલ બનાવવામાં મદદરૂપ થાય છે.
- ReachOut Breathe – આ એપ્લિકેશન વિદ્યાર્થીઓને ચિંતા અને મુશ્કેલ પરિસ્થિતીમાં હ્દયના ધબકારા સામાન્ય કરવામાં મદદ કરે છે. અને, હાર્ટ રેટ પણ માપી શકાય છે. જેના દ્વારા પરીક્ષા દરમિયાન માનસિક તાણની પરિસ્થિતી પર કાબુ મેળવી શકાય છે.
- HabitBull – આ એપ્લિકેશન વિદ્યાર્થીને તેમનું નક્કી કરેલું ટાઇમટેબલ અનુસરવા માટે મદદરૂપ થાય છે અને તે પ્રમાણે સ્કોર આપે છે.
- Recharge – આ એપ્લિકેશન વિદ્યાર્થીઓને આરામનો સમય નક્કી કરવામાં મદદ કરે છે અને સવારના સમયમાં વિવિધ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવા વિશે પણ માર્ગદર્શન આપે છે.
- Pause – આ એપ્લિકેશન વિદ્યાર્થીઓને ધ્યાનમગ્ન કરવા ઉપરાંત, માનસિક તાણના સમયમાં સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેની માહિતી આપે છે.