મેલબર્નની મેલ્ટન ક્રિસ્ટીઅન કોલેજ (MCC) શાળાએ, શાળાની યુનિફૉર્મનીતિને પગલે પાઘડી પહેરનાર એક શીખ વિદ્યાર્થીને દાખલ કરવાનો ઇન્કાર કર્યો છે. વિદ્યાર્થીના પિતા સાગરદીપ સિંહ અરોરા એ શાળાના આ નિર્ણયને ભેદભાવભર્યો ગણાવ્યો છે અને આ અંગે તેઓએ વિક્ટોરિયા નાગરિક અને પ્રસાશનિક ટ્રીબ્યુનલ (VCAT) માં ફરિયાદ પણ કરી છે.
સાગરદીપનું કહેવું છે કે તેઓએ શાળા સાથે શીખ ધર્મમાં વાળ ન કપાવવાના અને પાઘડી પહેરવાના મહત્વ અને ધાર્મિક માન્યતાઓ અંગે ચર્ચા કરી હતી. તેમનું કહેવું છે કે પોલીસ, સેના જેવી ઘણી સંસ્થાનો યુનિફાર્મમાં શીખોને છૂટછાટ આપે છે.
એસ બી એસ પંજાબી વડે મેલ્ટન ક્રિસ્ટીઅન કોલેજનો સંપર્ક કરતા, શાળાએ વિક્ટોરિયન સમાન તક અને માનવાધિકાર પંચને આપેલ લેખિત જવાબ અંગે જણાવ્યું હતું.
શાળા એ પંચને જણાવ્યું છે કે છેલ્લા 30 વર્ષથી તેઓએ ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા સમુદાયોના વિદ્યાર્થીઓને દાખલ આપ્યા છે. શાળાને તેમના વારસા પર ગર્વ છે. શાળાના યુનિફોર્મ પ્રોટોકોલ પ્રમાણે યુનિફોર્મ સાથે અનુમતિ આપેલ સિવાયની કોઈપણ વસ્તુ પહેરવાની મનાઈ છે.
(શીખ પરિવાર દ્વારા થયેલ) ફરિયાદ અને અન્ય વિકલ્પોનો અભ્યાસ કર્યા બાદ, શાળા પોતાની યુનિફોર્મ નીતિ પર કાયમ રહી છે.
આ ઘટનાના પગલે વિક્ટોરિયન નાગરિક અને પ્રસાશનિક ટ્રિબ્યુનલમાં થયેલ ફરિયાદની સુનવણી 16મી એપ્રિલ 2017 ત્રણ દિવસ માટે કરવામાં આવશે.