કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારે ઓસ્ટ્રેલિયામાં મકાનની કિંમતોમાં જંગી ઘટાડો જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ વર્તમાન પરિસ્થિતી જોતા તેમાં ધારણા પ્રમાણેનો ઘટાડો નોંધાયો નથી.
માર્ચથી સપ્ટેમ્બર 2020 દરમિયાન મકાનોની કિંમતમાં 1.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ત્યાર બાદ ઓક્ટોબર અને નવેમ્બરમાં તેમાં અનુક્રમે 0.4 તથા 0.8 ટકાનો વધારો નોંધાયો હતો.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના આંકડા પ્રમાણે, શરૂઆતમાં કોરોનાવાઇરસની મહામારીના કારણે મકાનોની ખરીદી માટે રોકવામાં આવતા નાણામાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ઓક્ટોબર મહિના સુધીમાં તેમાં 14.5 ટકા જેટલો વધારો થયો છે.
સંસ્થાના હેડ ઓફ રીસર્ચ ઓસ્ટ્રેલિયાના એલિઝા ઓવેને જણાવ્યું હતું કે કોરોનાવાઇરસની મહામારી દરમિયાન મકાનોની કિંમતમાં જંગી ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, તેમાં મહામારી અગાઉની કિંમત કરતા 0.7 ટકાનો જ ઘટાડો નોંધાયો છે.
મકાનોની કિંમતોમાં ઘટાડો નહીં થવાનું મુખ્ય કારણ મહામારી દરમિયાન લેવામાં આવેલા પગલાં, લોનના વ્યાજમાં ઘટાડો, પ્રથમ વખત ઘર ખરીદતા લોકો માટે સહાય જેવી બાબતોનો સમાવેશ થાય છે.એક નજર ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો અને ટેરીટરીમાં કોરોનાવાઇરસની મહામારી બાદ મકાનોની કિંમત તથા ખરીદીમાં જોવા મળતા ટ્રેન્ડ પર...
A house is for sale in Sydney Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સ
નવેમ્બર 2020 સુધીના છેલ્લા 3 મહિનામાં સિડની તથા ન્યૂ સાઉથ વેલ્સના રીજનલ વિસ્તારોમાં મકાનોની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે. સિડનીમાં મિલકતોની કિંમત 0.3 ટકા જેટલી વધી છે જ્યારે રીજનલ વિસ્તારોમાં તેમાં 3.1 ટકા જેટલો વધારો નોંધાયો છે.
રીજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં વર્ષ 2017 બાદ આ સૌથી મોટો ત્રિમાસિક વધારો છે.
મંદીનો માહોલ હોવા છતાં પણ રાજ્યના રીજનલ વિસ્તારોમાં મકાનોની ખરીદી વધી રહી છે. તમામ રીજનલ વિસ્તારોમાં નવેમ્બર સુધીના 3 મહિનામાં 18,000 જેટલી મિલકતોનું વેચાણ થયું છે.
વર્ષ 2021માં પણ રાજ્યમાં મકાનોની ખરીદીમાં વધારો જોવા મળે તેવું અનુમાન છે.
વિક્ટોરીયા
નવેમ્બર મહિના બાદ વિક્ટોરીયામાં મિલકતોનું બજાર ઉંચું રહે તેવી શક્યતા છે. અગાઉ મેલ્બર્નમાં મિલકતોની કિંમતોમાં માર્ચ 2020 બાદ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
મેલ્બર્નમાં સપ્ટેમ્બરમાં 2756 મિલકતો વેચાણ માટે ઉપલબ્ધ હતી. જે નવેમ્બરમાં 8000 સુધી પહોંચી હતી. 4301 જેટલી મિલકતો વેચાઇ હતી. જોકે, વેચાણ માટે ઉપલબ્ધ મિલકતોની સરખામણીએ વેચાયેલી મિલકતોની સંખ્યામાં વધુ અંતર જોવા મળ્યું હતું.
મેલ્બર્નમાં કોરોનાવાઇરસના કારણે ભાડા પર આપવામાં આવતી મિલકતોને સૌથી વધુ અસર પહોંચી હતી.
ક્વિન્સલેન્ડ
બ્રિસબેનમાં કોરોનાવાઇરસની મહામારી શરૂઆતથી નવેમ્બર મહિના સુધીમાં મકાનોની કિંમતમાં 0.9 ટકાનો વધારો થયો છે.
ક્વિન્સલેન્ડના મોટાભાગના વિસ્તારોમાં મિલકતોના બજારમાં વધારો થયો છે. રાજ્યના 19 વિસ્તારોમાંથી 17 જેટલા વિસ્તારોમાં કોરોનાવાઇરસની મહામારી બાદ મકાનોની કિંમત વધી છે જ્યારે બ્રિસબેન ઇનર સિટી તથા બ્રિસબેન વેસ્ટમાં મકાનોની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.
Housing prices might be heading for a recovery. Source: ABC Australia
સાઉથ ઓસ્ટ્રેલિયા
સાઉથ ઓસ્ટ્રેલિયાના એડીલેડમાં કોરોનાવાઇરસના સમયગાળા દરમિયાન મકાનોની કિંમતમાં ઘટાડો નોંધાયો નહોતો. નવેમ્બર મહિના સુધીના ત્રણ મહિનાઓમાં એડિલેડના ઉત્તરીય વિસ્તારોમાં મકાનોની કિંમત વધી હતી. એડિલેડમાં અન્ય શહેરોની તુલનામાં મકાનોની કિંમતોમાં ઓછી વધઘટ જોવા મળી હતી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં મિલકતોની માંગમાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નવેમ્બર સુધીના ત્રણ મહિનામાં પર્થમાં મકાનોની કિંમતમાં 0.9 ટકા તથા યુનિટની કિંમતમાં 0.1 ટકાનો વધારો થયો છે.
કોરોનાવાઇરસની મહામારી બાદ પર્થમાં ભાડાની કિંમતમાં પણ સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ નોંધાઇ છે.
તાસ્મેનિયા
હોબાર્ટ ચોથું સૌથી મોંઘુ કેપીટલ સિટી માર્કેટ બન્યું છે. નવેમ્બરમાં અહીંના યુનિટની સરેરાશ કિંમત 414,966 ડોલર જેટલી હતી. અને માર્ચથી નવેમ્બર સુધીમાં મકાનોની કિંમત 3.9 ટકા જેટલી વધી હતી.
Source: AAP
નોધર્ન ટેરીટરી
ડાર્વિનમાં માર્ચથી નવેમ્બર મહિના સુધીમાં મકાનોની કિંમતોમાં 5.8 ટકાનો વધારો થયો છે. જોકે, તે હજી પણ વર્ષ 2014ની રેકોર્ડ સપાટીથી 27.4 ટકા ઓછી છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
નવેમ્બર સુધીના 3 મહિનામાં ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં મકાનોની કિંમતમાં 3.3 ટકાનો વધારો થયો છે. સિડની તથા મેલ્બર્ન બાદ ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં મકાનોની કિંમત સૌથી વધુ છે પરંતુ ડાર્વિન અને પર્થ બાદ તે ત્રીજા ક્રમનો સૌથી વધુ પોષાય તેવો વિસ્તાર છે.