ન્યૂ સાઉથ વેલ્સમાં શુક્રવારે કોવિડ-19ના નવા 882 કેસ નોંધાયા હતા. પરંતુ, રાજ્ય સરકારે સ્કૂલ તથા વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ અભ્યાસને લઇને મહત્વના નિર્ણયો લીધા હતા.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ 25મી ઓક્ટોબરથી તબક્કાવાર શાળામાં પરત ફરશે અને HSC ની પરીક્ષાઓ નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.
ન્યૂ સાઉથ વેલ્સ સરકારે નવેમ્બર 8 સુધીમાં શાળાના તમામ કર્મચારીઓ માટે રસી લેવી ફરજિયાત બનાવી છે. તેમને 6ઠી સપ્ટેમ્બરથી રસી માટે પ્રાથમિકતા અપાશે.
ન્યૂ સાઉથ વેલ્સમાં શાળા અને વિદ્યાર્થીએના અભ્યાસ અંગે લેવામાં આવેલા નિર્ણયો પર એક નજર...
![News](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/ikk.png?imwidth=1280)
NSW Premier Gladys Berejiklian speaks to the media Source: AAP
- HSC ની પરીક્ષા નવેમ્બર 2021 સુધી મુલતવી
- ઓક્ટોબર 25થી પ્રત્યક્ષ અભ્યાસ શરૂ થશે
- કિન્ડરગાર્ટન અને ધોરણ 1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 25મી ઓક્ટોબરથી શાળાએ આવી શકશે
- ધોરણ 2, 6 અને 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 1લી નવેમ્બરથી
- ધોરણ 3,4,5,7,8,9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 8મી નવેમ્બરથી
- ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 25મી ઓક્ટોબરથી શાળાએ આવી શકશે
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં શાળાએ આવનારા વિદ્યાર્થીઓ માટે કેવા નિયંત્રણો અમલમાં આવશે
રાજ્યના વિદ્યાર્થીઓ માટે લેવલ-3ના કોવિડ-19 નિયંત્રણો અમલમાં આવશે. જે અંતર્ગત...
- વિદ્યાર્થીઓના વિવિધ સમૂહ પ્રમાણે તેમનો અભ્યાસ શરૂ અને પૂરો કરવાનો તથા તેમનો બ્રેકનો સમય અલગ અલગ રહેશે
- અન્ય સમૂહ સાથે ભેગા થઇ શકશે નહીં
- શાળામાં યોજાતી જાહેર સભા, સંગીત કાર્યક્રમ જેવા કાર્યક્રમો યોજાશે નહીં
- શાળામાં બહારના મુલાકાતીઓને પ્રવેશ મળશે નહીં તથા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
જે સ્થાનિક સરકારી વિસ્તારોમાં ઓક્ટોબર 25 અગાઉ ઘરમાં જ રહેવાના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવે તે વિસ્તારના વિદ્યાર્થીઓ શાળામાં પરત ફરી શકશે.